અમારી ચારધામ યાત્રા ભાગ
-8
(સીતાપુર – ગૌરીકુંડ - કેદારનાથ)
આજે
તા. 10 જુન 2019, સોમવાર. સીતાપુરમાં JPG હોટેલમાં રાત્રી નીંદર લીધી.
સવારે 3:00 વાગ્યે જાગીને તૈયાર થઇ માત્ર
જરૂરી સામાન લઇ સવારે 3:45 વાગ્યે આશરે દોઢ બે કિમી. ચાલતા-ચાલતા
સોનપ્રયાગ પહોંચ્યા. અહીથી પણ ઘોડા / ખચ્ચર મળે છે. એક નાની કેબીન જેવી દુકાને સૌએ
ચા પીધી. હજી અંધારું છે. હવે આગળ જતા ટેક્ષીમાં બેસવા માટે માટે કદાચ એકાદ Km. લાંબી લાઈન છે, તેમાં ઉભા રહી ગયા. કેટલાક વ્યક્તિઓ (ખાસ
તો ભણેલા લોકો) લાઈનમાં વચ્ચેથી ઘુસવા આવે છે. કોઈ અભણ દેખાતા વ્યક્તિ આવું
કરતા નથી તે પણ જોયું. લગભગ છ-સાત વ્યક્તિનું એક ગૃપ (કદાચ દિલ્હીનું જ હતું)
જેમાં મોડર્ન દેખાતી ત્રણ યુવાન સ્ત્રીઓ પણ હતી, તેમણે વચ્ચે ઘુસવા સતત પ્રયત્ન
કર્યા. કેટલાક (ગામડાના દેખાતા) યાત્રાળુઓ સાથે દાદાગીરીથી,પોલીસનો ડર બતાવી વચ્ચે
ઘુસવા પ્રયત્ન કર્યા પરંતુ અન્ય યાત્રાળુઓએ વિરોધ કર્યો. અમારી પાસે આવીને પણ નિષ્ફળ પ્રયત્ન કરી લીધો. જો કે પોલીસ
કર્મચારી આવાને જોઈ જાય તો પાછળ ધકેલે છે, પરંતુ આ લોકો કેમ તેમના ધ્યાને ન ચડ્યા
તે પણ નવાઈ લાગે છે.
અમે જ્યાં લાઈનમાં ઉભા છીએ તે સ્થળ પણ
કુદરતી દૃશ્યોથી ભરપુર છે. બિલકુલ સામે જ (ગંગામૈયાની બે શાખાઓ) વાસુકી ગંગા
તથા મંદાકિનીનું સંગમ સ્થળ છે. અમે બધા લાઈનમાં ઉભા રહી એક બીજાની મજાક
કરતા સમય પસાર કરીએ છીએ. થાકીએ ત્યારે નદીના કાંઠાની પાળી પર બેસી ફોટા પાડી ચેન્જ
મેળવવા પ્રયત્ન કરીએ છીએ. અહીથી લોકલ ટેક્ષીઓ (બોલરો) લાઈનમાં ઉભી હોય તેમાં 10 - 10 વ્યક્તિઓને લઇ જાય છે. પ્રતિ વ્યક્તિ 20 રૂપિયા ભાડું ચૂકવવાનું હોય છે. લગભગ દોઢેક કલાકે અમે
એક પુલ ઓળંગી ગાડીમાં બેસવાના પોઈન્ટ સુધી પહોંચ્યા. અમારે બે ગાડીઓમાં વહેંચાઇ
જવું પડ્યું છે. ઘણા લોકો અહીથી ચાલતા કે ઘોડાથી જાય છે. અહીથી સોનપ્રયાગ 6 (છ) Km.છે. રસ્તો સ્વાભાવિક રીતે પહાડી તથા સાંકડો છે.
2013ની કેદારનાથ દુર્ઘટના પહેલા, આપણું વાહન છેક ગૌરીકુંડ
સુધી જઈ શકતું હતું, જે હવે પ્રતિબંધિત છે. કારણ કે કુદરતના એ પ્રકોપે ગૌરીકુંડની ભૂગોળ બદલી નાખી છે. જ્યાં
કદાચ સેંકડો ગાડીઓ પાર્ક થઇ શકાતી હતી તે સ્થળનું અત્યારે અસ્તિત્વ જ નથી. ગૌરીકુંડ
આવતાની સાથે જ યાત્રાળુઓએ રસ્તા પર જ ઉતરી જવાનું હોય છે. ગાડીઓ વળી શકે તેમ હોય ત્યાંથી
વાળી ગાડીવાળા ફરીથી સોનપ્રયાગ પહોંચે છે.
અમે હવે ગૌરીકુંડમાં છીએ, અહીંના દર્શન, બાબા
કેદારનાથના દર્શન બાદ કરવાનું નક્કી કર્યું છે. હવે ઘોડાની વ્યવસ્થા કરવી જરૂરી
છે. ઘોડાના આજના સરકારી ભાવ (માત્ર કેદારનાથ જવાના) વ્યક્તિદીઠ 2300 રૂપિયા (અહી ફિક્સ) છે. અને યાત્રાળુઓના ધસારા પ્રમાણે અલગ હોય છે. આ રકમ ઓફિસમાં ભરી તેની
સાથે આપણું યાત્રા કાર્ડ તથા ઘોડાવાળાનું આઈકાર્ડ આપી, પહોંચ મેળવીને દરેક
વ્યક્તિને આપી દિધી છે. ત્યાંથી આવવાના જે ભાવ હશે તે ત્યાં કેદારનાથમાં ભરવાના
થશે.
હવે અમારી યાત્રા, ઘોડેસવારી સાથે શરુ થઈ છે. ઘોડા
આગળ -પાછળ થઇ જાય છે. કુદરતી દ્રશ્યોએ આગળના બધા દૃશ્યોને ભુલાવી દીધા છે. અહીંથી કેદારબાબા 16 Km. દુર બિરાજમાન છે. જે 2013ની દુર્ઘટના પહેલા 14 Km.હતા. બીજા શબ્દોમાં કહીએ તો તેઓ પણ આપણાથી દુઃખી થઇ વધુ 2 Km. દુર ચાલ્યા ગયા છે. ખેર, વચ્ચેની ખીણનું વધુ ધોવાણ થતા, રસ્તાઓ
બદલાયા છે અને આવું બન્યું છે.
કેદારનાથ જવાનો આ રૂટ ગૌરીકુંડ - રામવાડા - જંગલચટ્ટી - ભીમબલી - ઘીનુરપાણી – લીન્ચોલી - ગુરુરચટ્ટી – બેસ કેમ્પ – કેદારનાથ પ્રમાણે
છે.
અમે ગૌરીકુંડથી ઉપડતા સમયે જ યાત્રાળુઓ તથા ઘોડાવાળાઓએ સાથે મળી લીંબુ શરબત પીધું. રસ્તો ખુબ ચઢાઈવાળો તથા પર્વતમાં ખાંચો પાડી બનાવેલો છે. એક તરફ
તોફાની નદીવાળી ખીણ છે. યાત્રાળુઓ રામવાડા પહોંચ્યા. ઘોડાવાળા પાસેથી મળેલી જાણકારી મુજબ, દુર્ઘટના પહેલા રામવાડામાં બેહજારથી વધુ વ્યક્તિઓ રાત્રી રોકાણ કરી શકે તેવું હતું પરંતુ આજે તેનું અસ્તિત્વ જ નથી. રામવાડાથી રસ્તો હવે બદલાઈને નદીનો પુલ પસાર કરીને સામે કિનારે થઇ ગયો છે. નદીના સાંકડા પુલ પર રસ્તો ઘોડાવાળા માટે એક માર્ગીય બની જાય છે. નીચે તોફાની નદી મોટા અવાજ સાથે વહે છે. આવતી - જતી લાઈન વારાફરતી પસાર થાય છે. રામવાડાથી આગળ જતા થોડો રસ્તો સપાટ આવે છે. બાદમાં ફરી ચઢ- ઉતર શરુ થઇ જાય છે. મોટાભાગના રસ્તામાં તીવ્ર ચઢાઈ છે. રસ્તામાં પાણી બોટલ પ્રાપ્ય નથી. હા, સોફ્ટ ડ્રીંક્સ બધે મળે છે. હું તો વહેતા ઝરણાંમાંથી પાણી પી લઉં છું. વચ્ચે વચ્ચે ઘોડાને પાણી પીવા કુંડીઓ બનાવેલી છે. હવે અમે કુલ ચાર કિમી. અંતર કાપી જંગલચટ્ટી પહોંચ્યા. આખા રસ્તા પર ખીણ તરફની સાઈડ રેલીંગ કરેલી છે. પરંતુ તેનો ટેકો લેવો હિતાવહ
નથી. ઘોડાપર બેસીને જવામાં સંતુલન જાળવવું અઘરું છે. કેમેરાનો ઉપયોગ અમુક સ્થળ
પૂરતો જ કરી શકાય અન્યથા સંતુલન ન જળવાતા સલામતી નથી. રસ્તામાં આગળ વધતા ભીમબલી પહોંચ્યા. ઘોડા પરથી ઉતરી
ઘોડાને આરામ આપ્યો અમે પણ બધા સ્વસ્થ થયા. બધાએ ફરીથી લીંબુ શરબત પીધું. અહી વોશરૂમની કામચલાઉ વ્યવસ્થા છે. ઠંડી ઘણી છે. અમારા સદભાગ્યે વરસાદ નથી.
ત્યાર બાદ અમે કુલ સાત કિમી. બાદ ભીમબલી પહોંચ્યા.ભીમબલી સમુદ્રથી આશરે નવ હજાર ફૂટની
ઊંચાઈ પર છે. અમારે હજી અઢી હજાર ફૂટથી પણ વધારે ઊંચાઈ પર જવાનું છે. (અત્રે માત્ર ઊંચાઈનો અંદાજ કરવાના હેતુથી જાણ કરું કે આપણા ગરવા ગીરનારની કુલ ઊંચાઈ 3100 ફૂટ છે)
ભીમબલીથી આગળ વધતા કુલ 11 Km. અંતરે લીચૌલી પહોંચ્યા. ત્યાં ફરીથી ઘોડા પરથી ઉતરી ઘોડા અને અમે આરામ કર્યો. હવે વળાંક બાદ કેદારનાથ શિખર દેખાવા લાગ્યું છે.
હવે
રસ્તામાં ખુબ મોટા જથ્થામાં બરફ આવ્યો છે. તેને વચ્ચેથી કાપીને રસ્તો બનાવ્યો છે.
(લખાણને અંતે આપેલી linkમાં ફોટા સાથે video પણ છે) આવું ત્રણેક જગ્યાએ થયું. અમે લગભગ બપોર બાદ બે વાગ્યે બાબાના સાનિધ્યમાં
પહોંચી ગયા છીએ. ઘોડા છોડીને હવે દોઢેક કિમી. પગપાળા ચાલવાનું છે. પેટની ગરબડથી હું
છેલ્લા ત્રણેક દિવસથી પૂરતું જમી શક્યો નથી. વધુ પડતી અશક્તિ છે. દર્શનની લાઈન
ખુબ લાંબી છે. હું ઉભી શકું તેવું હાલતમાં નથી. બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં સુઈ
ગયો. પરંતુ મારું શરીર ગરમ છે. બધા યાત્રાળુઓ મારી સ્થિતિથી વ્યથિત છે. શ્રી શામજીભાઈ મને
હાથ પકડીને Army દવાખાને લઇ ગયા. તપાસતા મને ઓક્સિજન ખામીના કોઈ લક્ષણ નથી પરંતુ
જમવાના અભાવથી તકલીફ જણાય છે તેવું જણાવ્યું. મારે સતત ગ્લુકોઝ/ORS સાથેનું પાણી પીવાની જરૂર હતી, પરંતુ હું તેવું કરી શક્યો નથી.
મંદિરથી માત્ર 200 મીટરના અંતરે આવેલ ગુજરાતી સમાજમાં ઉપરના માળે રૂમ
રાખી મને સુવડાવી શ્રી શામજીભાઈ, બાકીના યાત્રાળુઓ સાથે દર્શને ગયા. દર્શન કરી, સાંજના સાત પછી સૌ અમારી રૂમમાં આવી ગયા. મને અહી સુધી પહોંચીને પણ બાબાના દર્શને પહોંચી ન
શકવા માટેના કારણોના નબળા વિચાર આવે છે. ઠંડી તેની પરાકાષ્ટા પર છે. જમવાની
વ્યવસ્થા નીચે જ છે. મારા માટે જમવાનું ઉપર લઇ આવ્યા. મેં પરાણે એકાદ રોટલી ખાધી અને
ગરમ પાણી પીધું. ફરીથી સુઈ ગયો. આવી સ્થિતિમાં ગ્લુકોઝ નાખેલું ગરમ પાણી પીવાથી ઘણી રાહત થાય છે.
શ્રી ચૌહાણસાહેબ બધે રસ્તા કાઢે તેવા છે. આઠેક
વાગ્યે શ્રી ચૌહાણસાહેબે મને જગાડી, દર્શન માટે કરેલી વ્યવસ્થા બાબત વાત કરી. શ્રી શામજીભાઈ તથા તેઓ ટેકો આપી મને નીચે લઇ આવ્યા. મારા
માટે બાસ્કેટની વ્યવસ્થા કરી આવ્યા.
જેમને ખ્યાલ નથી તેમને જણાવવાનું કે કેદારનાથ અને એવા પહાડી માર્ગમાં ઘોડા, ડોલીવાળા ઉપરાંત વધુ એક વ્યવસ્થા જેમાં એક વ્યક્તિ પોતાની પાછળ (આપણા ઘરોમાં સિંગલ
ઝૂલો હોય તેવું) બાસ્કેટ બાંધી તેમાં વ્યક્તિ બેસાડે છે. તથા આવા પહાડી માર્ગમાં ચઢે છે.
મને માત્ર 200 મીટર માટે બાસ્કેટમાં બેસવાનું અત્યંય દુઃખ થયું પરંતુ
છૂટકો જ ન હતો. ચૌહાણસાહેબે સલામતી કર્મચારીને વિનંતી કરી બાબાના દર્શન માટે મારી
ખાસ વ્યવસ્થા કરેલી. હું, દર્શન કરીને બહાર નીકળવાના માર્ગમાંથી અંદર જઈ દર્શન કરી આવ્યો. બહાર આવતા જ ખરેખર મારી તબિયતમાં દેખીતો સુધારો થઇ
ગયેલો. બહાર નીકળી અમે મંદિર પાછળની (બહુ ચર્ચિત) શીલા જોઈ.
જેઓ
માત્ર રેશનાલીસ્ટ છે તેઓને ખાસ જણાવવા જેવું છે. આ શીલા કદાચ બે - ત્રણ JCBથી હલાવી શકાય કે કેમ તે બાબતે શંકા લાગે તેટલી વિશાળ
છે. 2013ની દુર્ઘટના સમયે પાણી તેને
ખેંચીને લઇ આવ્યું. તો પાણીનો પ્રવાહ કેટલો શક્તિશાળી હશે...? જો આ શીલા ત્યાં ગોઠવાઈ ન હોત તો મંદિરનું શું
થાત..? જો શીલા રોકાઈ ન હોત તો શીલા પોતે પણ મંદિરને મોટું નુકશાન કરી શકે તેમ
હતી. તે શીલા રોકવા માટે બીજી નાની શીલા પણ ગોઠવાઈ ગઈ. કેટલા બધા સંજોગો એક
સાથે અનુકુળ બન્યા. આપ જ્યારે દર્શને જાવ ત્યારે આ શીલાના દર્શન પણ કરજો તથા મેં
લખેલી બાબતોનો વિચાર કરી જોજો.
ત્યાંથી ફરી અમારી રૂમ પર પહોંચી જાડા જાડા
બલેન્કેટ ઓઢી બારીઓ બંધ કરી નિદ્રાદેવીને આધીન થયા. ફોટા તથા વિડીઓ જોવા click here
No comments:
Post a Comment