અમારી ચારધામ યાત્રા ભાગ-6 (ઉત્તરકાશી-ગંગોત્રી-ઉત્તરકાશી)
આજે
તા. 8 જુન 2019, શનિવાર. ઉત્તરકાશીમાં ,ગંગામૈયાની બિલકુલ
સન્મુખ રહેલી નીલકંઠ હોટેલના રૂમમાં ખુબ સરસ ઊંઘ આવી. વહેલી સવારે 4:00 (ચાર)વાગ્યે જાગ્યા. રાત્રે આવેલા યાત્રાળુઓના એક મોટા જૂથને કદાચ બીજે
જગ્યા નહિ મળી હોય તેથી આ હોટેલની લોબીમાં અને બહાર પણ લાઈનમાં સૌ સુતા છે. બાથરૂમમાં
ગરમ પાણી આવતું ન હતું. બહાર ઠંડી ઘણી છે. મેં હોટેલવાળાને જગાડવા નિષ્ફળ પ્રયત્ન
કર્યો. પરંતુ ઇલેક્ટ્રિક બાબતમાં મારી જાણકારીનો મેં ઉપયોગ કર્યો. મેં, ગીઝરની મેઈનસ્વીચની દરેક માળ(Floor) પર તપાસ કરી
શોધી કાઢી. આ મેઈનસ્વીચ રૂમ પ્રમાણે હતી તે પણ ખ્યાલ આવી ગયો. મેં અમારી ત્રણે રૂમની સ્વીચ શોધીને સ્વીચ શરુ કરતા ગરમ પાણી આવ્યું. સૌ સ્નાનાદિ કાર્યથી પરવારી સવારે 5:00(પાંચ) વાગ્યે તૈયાર છીએ. અજવાળું થઇ ગયું છે. ગંગામૈયા બિલકુલ સામે જ
દેખાય છે. થોડી ફોટોગ્રાફી કરી. યાત્રારથના
સારથી શ્રી સંજયભાઈ ગાડી લઇ તૈયાર થતા જ ગંગોત્રી જવા નીકળ્યા. આગળ જતા રસ્તો થોડો સાંકડો છે. એક તરફ પહાડને કોતરી રસ્તો
બનાવ્યો છે. બીજી તરફ ઊંડી ખીણ હોય છે. તેથી સામે વાહન મળતા જ કાળજીપૂર્વક સાઈડ આપવી પડે છે. તેમાય જો મીની બસ આવી જાય તો તો જગ્યા શોધીને
માંડ માંડ ગાડી નીકળે છે. પરંતુ એક બાબત ખુબ ગમી કે, અહિયાં લોકો રાહ જુએ છે સાઈડ કાપી આગળ
ચાલ્યા જતા નથી. તેથી પ્રમાણમાં જલદી
ટ્રાફિક સોલ્વ થાય છે. હા, જો વરસાદ શરુ થાય તો સમસ્યા. અહીંના પહાડ, આપણા ગીરનારની સરખામણીએ યુવાન છે એટલે કાચા
તથા માટી વાળા છે. તે વરસાદ પડતાની સાથે જ નીચે ધસવા લાગે છે. જો આવું બને તો લાંબો સમય ફસાઈ જવાય. માટે આ
રસ્તે નીકળતા પહેલા પાણી-નાસ્તાની વ્યવસ્થા કરીને નીકળવું હિતાવહ છે.
અમે સૌ કુદરતી સૌન્દર્ય માણતા આગળ જઈએ
છીએ. ભવ્યાતિભવ્ય દૃશ્યો મળતા જ જાય છે. તેમાં પણ સવારે સાડા સાત વાગ્યે, એક સ્થળે નદી પરનો પૂલ પસાર
કરી, વળાંકમાં એક દેશી ઢાબા પાસે નાસ્તો કરવા ગાડી રોકી. અહી એક તરફથી કુદરતી ઝરણાં પડે છે.
નદીની બીજી તરફ આભને સ્પર્શ કરવા માંગતો હોય તેવો સીધો પહાડ છે. બહાર ધુમ્મસ છવાયેલું છે. મોઢું ખોલીએ એટલે બીડી પીતા હોય તેટલા ધુમાડા નીકળે છે. ઠંડી અહીં
(ગુલાબી ને બદલે) બ્લ્યુ (!!!) છે. મને છેલ્લા બે દિવસથી પેટમાં
ગરબડ છે તથા ઠંડી વધારે લાગે છે. મેં કોટ પહેર્યો છે છતાં ઢાબાવાળાના બે બ્લેન્કેટ
ઓઢ્યા ત્યારે બધા સાથે બેસી શકાય તેવી હાલત થઇ. શ્રી શામજીભાઈના પત્ની શ્રીમતિ
નીતાબહેનની હાલત પણ ઠંડીને લીધે મારા જેવી છે. હા, શ્રી ચૌહાણસાહેબ માવો ખાઈ લીધા
પછી બિલકુલ મોજમાં છે અને તેઓ દેખાય છે તેના કરતા વધુ
ખડતલ છે. ઢાબા વાળાના સુચન મુજબ, મારે ત્યાના લોકલ ફૂલમાંથી બનાવેલું જ્યુસ પીવું
પડ્યું છે. હવે અહીથી અમારી ગાડી આગળ વધે છે.
હવે રસ્તામાં વધુ સુંદર દ્રશ્યો શરુ
થયા. બર્ફીલી ટોચ વાળા પહાડ અમારી સાથે જ આવે છે. વચ્ચે રહેલી ખુબ ઊંડી પણ
વૃક્ષોથી આચ્છાદિત ખીણમાં ગંગામૈયા ખળખળાટ ચાલ્યા જાય છે.આગળ જતા સુરક્ષા દળોનું થાણું આવે છે .
થાણાની થોડે જ આગળ બર્ફીલી નદી, પાછળ બર્ફીલો પહાડ તથા બાજુમાં વૃક્ષો આચ્છાદિત
પહાડ દેખાય છે. અમે ત્યાં વળતી મુસાફરીએ રોકાવાનું નક્કી કરી ગંગોત્રી તરફ આગળ વધ્યા.
ગંગોત્રી પહોંચતા ગાડી પાર્ક કરી, ગાડી નીચે
ઉતરતા જ સ્વર્ગની અનુભૂતિ થાય છે. થોડા ફોટા પાડી, યાત્રાળુઓ ગંગોત્રીની બજારમાં થઈને ગંગામૈયાના દર્શને પહોંચે છે. ગંગામૈયા અહી તોફાની અવસ્થામાં તથા સખત ઠંડુ જળ વહાવે છે. પાણીમાં રહેલા બરફના કણોથી પાણી દુધિયા રંગનું દેખાય છે. તેમાં સ્નાન કરવું એ
મારી અસમર્થતા છે. તમામ યાત્રાળુએ માત્ર હાથ-પગ ધોયા પરંતુ તરત જ લુછી નાખવા
પડ્યા. મહારાજ શોધી ધાર્મિક વિધિઓ પૂર્ણ કરી. હવે ગંગોત્રી મંદિરમાં દર્શને પહોંચ્યા. લગભગ દોઢ
કિમી.થી વધુ લાંબી લાઈન હતી. અમે મહારાજના અનુરોધ મુજબ 2100 રૂપિયા ભરી ખાસ લાઈનમાં ઉભા રહ્યા. જે થોડે આગળ જતા એક
જ બની ગઈ. પરંતુ બે કલાક વહેલો વારો આવ્યો. ગંગોત્રી મંદિરના પ્રાંગણમાં
ઉભા રહી જોતા , ગંગામૈયાનું પ્રાકટ્ય સ્થાન એવા ગૌમુખ
તરફનો માર્ગ તથા ખુબ દૂર બર્ફીલા
પર્વત, કે જ્યાં આ ગૌમુખ આવેલ છે તે દેખાય છે. (અહીથી
કદાચ 15
Km. થાય છે. ત્યાં પગપાળા કે ખચ્ચરથી જઈ
શકાય છે. આવતા-જતા બે દિવસ થાય. અમે ત્યાં જઈ શક્યા નથી.)
દર્શન કર્યા બાદ અમે પરત ગંગોત્રી બજારમાં
ગયા. પોતાને અનુકુળ ખરીદીઓ કરી. હવે ફરી અમારી પાર્ક કરાયેલી ગાડી શોધી પરત ફરવા
રવાના થયા. પરત ફરતા એક અતિશય ઊંડી ખીણ પર બનાવાયેલો લંબાઈમાં આશરે 100 મીટર પરંતુ તળીએથી ઊંચાઈમાં કદાચ 800-900 મીટર જેટલો એવો અદભૂત પૂલ આવ્યો. ગાડીની ઝડપ સાવ ધીમે
રાખી ધ્યાનપૂર્વક જોયો. અહી ફોટોગ્રાફી પ્રતિબંધિત છે. આગળ જતા સુરક્ષા
દળોનું પોઈન્ટ આવ્યું. અહી સૌ નદી પર જઈ ખુબ ફોટોગ્રાફ્સ/ વીડિઓ
લીધા. આ સ્થળ ખરેખર ફોટોજેનિક છે. આ નદી આસપાસ પડેલો થોડો કચરો મેં ઉઠાવી કચરા
ટોપલીમાં નાખ્યો તો ત્યાં ઉભેલા સૈનિક ખુશ થઇ ગયા.
હવે અમારી ગાડીની દિશા ઉત્તરકાશી તરફની છે. રસ્તામાં ગાજ વીજ
સાથે વરસાદ શરુ થતા અમારી ગાડી લગભગ દોઢ કલાક સુધી લોક-ડાઉન થઇ ગઈ. આ લોકડાઉન
ખુલતા ફરી મુસાફરી શરુ થઇ. થોડી મુસાફરી બાદ અમે રસ્તામાં ખીણના કિનારે આવેલી એક નાની એવી દુકાને ઉભા રહ્યા. થોડો નાસ્તો કર્યો. સામાન્ય વરસાદ શરુ છે. હવે
નેતાળા ગામે પહોંચ્યા. ત્યાં એક દુકાનેથી ખીચડીનો સામાન ખરીદ્યો. થોડું શાક-ભાજી પણ ખરીદ્યું.
હોટેલ પર જઈ, ગઈ કાલની જેમ આજે પણ રાધ્યું.
આજે શાક ઉપરાંત ખીચડી પણ બનાવી. (મારી સિવાય) સૌ પેટ ભરી જમ્યા. અને દરરોજની જેમ
નિદ્રાદેવીને આધીન થયા.
No comments:
Post a Comment