(ઉત્તરકાશીથી સીતાપુર)
આજે
તા. 9 જુન 2019, રવિવાર. ઉત્તરકાશીમાં, નીલકંઠ હોટેલના
રૂમમાં બે રાત્રી રોકાયા બાદ આજે અલવિદા કહેવાનો સમય છે. સવારે વહેલા 3:45 કલાકે જાગી તૈયાર થઇ નીચે આવ્યા. યાત્રા રથ તથા સારથી પણ હવે તૈયાર છે. નાસ્તા કાર્યક્રમ
રસ્તામાં રાખવાનો છે. જો કે અમારી સાથેનો સુકો નાસ્તો સમયાંતરે શરુ હોય છે.
રસ્તા રાબેતા મુજબ વળાંકવાળા ઉપરાંત એક તરફ ખીણ અને
બીજી તરફ પહાડ વાળા જ છે. આવા વાંકા ચુકા રસ્તે એક પહાડ ચઢીએ એટલે પાછું ઉતરવાનું
આવે, નદી આવે તેના પર પુલ હોય, ફરીથી નવો પહાડ ....બસ આવું શરુ જ રહે છે. રસ્તામાં
ઢોળાવમાં ક્યાંક ક્યાંક પગથીયા જેવા ખેતર છે. પહાડી લોકો તેમાં ખેતી કરે છે.
પાણીની સમસ્યા નથી. વહેતા પાણીને માત્ર વાળી લેવાનું જ છે. પરંતુ જીંદગી ખુબ કપરી
જીવે છે.
કુદરતી દૃશ્યો ખુબ જ મનમોહક છે. થોડી ઉંચે
નજર કરીએ એટલે દુર દુર બરફની ટોચ વાળા પહાડ દેખાય છે. પહાડ પરથી નીચે ઉતરતા ઝરણાંઓ
એકઠા થઇ રૌદ્ર રૂપ ધરાવતી નદીઓ બનાવે છે. એક પહાડમાં કોતરેલા ખતરનાક રસ્તા તરફ
આંગળી ચીંધી મેં અમારા યાત્રારથના સારથી શ્રી
સંજયસિંહ નેગીને બતાવ્યો તો કહે, “હમે વહીં જાના હૈ”. આપણે જે જોઇને રોમાંચિત થઇ જઈએ તે, તેમને માટે રૂટીન છે.
બપોર થતા રસ્તામાં કેટલીક હોટેલ પર શાક બનાવવા
મંજુરી બાબત પૂછપરછ કરતા, તેઓએ હોટેલમાં વધુ ટ્રાફિકને લીધે લાચારી બતાવી. પરંતુ
એક હોટેલ માલિકે અમને આગળનું એક સરનામું આપ્યું કે જે હાલમાં બંધ સ્થિતિમાં હોવા
છતાં તેમાં રસોઈ બનાવવાની બધી સગવડ છે તેવું જણાવ્યું. ખીણના બિલકુલ કિનારે આવેલ,
આ હોટેલ પર ગાડી રોકી, ભાવતું ગુજરાતી ભોજન રાંધ્યું. ત્યાં ત્રણેક પહાડી સ્ત્રીઓ લાકડાના ભારા પીઠ પર લગાવીને
આવેલી, તેમણે પાણી પી, આરામ કરી, ફરી તેમના ઘર તરફ પ્રયાણ કરવા તૈયાર છે પરંતુ તેમને થોડીવાર ઉભા રહેવા કહ્યું..
શ્રી શામજીભાઈ (દંપતી) તેમના આંબાના બગીચામાંથી કેરીઓ
લાવ્યા છે. તે હવે પાકીને ખાવા માટે તૈયાર થઇ ગઈ છે. તે કેરીઓ શ્રી મતિ નીતાબહેને
પેલી સ્ત્રીઓને આપી. તેમણે થોડા સંકોચ બાદ સ્વીકારી પણ પછી તે બહેનોના ચહેરા પરનું
સ્મિત ખુબ જ આનંદ આપી ગયું. તેમના ગામ બાબત પૂછ્યું તો તેમણે પહાડ તરફ આંગળી
બતાવી. અને હવે તેઓ લાકડાના ભારા સાથે, કોઈ રસ્તા કે કેડી વગર પહાડ ચઢવા લાગી.
ખરેખર કપરી જિંદગી જીવે છે.
રસ્તામાં ઘણી જગ્યાઓએ રસ્તાના કામ શરુ છે.
કદાચ બે- ત્રણ વર્ષ પછી ચારધામ યાત્રાએ આવનાર લોકોનાં વાહન ઓછા સમયમાં આ યાત્રા
પૂર્ણ કરી શકાશે.
હાલ તો ટ્રાફિકજામમાં ફસાયા છીએ. ગાડી ધીમે
ધીમે આગળ જાય છે. એક જગ્યાએ તો દોઢ- બે કલાક સુધી ઉભા રહ્યા. સમય પસાર કરવા ત્યાંના લોકો સાથે વાત કરતા, ગઈ
રાત્રે એક રીંછ કોઈ વ્યક્તિને ઉપાડી ગયાનાં સમાચાર મળ્યા. તો કેટલાક વળી “ખીણ સામે દેખાતા પહાડમાં રીંછ દેખાય છે” વાળી વાત લઈને આવ્યા. મને (અમને) એવું કાઈ દેખાયું નહિ.
હવે આજની રાત્રી અમારું રોકાણ સીતાપુરમાં છે. ટ્રાફિક જોતા
રાત્રીરોકાણમાં મુશ્કેલી થશે તેવું લાગ્યું. ફરીથી યશશ્વીની ટુર વાળા શ્રી નીમેષભાઈ ઓઝાને ફોન કરી વ્યવસ્થા માટે કહ્યું .
તેમણે J.P.G.હોટેલમાં ત્રણ રૂમ બુક કરાવી આપ્યા. હવે
અમારે સીતાપુર પહોંચવા પૂરતી ચિંતા હતી. અમે સીતાપુર પાસે પહોંચી ગયા તો ટ્રાફિકજામ. પોલીસ દ્વારા ગાડીને અંદર
જવાને બદલે પાસે રહેલા પાર્કિંગમાં મૂકી દેવા કહેવાયું. Google મુજબ અમારી હોટેલ અહીંથી અઢી કિમી. દૂર છે. મે
ગાડીમાંથી ઉતારી પોલીસમેનને આખી પરિસ્થિતિની જાણ કરી હોટેલરૂમ બુક થઇ ગયાનું
સમજાવ્યું, તેમણે બેરીકેટ હટાવી અમને મંજુરી આપી. અમે છેવટે સીતાપુર પહોંચ્યા. થોડા ફ્રેશ થઇ ત્યાંના
ભોજનાલયમાં જમ્યા. હવે હું, ચૌહાણસાહેબ તથા શામજીભાઈ આવતી કાલે કેદારનાથ જવા જરૂરી વસ્તુઓ જેવીકે રેઈનકોટ, માસ્ક, કપૂરની ગોળીઓ વગેરે લેવા નીકળ્યા. કેટલીક દુકાનો ફર્યા બાદ બધુ ખરીદ્યું.
અમારી હોટેલ તથા આસપાસના દૃશ્યો સરસ છે.
ટ્રાફિક ખુબ જ છે. આવતી કાલે 3:30 કલાકે નીકળી જવા 2:00 વાગ્યા આસપાસ જાગવું જરૂરી છે.
(ક્રમશ:)
No comments:
Post a Comment