{કેદારનાથ - ગૌરીકુંડ
- સોનપ્રયાગ – (સગરગામ પાસે ખીણના કિનારે) હોટેલ}
આજે તા. 11 જુન 2019, મંગળવાર. ભગવાન કેદારનાથનાં સાંનિધ્યમાં રાત્રીરોકાણ બાદ આજે
યાત્રિકો Relax મૂડમાં છે.
સવારે 05:30 વાગ્યે જાગ્યા. બાબાના સાંનિધ્યમાં ઠંડી
તેની પરાકાષ્ટા પર છે. નિત્યકર્મ કર્યું. મારી તબિયત આશ્ચર્યજનક રીતે ઘણી સારી છે.
સાથી યાત્રાળુઓ, અમારા રાત્રી નિવાસના નીચે આવેલ ભોજનાલયમાંથી મારા માટે ગરમ
પાણીની એક મોટી બોટલ ભરી લઇ આવ્યા છે. ડોકટરશ્રીએ આપેલ પાવડર તેમાં નાખી મારી પાસે
રાખી લીધેલ છે. થોડા- થોડા સમયે તેમાંથી પાણી પીવાનું શરુ કર્યું છે. સવારે ભોલેબાબાનાં ફરી દર્શન કર્યા. હવે
આગળની યાત્રા શરુ કરવા માટે કેદારબાબા પાસેથી વિદાઈ લીધી. અત્યારે
ફરીથી દોઢ કિમી. ચાલવાનું શરુ કર્યું. રસ્તામાં હેલીપેડ પર હેલીકોપ્ટર વારંવાર ચઢ – ઉતર કરે છે.
જે લોકો પૂરતો
સમય આપી શકે તેમ નથી અથવા શારીરિક રીતે અસક્ષમ છે કે બીજું કોઈ કારણ હોય તેઓ માટે
હવે હેલીકોપ્ટર સેવા દ્વારા દર્શન સંભવ બન્યા છે. પરંતુ હું માનુ છું કે, આ હેલીકોપ્ટરમાં
કેટલીક (કદાચ ત્રણ - ચાર)
મિનિટોમાં જ કેદારધામ પહોંચી જવાતું હોવાથી, તેઓ પગપાળા માર્ગના કુદરતી સૌન્દર્યની અનૂભૂતિથી વંચિત રહી જાય છે. અને અત્યારે
જે વર્ણન કરું છું તે કદાચ તેમને માટે સંભવ નથી. તેવા યાત્રિકોએ યાત્રામાં આવતા કે
જતા એકાદવાર (શક્ય હોય તો) પગદંડીવાળે રસ્તે આવવું જોઈએ.
ખેર, અમે ચાલતા -
ચાલતા અમારી બધી દિશાઓમાં સવારમાં કુદરતે બદલી નાખેલા દ્રશ્યો જોતા જ રહી ગયા. અહી
આવતા જે પહાડ જોયેલા તેમાંથી મોટાભાગના અત્યારે બરફથી ઢંકાઈ ગયેલા છે. કેદાર દુર્ઘટના વાળા ગ્લેશિયર વાળો પહાડ દૂર જોઈ શકાય છે.
ખીણમાં વહેતા - વહેતા જ થીજી ગયેલા ઝરણાં જોયા. હવે અમે ઘોડાવાળા કેન્દ્રએ પહોંચી ગયા. ઘોડા નક્કી કર્યા.
તેના નાણાં રાબેતા મુજબના ડોક્યુમેન્ટ્સ સાથે જમા કરાવી પહોંચ લઇ, તમામ યાત્રીકોને
આપી દીધી. હવે સૌએ ફરી ઘોડે સવારી શરુ કરી. પરંતુ મને, મારા ઘોડા પર બેસતા જ
લાગ્યું કે ઘોડો ચાલતા ખોડંગાય છે. મેં ઘોડાવાળાને તરત જ ચેતવ્યો. પરંતુ તેણે માત્ર ઘોડાના
પગમાં નવો નાલ બેસાડેલ હોવાનું
રટણ શરુ કર્યું. પણ હું ઘોડાનું દુઃખ સહન કરી શકતો નથી. વારંવાર કહેતો રહ્યો પરંતુ, ઘોડાવાળો કહે, “અભી સવારી લે કે આયા,
અભી એક / દેઢ કિલોમીટરમેં ઠીક હો જાયેગા.”
છેવટે એકાદ કિમી બાદ
ઘોડો ચાલતો બંધ થયો. મને કહે “અભી કોઈ ઘોડેવાલા સવારી લેગા નહિ થોડી દેર આરામ કરને કે બાદ ફિર
ચલેંગે.” હું નીચે ઉતરી ગયો.
ઘોડાને પાણી પીવડાવ્યું આરામ કરાવ્યો. ત્યારબાદ મેં તેને ખાલી ઘોડો લઇ મારી સાથે ચાલતા આવવા તથા
ચિંતા ન કરવા કહ્યું. હું હવે સાવ સ્વસ્થ છું. ચાલતો જાઉં છું . કેટલાક વળાંકમાં શોર્ટકટ
લઈને ઉતરવાનું શરુ કર્યું. ઘોડો એટલો બિન-તંદુરસ્ત છે કે ખાલી ચાલવામાં પણ મારાથી પાછળ રહી જાય
છે. દોઢ-બે કિમી ચાલ્યા બાદ ઘોડાવાળાએ મને એક જગ્યાએ
રોક્યો. તેનો જાણીતો (ખાલી) ઘોડાવાળો મળતા, મને તેમાં બેસી જવા કહ્યું. સાથે
આઈ-કાર્ડ તથા નાણાં પહોંચની અદલા-બદલી કરી. હવે નીચે તરફ ઉતરવાનું શરુ છે. આ વખતે
મેં ડોક્ટરની સૂચના મુજબ થોડા-થોડા સમયે પાણી પીવાનું શરુ રાખ્યું છે. પહાડ પરથી નીચે ઉતરતી
વખતે ઘોડા પર વધુ સજ્જડ પકડી બેસવું પડે છે. આખો માર્ગ RCC વાળો હોવાથી ઘોડા વધુ પડતા લપસે છે.
આખા રસ્તે ફરી બરફ, પહાડ,
ગર્જના કરતી નદી, ખીણ, પહાડ પરથી નીચે પડતા ઝરણાં બધું પૂનરાવર્તન થાય છે. મંત્ર-મુગ્ધ
થઇ જવાય છે. યાત્રિકો સામે મળે એટલે ‘જયભોલે’ના નાદ કરતા જાય છે.
હું અને સોમાભાઈ સૌ
પહેલા ગૌરીકુંડ પહોંચી ગયા છીએ. રાહ
જોઈએ છીએ. તમામ યાત્રાળુઓ આવી ગયા બાદ ગૌરીકુંડના દર્શને ગયા. બધું જ હોનારતમાં સાફ
થઇ ગયું છે. અહી અત્યારે કોઈ બાંધકામ નથી. કુંડ પાસે ગંદકી વધારે છે. ખુબ મક્કમ થઇ હાથ પગ
ધોયા. હવે થોડી પેટપૂજા
બાદ ફરી ટેક્ષી સર્વિસ માર્ટે
લાઈનમાં ઉભા. વારો આવતા બોલેરોમાં બેસી સોનપ્રયાગ પહોંચ્યા. અહીં પહોંચી અગાઉ નક્કી કર્યા
મુજબ, સંજયસિંહને ફોન કરી ગાડી
બોલાવી. તેઓ દોઢ દિવસ સુધી
ભીડમાં રોકાવાને બદલે, કોઈક પહાડ પર ગાડી લઇ જતા રહેલા. ગાડી આવતા સૌ ગોઠવાયા અને
બદ્રીનાથના રસ્તા તરફ આગળ વધ્યા. ફાટા – બાંસુ – નાલા – ગુપ્તકાશી થઇ આગળ જઈએ છીએ. રસ્તામાં ઉખીમઠ જવાનું હતું. વાત
પણ થયેલી પરંતુ મારા અને ડ્રાઈવર વચ્ચે કોમ્યુનીકેશન ગેપને લીધે, ઉખીમઠ પાછળ રહી ગયાના
કેટલાક કિમી બાદ ચર્ચા થઇ. અત્રે મારે જણાવવું જોઈએ કે ઉખીમઠ, એ પવિત્ર સ્થાન છે
કે જ્યાં શીયાળા દરમિયાન કેદારબાબા અને મધ્ય મહેશ્વરબાબાની પૂજા થાય છે. અગળ જતા એક ખુબ જ સુંદર સ્થળ ચોપ્તા આવે છે.(અમે ત્યાં
ગયા નથી). આ સ્થળેથી પંચકેદારમા એક ગણાતા એવા તુંગનાથ મહાદેવના મંદિરના દર્શને જવાનો પહાડી રસ્તો છે, જે અહીથી આશરે 3.5 કિમી અંતરે આવેલ છે. આગળ વધતા હવે અમે હોટેલની તપાસ કરતા રહીએ છીએ. રુદ્રપ્રયાગના નાનકડા એવા સગર ગામ પાસે રસ્તામાં
ઊંડી ખીણના કાંઠે બનેલી એક હોટેલમાં ગરમપાણીની શરત સાથે રોકાયા. એક રૂમમાં ગીઝર
શરુ છે. ત્યાંથી સવારે SHARE કરવાનું નક્કી કરી લીધું. ખીણમાં નાનકડું પહાડી ગામ
દેખાય છે. ત્યાંથી કીર્તન ગાવાના અવાજ આવતા રહે છે. POWER SUPPLY વારંવાર આવ-જા
કરે છે. સામે જ ભોજન વ્યવસ્થા હતી. રાબેતા મુજબ મંજુરી લઇ, ગુજરાતી ભોજન બનાવ્યું.
ઠંડી
ઘણી છે. નિંદ્રાદેવીને આધીન થયા .
(ક્રમશઃ)
No comments:
Post a Comment