{સગર (ગામ) – ચોપતા - બદ્રીનાથ – માણા -
નંદપ્રયાગ}
આજે તા. 12 જુન 2019, બુધવાર. ગઈ રાત્રે અહી હોટેલમાં રાત્રી નિવાસ કરેલ.
ખીણમાં દેખાતા ગામમાંથી સંસ્કૃત શ્લોક તથા ભજન સંભળાતા રહ્યા. સવારે 4:00 વાગ્યે જાગી નિત્યકર્મ, ચા-નાસ્તા બાદ સૌએ થોડા ફોટા પાડ્યા. હવે
યાત્રિકો બદ્રીનાથ રસ્તે જવા તૈયાર છે. 5:30 કલાકે અમારો યાત્રારથ નીકળી ચુક્યો છે. પહાડોમાં, પગથીયા પ્રકારના
ખેતરોમાં મહેનત કરતા પહાડીઓ દેખાય છે . રસ્તામાં ઝરણાઓ ઓળંગતા આગળ જઈ રહ્યા છીએ.
કેટલોક રસ્તો વૃક્ષોથી લબાલબ થયેલો અને દિવસે પણ અંધારું લાગે તેવો છે. આગળ જતા
રસ્તા પહોળા કરવાના કામ શરુ છે. રસ્તામાં એક ખીણ તથા વહેતી મૈયા અલકનંદાના પ્રવાહને સમાંતર
જઈએ છીએ. અમારા યાત્રારથના સારથી શ્રી સંજયસિંહ જણાવે છે કે કેદારનાથ ઘાટીની દુર્ઘટના
સમયે પાણીનો પ્રવાહ અહી પણ પહોંચી ગયેલો. ઘણું નુકસાન કરેલું, કેટલાક તૂટી ગયેલા
તથા પ્રવાહમાં તણાયેલા લોખંડના પૂલ પણ બતાવ્યા.
અમારા પહાડી માર્ગમાં મારી નજર અચાનક જ પહાડ
પરથી ઉતરતી નાજુક અને નમણી એવી Made in Gujarat તથા ગુજરાત પાસિંગ વાળી ‘નેનો’ કાર પર પડી. સામાન્ય રીતે આ માર્ગમાં મોટી
અને મજબુત ગાડીઓ જ આવી શકે તેવી માન્યતાની હાંસી ઉડાવતી ‘નેનો’ તેના યાત્રીકોને બદ્રીનાથ યાત્રા કરાવી પરત
લાવતી જોઈ.
છ કલાકની યાત્રા
બાદ અમે ભગવાન બદ્રીવિશાલનાં ખોળે પહોંચ્યા. અહી ભગવાન બદ્રીનાથની બધી બાજુએ બરફ આચ્છાદિત પહાડ તથા કુદરતી સૌન્દર્ય છુટા હાથે વેરાયેલું છે. ગાડીનું પાર્કિંગ
કરાવી, અમે મંદિર તરફ પ્રયાણ કર્યું. તેની બજારમાં નજર ફેરવતા મંદિર રસ્તે આગળ
વધ્યા. અહી મૈયા અલકનંદા પુરા જોશ સાથે વહે છે. તેનું જળ અત્યંત ઠંડુ તથા તેનો પ્રવાહ તોફાની છે. તેના પર
બનાવેલા લોખંડના પુલ પરથી લાંબી કતાર જોઈ. અમારે દર્શન માટે ખુબ રાહ જોવી
પડશે તેવું લાગ્યું. લાઈનમાં ઉભા રહી ગયા. લાઈનમાં ઉભા રહી, સ્વજનોને યાત્રાની
યાદગીરી રૂપ ભેટ આપવા માટે ત્યાં મળતા સોનેરી સિક્કાની ખરીદી કરી. ભગવાન કેદારનાથ તથા બદ્રીવિશાલજીની છાપ ધરાવતા 100- 100 સિક્કા ત્રણે દંપતીએ
ખરીદ્યા. કેટલીક માળા પણ ખરીદી. અમારી અપેક્ષા કરતા ઘણી વધુ ઝડપથી દર્શનમાં વારો આવ્યો.
આ દર્શન સાથે અમારી ચારધામ યાત્રા દર્શન પૂર્ણ થતા હતા. ભગવાનનો ખુબ ખુબ આભાર માન્યો. પુલ પર
ઉભા રહી તમામે ભગવાન બદ્રીનાથનાં સાનિધ્યમાં યાદગીરી રૂપ ફોટા પડાવ્યા. કુદરતી દ્રશ્યો તથા મૈયા
અલકનંદાનાં સાનિધ્યમાં પણ
ફોટા પડાવ્યા. હવે યાત્રિકો માનસિક રીતે હળવા થઇ ગયા છે. બજારમાં ખરીદી માટે યોગ્ય
વસ્તુ દેખાતા ઉભા રહી જાય છે. શ્રી મતિ કાન્તાબહેન ચૌહાણ તથા શ્રી મતિ નીતાબહેન મકવાણાને હવે તેમના પૌત્રો નજરે દેખાવા લાગ્યા
છે. પુત્રો/પૂત્રવધુઓ કરતા,
પૌત્રો માટે કંઈક ખરીદવા તલપાપડ છે. વારંવાર પૌત્રો સાથે ફોનમાં વાત કરતા રહે છે. મારા પત્ની પણ મારા ભાઇઓના નાના દીકરા -
દીકરીઓ માટે ખરીદી કરવા
લાગ્યા છે. અમે બજારમાં વેંચાતા રુદ્રાક્ષના લીલા ફળથી ભરેલા મોટા પાત્રો જોયા. તેમાંથી આપણે રુદ્રાક્ષનું એક ફળ પસંદ કરી
તેમને આપીએ એટલે તેઓ તે ફળ ખોલી સાફ કરી રુદ્રાક્ષનો પારો કાઢી આપે. અમે પણ ખરીદ્યા. કોઈકને ત્રણમુખી તો કોઈકને પંચમુખી રુદ્રાક્ષ મળ્યા. એક
પારાના 20 રૂપિયા હોય છે.આગળ
જતા ક્રિશ્ના હોટેલ બહાર ‘મોદીજી થાલી’ નામનું બોર્ડ
જોયું. કુતૂહલવશ ત્યાં જઈ પૂછપરછ કરી. તેમનું નામ ચન્દ્રમોહનજી તથા દહેરાદુનનાં છે તેવું જાણ્યું. તેમના જવાબોનો video
રેકોર્ડ કર્યો. ત્યાં લસ્સી પીધી. આગળ જતા રસ્તાની બાજુમાં બાંધેલું પહાડી પ્રાણી ‘યાક’ જોયું. કેટલાક
યાત્રાળુઓ તેની સાથે તસ્વીર લેતા હતા. હવે ભગવાન બદ્રીવિશાલની વિદાય લેવાનો સમય હતો. ફરીથી
પાર્કીંગમાં પહોંચી નેગીજીને શોધ્યા. અને સૌ ગાડીમાં ગોઠવાયા.
મને અચાનક યાદ
આવ્યું કે ભારતનું ચીન સરહદ તરફનું છેલ્લું ગામ ‘માણા’ અહીથી માત્ર ત્રણ કિમી. અંતરે છે. અમે ત્યાં પહોંચ્યા. પ્રકૃતિની
ગોદમાં વસેલું આ ગામ દૂરથી જોતા જ ગમી જાય તેવું છે. ટ્રાફિક અત્યંત છે. બદ્રીનાથ
આવતા મોટાભાગના યાત્રિકો ‘માણા’ ગામની મુલાકાત લે છે. ગાડી આગળ જઈ શકે તેમ નથી અને ગામ હજી એક
કિમી.થી વધારે દૂર હોવાથી અમે દૂરથી જ દર્શન કર્યા ફોટોગ્રાફી કરી. બાજુમાં જ
સુરક્ષા દળોનું થાણું છે. તેની સુચનાનું
પ્રામાણીકતાથી પાલન કરી માર્યાદિત ફોટા લીધા.
હવે યાત્રિકો
અહીથી પરત ફર્યા. આજે રસ્તામાં હોટેલ પસંદગીમાં થોડું મોડું થઇ ગયું. સાડા આઠે નંદપ્રયાગ પાસે સામાન્ય હોટેલ
મળી. ઠંડીનું પ્રમાણ ઘણું ઓછું થયું. રાત્રે હોટેલવાળા ભાઈ સાથે ઘણી વાતો કરી.
નિંદ્રાદેવીને શરણે થયા.
(ક્રમશઃ)
ફોટા જોવા માટે click here
મોદી થાલી video જોવા માટે click here
No comments:
Post a Comment