Wednesday, April 22, 2020

અમારી ચારધામ યાત્રા ભાગ -9

{કેદારનાથ - ગૌરીકુંડ - સોનપ્રયાગ – (સગરગામ પાસે ખીણના કિનારે) હોટેલ}
            આજે તા. 11 જુન 2019, મંગળવાર. ભગવાન કેદારનાથનાં સાંનિધ્યમાં રાત્રીરોકાણ બાદ આજે યાત્રિકો Relax મૂડમાં છે. સવારે  05:30 વાગ્યે જાગ્યા. બાબાના સાંનિધ્યમાં ઠંડી તેની પરાકાષ્ટા પર છે. નિત્યકર્મ કર્યું. મારી તબિયત આશ્ચર્યજનક રીતે ઘણી સારી છે. સાથી યાત્રાળુઓ, અમારા રાત્રી નિવાસના નીચે આવેલ ભોજનાલયમાંથી મારા માટે ગરમ પાણીની એક મોટી બોટલ ભરી લઇ આવ્યા છે.  ડોકટરશ્રીએ આપેલ પાવડર તેમાં નાખી મારી પાસે રાખી લીધેલ છે. થોડા- થોડા સમયે તેમાંથી પાણી પીવાનું શરુ કર્યું છે. સવારે ભોલેબાબાનાં ફરી દર્શન કર્યા. હવે આગળની યાત્રા શરુ કરવા માટે  કેદારબાબા પાસેથી વિદાઈ લીધી. અત્યારે ફરીથી દોઢ કિમી. ચાલવાનું શરુ કર્યું. રસ્તામાં હેલીપેડ પર હેલીકોપ્ટર વારંવાર ચઢ – ઉતર કરે છે.
          જે લોકો પૂરતો સમય આપી શકે તેમ નથી અથવા શારીરિક રીતે અસક્ષમ છે કે બીજું કોઈ કારણ હોય તેઓ માટે હવે હેલીકોપ્ટર સેવા દ્વારા દર્શન સંભવ બન્યા છે. પરંતુ હું માનુ છું કે, આ હેલીકોપ્ટરમાં કેટલીક (કદાચ ત્રણ - ચાર) મિનિટોમાં જ કેદારધામ પહોંચી જવાતું હોવાથી, તેઓ પગપાળા માર્ગના કુદરતી સૌન્દર્યની અનૂભૂતિથી વંચિત રહી જાય છે. અને અત્યારે જે વર્ણન કરું છું તે કદાચ તેમને માટે સંભવ નથી. તેવા યાત્રિકોએ યાત્રામાં આવતા કે જતા એકાદવાર (શક્ય હોય તો) પગદંડીવાળે રસ્તે આવવું જોઈએ.
       ખેર, અમે ચાલતા - ચાલતા અમારી બધી દિશાઓમાં સવારમાં કુદરતે બદલી નાખેલા દ્રશ્યો જોતા જ રહી ગયા. અહી આવતા જે પહાડ જોયેલા તેમાંથી મોટાભાગના અત્યારે બરફથી ઢંકાઈ ગયેલા છે. કેદાર દુર્ઘટના વાળા ગ્લેશિયર વાળો પહાડ દૂર જોઈ શકાય છે. ખીણમાં વહેતા - વહેતા જ થીજી ગયેલા ઝરણાં જોયા. હવે અમે ઘોડાવાળા કેન્દ્રએ પહોંચી ગયા. ઘોડા નક્કી કર્યા. તેના નાણાં રાબેતા મુજબના ડોક્યુમેન્ટ્સ સાથે જમા કરાવી પહોંચ લઇ, તમામ યાત્રીકોને આપી દીધી. હવે સૌએ ફરી ઘોડે સવારી શરુ કરી. પરંતુ મને, મારા ઘોડા પર બેસતા જ લાગ્યું કે ઘોડો ચાલતા ખોડંગાય છે. મેં ઘોડાવાળાને તરત જ ચેતવ્યો. પરંતુ તેણે માત્ર ઘોડાના પગમાં નવો નાલ બેસાડેલ હોવાનું રટણ શરુ કર્યું. પણ હું ઘોડાનું દુઃખ સહન કરી શકતો નથી. વારંવાર કહેતો રહ્યો પરંતુ, ઘોડાવાળો કહે, “અભી સવારી લે કે આયા, અભી એક / દેઢ  કિલોમીટરમેં ઠીક હો જાયેગા.” છેવટે એકાદ કિમી બાદ ઘોડો ચાલતો બંધ થયો. મને કહે “અભી કોઈ ઘોડેવાલા સવારી લેગા નહિ થોડી દેર આરામ કરને કે બાદ ફિર ચલેંગે.” હું નીચે ઉતરી ગયો. ઘોડાને પાણી પીવડાવ્યું આરામ કરાવ્યો. ત્યારબાદ મેં તેને ખાલી ઘોડો લઇ મારી સાથે ચાલતા આવવા તથા ચિંતા ન કરવા કહ્યું. હું હવે સાવ સ્વસ્થ છું. ચાલતો જાઉં છું . કેટલાક વળાંકમાં શોર્ટકટ લઈને ઉતરવાનું શરુ કર્યું. ઘોડો એટલો બિન-તંદુરસ્ત છે કે ખાલી ચાલવામાં પણ મારાથી પાછળ રહી જાય છે.  દોઢ-બે કિમી ચાલ્યા બાદ ઘોડાવાળાએ મને એક જગ્યાએ રોક્યો. તેનો જાણીતો (ખાલી) ઘોડાવાળો મળતા, મને તેમાં બેસી જવા કહ્યું. સાથે આઈ-કાર્ડ તથા નાણાં પહોંચની અદલા-બદલી કરી. હવે નીચે તરફ ઉતરવાનું શરુ છે. આ વખતે મેં ડોક્ટરની સૂચના મુજબ થોડા-થોડા સમયે પાણી પીવાનું શરુ રાખ્યું છે. પહાડ પરથી નીચે ઉતરતી વખતે ઘોડા પર વધુ સજ્જડ પકડી બેસવું પડે છે. આખો માર્ગ RCC વાળો હોવાથી ઘોડા વધુ પડતા લપસે છે.
      આખા રસ્તે ફરી બરફ, પહાડ, ગર્જના કરતી નદી, ખીણ, પહાડ પરથી નીચે પડતા ઝરણાં બધું પૂનરાવર્તન થાય છે. મંત્ર-મુગ્ધ થઇ જવાય છે. યાત્રિકો સામે મળે એટલે ‘જયભોલે’ના નાદ  કરતા જાય છે.
     હું અને સોમાભાઈ સૌ પહેલા ગૌરીકુંડ પહોંચી ગયા છીએ. રાહ જોઈએ છીએ. તમામ યાત્રાળુઓ આવી ગયા બાદ ગૌરીકુંડના દર્શને ગયા. બધું જ હોનારતમાં સાફ થઇ ગયું છે. અહી અત્યારે કોઈ બાંધકામ નથી. કુંડ પાસે ગંદકી વધારે છે. ખુબ મક્કમ થઇ હાથ પગ ધોયા. હવે થોડી પેટપૂજા બાદ ફરી ટેક્ષી સર્વિસ માર્ટે લાઈનમાં ઉભા. વારો આવતા બોલેરોમાં બેસી સોનપ્રયાગ પહોંચ્યા. અહીં પહોંચી અગાઉ નક્કી કર્યા મુજબ, સંજયસિંહને ફોન કરી ગાડી બોલાવી. તેઓ દોઢ દિવસ સુધી ભીડમાં રોકાવાને બદલે, કોઈક પહાડ પર ગાડી લઇ જતા રહેલા. ગાડી આવતા સૌ ગોઠવાયા અને બદ્રીનાથના રસ્તા તરફ આગળ વધ્યા. ફાટા – બાંસુ – નાલા – ગુપ્તકાશી થઇ આગળ જઈએ છીએ. રસ્તામાં ઉખીમઠ જવાનું હતું. વાત પણ થયેલી પરંતુ મારા અને ડ્રાઈવર વચ્ચે કોમ્યુનીકેશન ગેપને લીધે, ઉખીમઠ પાછળ રહી ગયાના કેટલાક કિમી બાદ ચર્ચા થઇ. અત્રે મારે જણાવવું જોઈએ કે ઉખીમઠ, એ પવિત્ર સ્થાન છે કે જ્યાં શીયાળા દરમિયાન કેદારબાબા અને મધ્ય મહેશ્વરબાબાની પૂજા થાય છે. અગળ જતા એક ખુબ જ સુંદર સ્થળ ચોપ્તા આવે છે.(અમે ત્યાં ગયા નથી). આ સ્થળેથી પંચકેદારમા એક ગણાતા એવા તુંગનાથ મહાદેવના મંદિરના દર્શને જવાનો પહાડી રસ્તો છે, જે અહીથી આશરે 3.5 કિમી અંતરે આવેલ છે. આગળ વધતા હવે અમે હોટેલની તપાસ કરતા રહીએ છીએ. રુદ્રપ્રયાગના નાનકડા એવા સગર ગામ પાસે રસ્તામાં ઊંડી ખીણના કાંઠે બનેલી એક હોટેલમાં ગરમપાણીની શરત સાથે રોકાયા. એક રૂમમાં ગીઝર શરુ છે. ત્યાંથી સવારે SHARE કરવાનું નક્કી કરી લીધું. ખીણમાં નાનકડું પહાડી ગામ દેખાય છે. ત્યાંથી કીર્તન ગાવાના અવાજ આવતા રહે છે. POWER SUPPLY વારંવાર આવ-જા કરે છે. સામે જ ભોજન વ્યવસ્થા હતી. રાબેતા મુજબ મંજુરી લઇ, ગુજરાતી ભોજન બનાવ્યું.
    ઠંડી ઘણી છે. નિંદ્રાદેવીને આધીન થયા .
         (ક્રમશઃ)

Tuesday, April 14, 2020

અમારી ચારધામ યાત્રા ભાગ -8 (સીતાપુર – ગૌરીકુંડ - કેદારનાથ)

અમારી ચારધામ યાત્રા ભાગ -8
(સીતાપુર – ગૌરીકુંડ - કેદારનાથ)
            આજે તા. 10 જુન 2019, સોમવાર. સીતાપુરમાં JPG હોટેલમાં રાત્રી નીંદર લીધી. સવારે 3:00 વાગ્યે જાગીને તૈયાર થઇ માત્ર જરૂરી સામાન લઇ સવારે 3:45 વાગ્યે આશરે દોઢ બે કિમી. ચાલતા-ચાલતા સોનપ્રયાગ પહોંચ્યા. અહીથી પણ ઘોડા / ખચ્ચર મળે છે. એક નાની કેબીન જેવી દુકાને સૌએ ચા પીધી. હજી અંધારું છે. હવે આગળ જતા ટેક્ષીમાં બેસવા માટે માટે કદાચ એકાદ Km. લાંબી લાઈન છે, તેમાં ઉભા રહી ગયા. કેટલાક વ્યક્તિઓ (ખાસ તો ભણેલા લોકો) લાઈનમાં વચ્ચેથી ઘુસવા આવે છે. કોઈ અભણ દેખાતા વ્યક્તિ આવું કરતા નથી તે પણ જોયું. લગભગ છ-સાત વ્યક્તિનું એક ગૃપ (કદાચ દિલ્હીનું જ હતું) જેમાં મોડર્ન દેખાતી ત્રણ યુવાન સ્ત્રીઓ પણ હતી, તેમણે વચ્ચે ઘુસવા સતત પ્રયત્ન કર્યા. કેટલાક (ગામડાના દેખાતા) યાત્રાળુઓ સાથે દાદાગીરીથી,પોલીસનો ડર બતાવી વચ્ચે ઘુસવા પ્રયત્ન કર્યા પરંતુ અન્ય યાત્રાળુઓએ વિરોધ કર્યો. અમારી પાસે આવીને પણ નિષ્ફળ પ્રયત્ન કરી લીધો. જો કે પોલીસ કર્મચારી આવાને જોઈ જાય તો પાછળ ધકેલે છે, પરંતુ આ લોકો કેમ તેમના ધ્યાને ન ચડ્યા તે પણ નવાઈ લાગે છે.
                  અમે જ્યાં લાઈનમાં ઉભા છીએ તે સ્થળ પણ કુદરતી દૃશ્યોથી ભરપુર છે. બિલકુલ સામે જ (ગંગામૈયાની બે શાખાઓ) વાસુકી ગંગા તથા મંદાકિનીનું સંગમ સ્થળ છે. અમે બધા લાઈનમાં ઉભા રહી એક બીજાની મજાક કરતા સમય પસાર કરીએ છીએ. થાકીએ ત્યારે નદીના કાંઠાની પાળી પર બેસી ફોટા પાડી ચેન્જ મેળવવા પ્રયત્ન કરીએ છીએ. અહીથી લોકલ ટેક્ષીઓ (બોલરો) લાઈનમાં ઉભી હોય તેમાં 10 - 10 વ્યક્તિઓને લઇ જાય છે. પ્રતિ વ્યક્તિ 20 રૂપિયા ભાડું ચૂકવવાનું હોય છે. લગભગ દોઢેક કલાકે અમે એક પુલ ઓળંગી ગાડીમાં બેસવાના પોઈન્ટ સુધી પહોંચ્યા. અમારે બે ગાડીઓમાં વહેંચાઇ જવું પડ્યું છે. ઘણા લોકો અહીથી ચાલતા કે ઘોડાથી જાય છે. અહીથી સોનપ્રયાગ 6 (છ) Km.છે. રસ્તો સ્વાભાવિક રીતે પહાડી તથા સાંકડો છે.
        2013ની  કેદારનાથ દુર્ઘટના પહેલા, આપણું વાહન છેક ગૌરીકુંડ સુધી જઈ શકતું હતું, જે હવે પ્રતિબંધિત છે. કારણ કે  કુદરતના એ પ્રકોપે ગૌરીકુંડની ભૂગોળ બદલી નાખી છે. જ્યાં કદાચ સેંકડો ગાડીઓ પાર્ક થઇ શકાતી હતી તે સ્થળનું અત્યારે અસ્તિત્વ જ નથી. ગૌરીકુંડ આવતાની સાથે જ યાત્રાળુઓએ રસ્તા પર જ  ઉતરી જવાનું હોય છે. ગાડીઓ વળી શકે તેમ હોય ત્યાંથી વાળી ગાડીવાળા ફરીથી સોનપ્રયાગ પહોંચે છે.
      અમે હવે ગૌરીકુંડમાં છીએ, અહીંના દર્શન, બાબા કેદારનાથના દર્શન બાદ કરવાનું નક્કી કર્યું છે. હવે ઘોડાની વ્યવસ્થા કરવી જરૂરી છે. ઘોડાના આજના સરકારી ભાવ (માત્ર કેદારનાથ જવાના) વ્યક્તિદીઠ 2300 રૂપિયા (અહી ફિક્સ) છે. અને  યાત્રાળુઓના ધસારા પ્રમાણે અલગ હોય છે. આ રકમ ઓફિસમાં ભરી તેની સાથે આપણું યાત્રા કાર્ડ તથા ઘોડાવાળાનું આઈકાર્ડ આપી, પહોંચ મેળવીને દરેક વ્યક્તિને આપી દિધી છે. ત્યાંથી આવવાના જે ભાવ હશે તે ત્યાં કેદારનાથમાં ભરવાના થશે.
   હવે અમારી યાત્રા, ઘોડેસવારી સાથે શરુ થઈ છે. ઘોડા આગળ -પાછળ થઇ જાય છે. કુદરતી દ્રશ્યોએ આગળના બધા દૃશ્યોને ભુલાવી દીધા છે. અહીંથી કેદારબાબા 16 Km. દુર બિરાજમાન છે. જે 2013ની દુર્ઘટના પહેલા 14 Km.હતા. બીજા શબ્દોમાં કહીએ તો તેઓ પણ આપણાથી દુઃખી થઇ વધુ 2 Km. દુર ચાલ્યા ગયા છે. ખેર, વચ્ચેની ખીણનું વધુ ધોવાણ થતા, રસ્તાઓ બદલાયા છે અને આવું બન્યું છે.
     કેદારનાથ જવાનો આ રૂટ ગૌરીકુંડ - રામવાડા  - જંગલચટ્ટી  - ભીમબલી - ઘીનુરપાણી – લીન્ચોલી - ગુરુરચટ્ટી – બેસ કેમ્પ – કેદારનાથ પ્રમાણે છે.
                     અમે ગૌરીકુંડથી ઉપડતા સમયે જ યાત્રાળુઓ તથા ઘોડાવાળાઓએ સાથે મળી લીંબુ શરબત પીધું. રસ્તો ખુબ ચઢાઈવાળો તથા પર્વતમાં ખાંચો પાડી બનાવેલો છે. એક તરફ તોફાની નદીવાળી ખીણ છે. યાત્રાળુઓ રામવાડા પહોંચ્યા. ઘોડાવાળા પાસેથી મળેલી જાણકારી મુજબ, દુર્ઘટના પહેલા રામવાડામાં બેહજારથી વધુ વ્યક્તિઓ રાત્રી રોકાણ કરી શકે તેવું હતું પરંતુ આજે તેનું અસ્તિત્વ જ નથી. રામવાડાથી રસ્તો હવે બદલાઈને નદીનો પુલ પસાર કરીને સામે કિનારે થઇ ગયો છે. નદીના સાંકડા પુલ પર રસ્તો ઘોડાવાળા માટે એક માર્ગીય બની જાય છે. નીચે તોફાની નદી મોટા અવાજ સાથે વહે છે. આવતી - જતી લાઈન વારાફરતી પસાર થાય છે. રામવાડાથી આગળ જતા થોડો રસ્તો સપાટ આવે છે. બાદમાં ફરી ચઢ- ઉતર શરુ થઇ જાય છે. મોટાભાગના રસ્તામાં તીવ્ર ચઢાઈ છે. રસ્તામાં પાણી બોટલ પ્રાપ્ય નથી. હા, સોફ્ટ ડ્રીંક્સ બધે મળે છે. હું તો વહેતા ઝરણાંમાંથી પાણી પી લઉં છું. વચ્ચે વચ્ચે ઘોડાને પાણી પીવા કુંડીઓ બનાવેલી છે. હવે અમે કુલ ચાર કિમી. અંતર કાપી જંગલચટ્ટી પહોંચ્યા. આખા રસ્તા પર ખીણ તરફની સાઈડ રેલીંગ કરેલી છે. પરંતુ તેનો ટેકો લેવો હિતાવહ નથી. ઘોડાપર બેસીને જવામાં સંતુલન જાળવવું અઘરું છે. કેમેરાનો ઉપયોગ અમુક સ્થળ પૂરતો જ કરી શકાય અન્યથા સંતુલન ન જળવાતા સલામતી નથી. રસ્તામાં આગળ વધતા ભીમબલી પહોંચ્યા. ઘોડા પરથી ઉતરી ઘોડાને આરામ આપ્યો અમે પણ બધા સ્વસ્થ થયા. બધાએ ફરીથી લીંબુ શરબત પીધું. અહી વોશરૂમની કામચલાઉ વ્યવસ્થા છે. ઠંડી ઘણી છે. અમારા સદભાગ્યે વરસાદ નથી.
        ત્યાર બાદ અમે કુલ સાત કિમી. બાદ ભીમબલી પહોંચ્યા.ભીમબલી સમુદ્રથી આશરે નવ હજાર ફૂટની ઊંચાઈ પર છે. અમારે હજી અઢી હજાર ફૂટથી પણ વધારે ઊંચાઈ પર જવાનું છે. (અત્રે માત્ર ઊંચાઈનો અંદાજ કરવાના હેતુથી જાણ કરું કે આપણા ગરવા ગીરનારની કુલ ઊંચાઈ  3100 ફૂટ છે)     
         ભીમબલીથી આગળ વધતા કુલ 11 Km. અંતરે લીચૌલી પહોંચ્યા. ત્યાં ફરીથી ઘોડા પરથી ઉતરી ઘોડા અને અમે આરામ કર્યો. હવે વળાંક બાદ કેદારનાથ શિખર દેખાવા લાગ્યું છે.
      હવે રસ્તામાં ખુબ મોટા જથ્થામાં બરફ આવ્યો છે. તેને વચ્ચેથી કાપીને રસ્તો બનાવ્યો છે. (લખાણને અંતે આપેલી linkમાં ફોટા સાથે video પણ છે) આવું ત્રણેક જગ્યાએ થયું. અમે લગભગ બપોર બાદ બે વાગ્યે બાબાના સાનિધ્યમાં પહોંચી ગયા છીએ. ઘોડા છોડીને હવે દોઢેક કિમી. પગપાળા ચાલવાનું છે. પેટની ગરબડથી હું છેલ્લા ત્રણેક દિવસથી પૂરતું જમી શક્યો નથી. વધુ પડતી અશક્તિ છે. દર્શનની લાઈન ખુબ લાંબી છે. હું ઉભી શકું તેવું હાલતમાં નથી. બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં સુઈ ગયો. પરંતુ મારું શરીર ગરમ છે. બધા યાત્રાળુઓ મારી સ્થિતિથી વ્યથિત છે. શ્રી શામજીભાઈ મને હાથ પકડીને Army દવાખાને લઇ ગયા. તપાસતા મને ઓક્સિજન ખામીના કોઈ લક્ષણ નથી પરંતુ જમવાના અભાવથી તકલીફ જણાય છે તેવું જણાવ્યું. મારે સતત ગ્લુકોઝ/ORS સાથેનું પાણી પીવાની જરૂર હતી, પરંતુ હું તેવું કરી શક્યો નથી.
     મંદિરથી માત્ર 200 મીટરના અંતરે આવેલ ગુજરાતી સમાજમાં ઉપરના માળે રૂમ રાખી મને સુવડાવી શ્રી શામજીભાઈ, બાકીના યાત્રાળુઓ સાથે દર્શને ગયા. દર્શન કરી, સાંજના સાત પછી સૌ અમારી રૂમમાં આવી ગયા. મને અહી સુધી પહોંચીને પણ બાબાના દર્શને પહોંચી ન શકવા માટેના કારણોના નબળા વિચાર આવે છે. ઠંડી તેની પરાકાષ્ટા પર છે. જમવાની વ્યવસ્થા નીચે જ છે. મારા માટે જમવાનું ઉપર લઇ આવ્યા. મેં પરાણે એકાદ રોટલી ખાધી અને ગરમ પાણી પીધું. ફરીથી સુઈ ગયો. આવી સ્થિતિમાં ગ્લુકોઝ નાખેલું  ગરમ પાણી પીવાથી ઘણી રાહત થાય છે. 
                 શ્રી ચૌહાણસાહેબ બધે રસ્તા કાઢે તેવા છે. આઠેક વાગ્યે શ્રી ચૌહાણસાહેબે મને જગાડી, દર્શન માટે કરેલી વ્યવસ્થા બાબત વાત કરી. શ્રી શામજીભાઈ તથા તેઓ ટેકો આપી મને નીચે લઇ આવ્યા.  મારા માટે બાસ્કેટની વ્યવસ્થા કરી આવ્યા.
      જેમને ખ્યાલ નથી તેમને જણાવવાનું કે  કેદારનાથ અને એવા પહાડી માર્ગમાં ઘોડા, ડોલીવાળા ઉપરાંત વધુ એક વ્યવસ્થા જેમાં એક વ્યક્તિ પોતાની પાછળ (આપણા ઘરોમાં સિંગલ ઝૂલો હોય તેવું) બાસ્કેટ બાંધી તેમાં વ્યક્તિ બેસાડે છે. તથા આવા પહાડી માર્ગમાં ચઢે છે. 
            મને માત્ર 200 મીટર માટે બાસ્કેટમાં બેસવાનું અત્યંય દુઃખ થયું પરંતુ છૂટકો જ ન હતો. ચૌહાણસાહેબે સલામતી કર્મચારીને વિનંતી કરી બાબાના દર્શન માટે મારી ખાસ વ્યવસ્થા કરેલી. હું, દર્શન કરીને બહાર નીકળવાના માર્ગમાંથી  અંદર જઈ દર્શન કરી આવ્યો. બહાર આવતા જ ખરેખર મારી તબિયતમાં દેખીતો સુધારો થઇ ગયેલો. બહાર નીકળી અમે મંદિર પાછળની (બહુ ચર્ચિત) શીલા જોઈ.
         જેઓ માત્ર રેશનાલીસ્ટ છે તેઓને ખાસ જણાવવા જેવું છે. આ શીલા કદાચ બે - ત્રણ JCBથી હલાવી શકાય કે કેમ તે બાબતે શંકા લાગે તેટલી વિશાળ છે. 2013ની દુર્ઘટના સમયે પાણી તેને ખેંચીને લઇ આવ્યું. તો પાણીનો પ્રવાહ કેટલો શક્તિશાળી હશે...?  જો આ શીલા ત્યાં ગોઠવાઈ ન હોત તો મંદિરનું શું થાત..? જો શીલા રોકાઈ ન હોત તો શીલા પોતે પણ મંદિરને મોટું નુકશાન કરી શકે તેમ હતી. તે શીલા રોકવા માટે બીજી નાની શીલા પણ ગોઠવાઈ ગઈ. કેટલા બધા સંજોગો એક સાથે અનુકુળ બન્યા. આપ જ્યારે દર્શને જાવ ત્યારે આ શીલાના દર્શન પણ કરજો તથા મેં લખેલી બાબતોનો વિચાર કરી જોજો.
     ત્યાંથી ફરી અમારી રૂમ પર પહોંચી જાડા જાડા બલેન્કેટ ઓઢી બારીઓ બંધ કરી નિદ્રાદેવીને આધીન થયા.   

ફોટા તથા વિડીઓ જોવા click here 

Sunday, April 12, 2020

અમારી ચારધામ યાત્રા ભાગ -7 (ઉત્તરકાશીથી સીતાપુર)


(ઉત્તરકાશીથી સીતાપુર)
            આજે તા. 9 જુન 2019, રવિવાર. ઉત્તરકાશીમાં, નીલકંઠ હોટેલના રૂમમાં બે રાત્રી રોકાયા બાદ આજે અલવિદા કહેવાનો સમય છે. સવારે વહેલા 3:45 કલાકે જાગી તૈયાર થઇ નીચે આવ્યા. યાત્રા રથ તથા સારથી પણ હવે તૈયાર છે.  નાસ્તા કાર્યક્રમ રસ્તામાં રાખવાનો છે. જો કે અમારી સાથેનો સુકો નાસ્તો સમયાંતરે શરુ હોય છે.
           રસ્તા રાબેતા મુજબ વળાંકવાળા ઉપરાંત એક તરફ ખીણ અને બીજી તરફ પહાડ વાળા જ છે. આવા વાંકા ચુકા રસ્તે એક પહાડ ચઢીએ એટલે પાછું ઉતરવાનું આવે, નદી આવે તેના પર પુલ હોય, ફરીથી નવો પહાડ ....બસ આવું શરુ જ રહે છે. રસ્તામાં ઢોળાવમાં ક્યાંક ક્યાંક પગથીયા જેવા ખેતર છે. પહાડી લોકો તેમાં ખેતી કરે છે. પાણીની સમસ્યા નથી. વહેતા પાણીને માત્ર વાળી લેવાનું જ છે. પરંતુ જીંદગી ખુબ કપરી જીવે છે.
      કુદરતી દૃશ્યો ખુબ જ મનમોહક છે. થોડી ઉંચે નજર કરીએ એટલે દુર દુર બરફની ટોચ વાળા પહાડ દેખાય છે. પહાડ પરથી નીચે ઉતરતા ઝરણાંઓ એકઠા થઇ રૌદ્ર રૂપ ધરાવતી નદીઓ બનાવે છે. એક પહાડમાં કોતરેલા ખતરનાક રસ્તા તરફ આંગળી ચીંધી મેં અમારા યાત્રારથના સારથી શ્રી સંજયસિંહ નેગીને બતાવ્યો તો કહે, “હમે વહીં જાના હૈ”. આપણે જે જોઇને રોમાંચિત થઇ જઈએ તે, તેમને માટે રૂટીન છે.
   બપોર થતા રસ્તામાં કેટલીક હોટેલ પર શાક બનાવવા મંજુરી બાબત પૂછપરછ કરતા, તેઓએ હોટેલમાં વધુ ટ્રાફિકને લીધે લાચારી બતાવી. પરંતુ એક હોટેલ માલિકે અમને આગળનું એક સરનામું આપ્યું કે જે હાલમાં બંધ સ્થિતિમાં હોવા છતાં તેમાં રસોઈ બનાવવાની બધી સગવડ છે તેવું જણાવ્યું. ખીણના બિલકુલ કિનારે આવેલ, આ હોટેલ પર ગાડી રોકી, ભાવતું ગુજરાતી ભોજન રાંધ્યું. ત્યાં ત્રણેક  પહાડી સ્ત્રીઓ લાકડાના ભારા પીઠ પર લગાવીને આવેલી, તેમણે પાણી પી, આરામ કરી, ફરી તેમના ઘર તરફ પ્રયાણ કરવા તૈયાર છે પરંતુ તેમને થોડીવાર ઉભા રહેવા કહ્યું..
                શ્રી શામજીભાઈ (દંપતી) તેમના આંબાના બગીચામાંથી કેરીઓ લાવ્યા છે. તે હવે પાકીને ખાવા માટે તૈયાર થઇ ગઈ છે. તે કેરીઓ શ્રી મતિ નીતાબહેને પેલી સ્ત્રીઓને આપી. તેમણે થોડા સંકોચ બાદ સ્વીકારી પણ પછી તે બહેનોના ચહેરા પરનું સ્મિત ખુબ જ આનંદ આપી ગયું. તેમના ગામ બાબત પૂછ્યું તો તેમણે પહાડ તરફ આંગળી બતાવી. અને હવે તેઓ લાકડાના ભારા સાથે, કોઈ રસ્તા કે કેડી વગર પહાડ ચઢવા લાગી. ખરેખર કપરી જિંદગી જીવે છે.
             રસ્તામાં ઘણી જગ્યાઓએ રસ્તાના કામ શરુ છે. કદાચ બે- ત્રણ વર્ષ પછી ચારધામ યાત્રાએ આવનાર લોકોનાં વાહન ઓછા સમયમાં આ યાત્રા પૂર્ણ કરી શકાશે.
      હાલ તો ટ્રાફિકજામમાં ફસાયા છીએ. ગાડી ધીમે ધીમે આગળ જાય છે. એક જગ્યાએ તો દોઢ- બે કલાક સુધી ઉભા રહ્યા. સમય પસાર કરવા ત્યાંના લોકો સાથે વાત કરતા, ગઈ રાત્રે એક રીંછ કોઈ વ્યક્તિને ઉપાડી ગયાનાં સમાચાર મળ્યા. તો કેટલાક વળી “ખીણ સામે દેખાતા પહાડમાં રીંછ દેખાય છે” વાળી વાત લઈને આવ્યા. મને (અમને) એવું કાઈ દેખાયું નહિ.
      હવે આજની રાત્રી અમારું રોકાણ સીતાપુરમાં છે. ટ્રાફિક જોતા રાત્રીરોકાણમાં મુશ્કેલી થશે તેવું લાગ્યું. ફરીથી યશશ્વીની ટુર વાળા શ્રી નીમેષભાઈ ઓઝાને ફોન કરી વ્યવસ્થા માટે કહ્યું . તેમણે J.P.G.હોટેલમાં ત્રણ રૂમ બુક કરાવી આપ્યા. હવે અમારે સીતાપુર પહોંચવા પૂરતી ચિંતા હતી. અમે સીતાપુર પાસે પહોંચી ગયા તો ટ્રાફિકજામ. પોલીસ દ્વારા ગાડીને અંદર જવાને બદલે પાસે રહેલા પાર્કિંગમાં મૂકી દેવા કહેવાયું. Google મુજબ અમારી હોટેલ અહીંથી અઢી કિમી. દૂર છે. મે ગાડીમાંથી ઉતારી પોલીસમેનને આખી પરિસ્થિતિની જાણ કરી હોટેલરૂમ બુક થઇ ગયાનું સમજાવ્યું, તેમણે બેરીકેટ હટાવી અમને મંજુરી આપી. અમે છેવટે સીતાપુર પહોંચ્યા. થોડા ફ્રેશ થઇ ત્યાંના ભોજનાલયમાં જમ્યા. હવે હું, ચૌહાણસાહેબ તથા શામજીભાઈ આવતી કાલે કેદારનાથ જવા જરૂરી વસ્તુઓ જેવીકે રેઈનકોટ, માસ્ક, કપૂરની ગોળીઓ વગેરે લેવા નીકળ્યા. કેટલીક દુકાનો ફર્યા બાદ બધુ ખરીદ્યું.
       અમારી હોટેલ તથા આસપાસના દૃશ્યો સરસ છે. ટ્રાફિક ખુબ જ છે. આવતી કાલે 3:30 કલાકે નીકળી જવા 2:00 વાગ્યા આસપાસ જાગવું જરૂરી છે.
                            (ક્રમશ:)

High school માટે ઉપયોગી GR

      આ સોફ્ટવેરની મદદથી કોઈપણ વિદ્યાર્થીનું નામ સરળતાથી શોધી શકાશે ઉપરાંત વિદ્યાર્થીના નીચે મુજબના ડોક્યુમેન્ટસ સરળતાથી જનરેટ કરી શકાશે... ...