અમારી ચારધામ યાત્રા –
ભાગ -5 (રાણાચટ્ટી
– યમુનોત્રી – ઉત્તરકાશી)
આજે તા. 7 જુન 2019, શુક્રવાર. ઉનાથી ઉપડ્યાને આજે પાંચમો દિવસ છે. રાનાચટ્ટીમાં હોટેલરૂમમાં ખુબ સરસ
ઊંઘ બાદ વહેલી સવારે 3:30 (સાડા ત્રણ)વાગ્યે જાગ્યા. હોટેલવાળાએ ‘કમીટમેન્ટ’ કર્યા મુજબ આટલી વહેલી
સવારે ગરમ પાણી રૂમમાં પહોચાડ્યું છે. બધા યાત્રિકો નિત્યકર્મ બાદ તૈયાર થઇ સવારે 4:30 વાગ્યે હોટેલ નીચે એકઠા થઇ ગયા. ઠંડી
સખત છે. મારી જવાબદારી મુજબ રૂમની ચાવીઓ સોંપી, નીચે આવ્યો. આટલી વહેલી સવારે સખત
ઠંડીમાં કાઉન્ટર પાસે ઉભેલા એક વ્યક્તિ “ચૌહાણ
સાહબ કહા હૈ...?” નું પૂછવા લાગ્યા. મને પણ નવાઈ
લાગી. મેં કારણ પૂછ્યું ત્યારે બધા હસી પડ્યા. તેણે કહ્યું “કુછ નહિ બસ વો ‘માવા’ ચાહિયે.” એટલે નક્કી થયું કે, ચૌહાણસાહેબે
એક ચેલો મુન્ડ્યો છે. અમે સાહેબને
‘માવા’ છોડાવવા માંગીએ છીએ પણ તેઓ ઘણાને શરુ કરાવશે.
ગાડીમાં ગોઠવાતા જાનકીચટ્ટીનાં રસ્તે ઉપડ્યા. સવારે સાડા પાંચે જાનકીચટ્ટી પહોંચી ગયા. સંપૂર્ણ અજવાળું થઇ
ચૂકેલું છે. (આપણા ગુજરાત કરતા અહી અજવાળું
ઘણું વહેલું થઇ જાય છે.)
અહીથી યમુનોત્રી સુધી
હવે કોઈ વાહન જઈ શકે તેમ નથી. અમે ‘ઘોડા’ નક્કી કર્યા છે. અહી ઘોડાના ભાવ સમયાંતરે બદલાય છે. સરકારી ભાવમાં
બાર્ગેઈનીંગ નથી થતું અને સલામતી વધારે હોય છે. રસ્તામાંથી પણ ઘોડા મળી રહે છે.
વચ્ચે કોઈક પોઈન્ટ પર તેના નાણાં પણ ભરી શકાય છે. પોઈન્ટથી અંતર મુજબ ભાવ જુદા-
જુદા હોય છે. આપણા ચારધામ યાત્રા કાર્ડ તથા ઘોડાવાળાનાં આઇડેન્ટિટી કાર્ડ આપીને નાણાં,
સરકારી ઓફિસમાં ભરીને પાવતી મેળવી, સાંચવવાની હોય છે. જે પરત આવ્યા બાદ ઘોડાવાળાને
આપતા તેમને ઓફિસથી નાણાં મળી જાય છે.
જાનકીચટ્ટીથી
યમુનોત્રી માત્ર સાડા પાંચ Km. છે, પરંતુ ચઢાઈ ખુબ તીવ્ર છે. છેક સુધી R.C.C. રોડ છે પણ ખુબ સાંકડો માર્ગ
છે. પગે ચાલીને ચઢાઈ કરવા શરીર સાથે મનની મક્કમતા ખુબ જ જરૂરી છે. જો સમય તથા આપના
સમગ્ર ગૃપને અનુકુળ હોય તો પગે
ચાલીને જવાનો એક અલગ આનંદ આવે તેવું છે. જો ગૃપમાંથી એકાદ/બે વ્યક્તિ ચાલતા જાય તો
ગૃપનું ટાઈમિંગ બગડી જાય.આ બાબત ધ્યાનમાં રાખવી.
કુદરતી સૌન્દર્યની તો પરાકાષ્ટા છે. એક તરફ વૃક્ષોથી આચ્છાદિત પહાડ, બીજી તરફ વૃક્ષોથી આચ્છાદિત ઊંડી
ખીણ તથા મોટા અવાજ સાથે વહેતા પાણીના વહેણ અને ધોધ. આ બધું આપણને એક અલગ સૃષ્ટિમાં આવ્યાની અનુભૂતિ આપશે. બે-ત્રણ સ્થળ તો એવા પણ છે કે જે પસાર થયા બાદ ખ્યાલ
આવશે કે આપણે જે રસ્તા પર ચાલ્યા તે ઊંડી ખીણની ઉપર, પહાડમાં લોખંડની હેવી ચેનલ
ફીટ કરી તેના પર રસ્તો બનાવેલો છે. રસ્તા નીચે તો ખીણ છે. યાત્રાળુઓનો પાર નથી.
આશરે ચારેક કલાક બાદ અમે યમુનોત્રી પહોંચી ગયા.
ઘોડા
પર બેસી મુસાફરીમાં ઘોડા લપસવાનું સતત જોખમ રહે છે. આપણને ઘોડાવાળા તરફથી આગળ ફીટ કરેલ સળીયાને મજબુત
રીતે પકડી રાખવાની સૂચના અપાતી જ રહે છે. આપણે ફોટોગ્રાફી/ વીડિઓગ્રાફી યોગ્ય
રીતે કરી શકતા નથી.
અમે પતિ-પત્ની અન્ય પાંચ યાત્રાળુ કરતા ઘણા
વહેલા પહોંચી ગયા. ઘોડાવાળા યુવાનોને ચા-નાસ્તા માટે થોડી રકમ આપી, મંદિરે
પહોંચ્યા. અહી યમુનાજી કુંડ છે. બીજો એક ગરમ પાણીનો કુંડ પણ બાજુમાં જ છે. ત્યાં
સૌ પોતાની આસ્થા મુજબ ચોખાની પોટલી મૂકી ભાત થઇ જાય તેની પ્રસાદી ગ્રહણ કરે છે. ખુબ
જ સારા અને સાદા મહારાજ મળ્યા. મહારાજના અનુરોધ મુજબ સ્નાનાદી વિધિ બાદ મારા સ્વર્ગસ્થ આપ્તજનોના આત્માના કલ્યાણાર્થે તમામ
વિધિ શ્રદ્ધાપૂર્વક પૂર્ણ કરી. મહારાજને નક્કી કર્યા કરતા વધારે દક્ષિણા તેમજ કપડા અર્પણ કર્યા તેમનો ખુશ થયેલો ચહેરો જોઈ વધારે ખુશી પ્રાપ્ત થઇ. બાકીના
બધા યાત્રાળુઓ પાછળ હતા. સૌએ પોતાની આસ્થા મુજબ વિધિ કરાવી.
અમે પતિ- પત્ની થોડા વહેલા પહોંચ્યા હોવાથી, યમુનાજીના વહેણ
પર ગોઠવેલા વાંસના કામચલાઉ પૂલ પરથી ચાલીને કુતુહલવશ યમુનાજીના ઉદ્ભવસ્થાન
તરફ ચાલતા ગયા. અને માત્ર અર્ધો કિમી આગળ જ બે પહાડ વચ્ચેથી બરફના વિશાળ ખડકમાંથી મૂળ
ઉદગમસ્થાનના દર્શન થયા. પ્રાકટ્ય સ્થાન જોઈ આનંદ સાથે અશ્રુઓ આવી ગયા. બરફની
વિશાળ શીલા નીચેથી પ્રકટ થતા યમુનાજીનું જળ શાંત, કાચ જેવું પારદર્શક તથા બરફ જેવું ઠંડુ છે. અમે બંનેએ ત્યાં તસ્વીરો લીધી. આવા નિર્મળ અને શાંત જળદેવી થોડા જ આગળ વધે ત્યાં અલ્લડ યુવતી
જેવા બની તોફાની થઇ જાય છે. પ્રાકટ્ય સ્થાનેથી નીકળેલ નિર્મળ જળ, સફેદ ફીણ જેવું થઇ જાય છે. બંને સ્વરૂપ
માણવા જેવા છે.
શ્રી
શામજીભાઈ તથા શ્રી ચૌહાણ સાહેબ દંપતી
આ સ્થાનથી અજાણ હોવાથી યમુનોત્રીથી પરત જવા લાગ્યા. મારું ધ્યાન જતા, તેઓને ફરીથી આ પ્રાકટ્ય સ્થાને લઇ ગયો. બંને દંપતી અત્યંત ખુશ-ખુશાલ થઇ
ગયા. ઘણા બધા ફોટા-વિડીઓ લીધા.
હવે પરત ફરવાનો સમય થયો છે. યમુનોત્રી
પાસે આવેલ નાનકડો પૂલ પસાર કરતાં જ અમારા ઘોડાવાળાએ અમને શોધી કાઢ્યા. વળતી
ઘોડેસવારી શરુ થઇ. આ વખતે વધુ જોખમી સવારી છે. ઘોડા વારંવાર લપસે છે, અમને સતત પાછળ તરફ ઝુકવા
સૂચના અપાય છે. ખુબ જ કાળજીપૂર્વક બેસવું જરૂરી બને છે.
યમુનોત્રીથી પરત જાનકીચટ્ટી પહોંચવામાં ઓછો સમય લાગે છે. ઘોડાવાળાને વધારાની રકમ
આપી, અમે લગભગ 1:30 કલાકે જાનકીચટ્ટીથી નીકળી, રાણાચટ્ટી હોટેલમાંથી ચેકઆઉટ કરી ઉત્તરકાશીના રસ્તે નીકળી ગયા. ફરીથી કુદરતનાં
અદભૂત દૃશ્યો મનમોહક છે. ઉત્તરાખંડના આ વિસ્તારના ભાગ્યમાં ક્યાંય 200 મીટર જેટલો સીધો રસ્તો નથી. ગાડી સર્પાકાર જ
ચાલે છે. પણ હા, તેનાથી એકદમ વિરુદ્ધ માણસો સીધા છે. હું ડ્રાઈવર સાથે મજાક કરું
છું કે, અમારે પણ દિવથી પરત ફરતી ગાડીઓ આમ જ ચાલે.
રાત્રે આઠ વાગ્યે અમે ઉત્તરકાશી પહોંચ્યા છીએ. ગંગામૈયાની
સન્મુખ એક હોટેલ મળી ગઈ. મારે ઘણું બાર્ગેનિંગ કરવું પડ્યું. આ હોટેલ બે રાત્રી માટે નક્કી કરી. કારણકે આવતીકાલની રાત્રી, ગંગોત્રીથી
પરત ફરી અહી જ રોકાવાનું છે.
હોટેલમાં એક રૂમ ગ્રાઉન્ડ ફ્લોર પર
બે રૂમ ફર્સ્ટ ફ્લોર પર મળ્યા. અહી રાણાચટ્ટી કરતા ઓછી ઠંડી છે. હોટેલના ભોજનાલયમાં
જઈ વિનંતી કરી, અમારી રીતે શાક
બનાવવાની મંજુરી મેળવીને, યાત્રાળુઓએ ભોજન તૈયાર કર્યું. સૌ ભોજન લઇ પોત-પોતાના રૂમમાં
જઈ નિંદ્રાદેવીને આધીન થયા. (ક્રમશ:)
No comments:
Post a Comment