અમારી ચારધામ યાત્રા –
ભાગ -3
(હરિદ્વાર દર્શન)
(હરિદ્વાર દર્શન)
આજે
તા. 5
જુન 2019, બુધવાર. નકળંકધામમાં અમારો રૂમ બીજામાળે છે. સવારે જાગી નિત્યકર્મ શરુ કર્યું.
સ્નાન માટે ગીઝરમાં ગરમ પાણી આવતું નથી. મેનેજરશ્રી પાસે જઈ રજૂઆત કરી. તેમણે
કોઈકને મેઈન સ્વીચ શરુ કરવાનું કહ્યું. કેટલાક પ્રયત્નો બાદ પણ એક જ રૂમમાં ગરમ
પાણી શરુ થયું. ત્યાંથી બાલદી ભરી ગરમ પાણી લઈને પોતપોતાના રૂમમાં સ્નાન કર્યું.
હવે સૌ અમારા નિત્યકર્મ પૂર્ણ કરી તૈયાર
છીએ. તમામ યાત્રાળુઓ નકળંકધામના ભોજનાલયમાં પહોંચ્યા. ભોજન ખુબ જ આરોગ્યપ્રદ (hygienic) તથા સુંદર બેઠક વ્યવસ્થા સાથે છે. થાળીઓ ખુબ જ ચોખ્ખી
છે. સ્વયં સેવા (Self service) છે. એક ખાસ બાબત આપણે જણાવી દઉં કે, અહી આપ રૂમ
માટે નાણાં ચૂકવો છો બાદમાં નાસ્તા – ભોજન માટે અલગથી રકમ ચુકવવાની નથી. પરંતુ ભોજનનો બગાડ ન થાય તે આપણી નૈતિક જવાબદારી
હોવી જ જોઈએ. આખા નકળંકધામમાં સ્વચ્છતા ઉડીને આંખે વળગે તેવી છે. પીવા માટેના મિનરલ+ ઠંડા
પાણીની વ્યવસ્થા છે. અમારો મોટા ભાગનો સામાન રૂમમાં જ રહેવા દઈ, ગંગા સ્નાન તથા અન્ય વિધિ માટે હરિ-કી-પૌરી જવા અમારી ગાડીમાં નીકળ્યા. શ્રી સોમાભાઈએ યોગ્ય જગ્યા શોધી ગાડી પાર્ક
કરી. ત્યાંથી પગપાળા ચાલીને હરિ-કી-પૌરી પહોંચ્યા. ગંગામૈયાના દર્શન થતા જ અલૌકિક આનંદની અનુભૂતિ થઇ. આનું વર્ણન કરી શકાય તેવું નથી. અમે સ્નાન માટે યોગ્ય
સ્થળ પસંદ કર્યું, ધાર્મિક વિધિ માટે મહારાજ પસંદ કર્યા.
ગંગાસ્નાન માટે ગંગામૈયાના અત્યંત ઠંડા જળમાં પ્રવેશતા જ તેનો સ્પર્શ ધ્રુજારી આપી ગયો.
મનને ખુબ જ મક્કમ કરી ગંગાસ્નાન શરુ કર્યું. પરંતુ હવે ગંગામૈયાના ખોળેથી બહાર નીકળવાનું મન નથી થતું. તમામ યાત્રાળુઓ
હવે માતાના ખોળે મસ્તી કરી રહ્યા છીએ. ગંગાસ્નાનના અર્ધ-વિરામ બાદ મહારાજશ્રીની સૂચનાનું
આદરપૂર્વક પાલન કરી ખુબ જ શ્રદ્ધા સાથે તમામ વિધિમાં જોડાયા. મેં મારા સ્વર્ગસ્થ પિતાશ્રી બાબુભાઈ તથા સ્વર્ગસ્થ નાના ભાઈ મુકેશભાઈનાં આત્માના કલ્યાણાર્થે તમામ વિધિ શ્રદ્ધાપૂર્વક પૂર્ણ
કરી. ઉપરાંત મારા પરિવારના સ્વર્ગસ્થ સભ્યો મારા કાકાના દીકરા ભાઈઓ (મયુર,
દીપક), મારા સ્વર્ગસ્થ કાકા ભરતભાઈ, સ્વર્ગસ્થ કાકીશ્રીઓ (નિર્મળાકાકી, જશુકાકી, સાવીત્રીકાકી), મારા તમામ સ્વર્ગસ્થ દાદાશ્રીઓ (ગભરુદાદા, હરિશંકરદાદા, દયારામદાદા), મારા સ્વર્ગસ્થ દાદીમાઓ (જમુનામાં, અંબામાં), મારા નાના- નાની (ગૌરીશંકર બાપા-ગોદાવરીમાં), મારા પ્રવિણામામીનાં
આત્માના કલ્યાણાર્થે શ્રદ્ધાપૂર્વક વિધિ પૂર્ણ કરી. વિધિ પૂર્ણ થતા મહારાજશ્રીને
દક્ષિણા તથા કપડા આપી ખુશ કર્યા. હવે ફરીથી ગંગામૈયાના ખોળે ખુબ જ મસ્તી કરી (માતાના ખોળે સૌ બાળકો બની જાય એ સ્વાભાવિક છે.)
હવે નજીકના તમામ મંદિરોમાં દર્શન કર્યા, ગરમી અત્યંત થાય છે. યાત્રાળુઓએ લસ્સી
પીધી. હવે મનસાદેવીમાતાના દર્શને જવા ઉડન ખટોલા મુલ્યપત્રિકા વિતરણ
કેન્દ્ર (રોપ-વે ટીકીટ સેન્ટર) પર સાતેય યાત્રાળુઓની ટીકીટ લેવા લાઈનમાં ઉભો રહી ગયો.
ત્યાં યાત્રાળુઓનો પાર નથી. વધુ પડતા ટ્રાફિકથી ટીકીટ વેંચાણ દોઢ કલાક રોકી દેવામાં આવ્યું, ગરમી અસહ્ય છે. શ્રી શામજીભાઈ ઠંડુ પાણી લઇ આપી ગયા. થોડી વાર બાદ શ્રી ચૌહાણ સાહેબ લીંબુ સરબત લઈને હાજર થયા. ખુબ જ રાહત થઇ. આખરે દોઢ-બે
કલાકે ટીકીટ પ્રાપ્ત થઇ, અમે મનસાદેવી – ચંડીદેવીની સંયુક્ત ટીકીટ લીધી છે. યાત્રાળુઓએ રોપ-વેમાં વિજય પ્રવેશ કર્યો. સંયુક્ત ટીકીટવાળાની લાઈન અલગ હોય છે. જો કે આગળ જતા એક જ લાઈન બની જાય છે. અમારો વારો
આવતા મનસાદેવી માતાના દર્શન કર્યા, ત્યાંથી પરત ફર્યા, ચંડીદેવી રોપ-વે સ્ટેશન જવા માટે મીની-બસની લાઈનમાં વારાની રાહ જોઈ. આ
સમયગાળામાં બહાર ઉભેલી મિક્ષ-ફ્રુટ ખાઈને તૃપ્ત થયા, પાણી પીધું. વારો આવતા બસમાં ગોઠવાયા.
મીની બસે અમને ચંડીદેવી રોપ- વે સ્ટેશને છોડ્યા. વારો આવતા ચંડીદેવી માતાના દર્શને પહોંચ્યા. આ બંને રોપ –વે
ની પણ એક અલગ મજા છે. ત્યાંથી દેખાતા ગંગામૈયા
- વૃક્ષો આચ્છાદિત પહાડ - ખીણ જોવાનો ભયમિશ્રિત-આનંદ પણ એક અજોડ અનુભવ છે.
હવે મીની
બસવાળા અમને ફરી હરિ-કી-પૌરી છોડી ગયા. અમે ફરીથી નકળંકધામ જવા તૈયાર છીએ. આહીથી અમારી ગાડી પાર્કિંગ સ્થળ
શોધવું એ સમસ્યા છે. આખરે ખુબ જ ચાલીને થાક્યા બાદ એ સ્થળ મળ્યું. છેવટે નકળંકધામ પહોંચ્યા.
ખુબ થાક
તથા ગરમીને કારણે સુઈ ગયા. આશરે ત્રણેક વાગ્યે અમે ત્યાં ચાલતી ઇલેક્ટ્રિક
રીક્ષામાં હરિ કી પૌરી માર્કેટમાં પહોંચ્યા. ત્યાંથી પરત ફર્યા. હવે ઉનાથી લાવેલી ગાડી અમારે ચારધામ યાત્રાએ
લઇ જવાની ન હોવાથી, હવે આવતીકાલે ચારધામયાત્રા શરુ કરવા વાહનવ્યવસ્થા કરવાનો સમય આવ્યો છે. ઉનાથી મેહુલભાઈએ online નક્કી કરેલ વાહનમાં કુલ 7(સાત) સીટ છે. પરંતુ અમે અમારા શ્રી સોમાભાઈને
પણ યાત્રા કરાવવાનું નક્કી કર્યું છે. આથી અમે હવે (7) સાત વ્યક્તિઓ થતા અમારે 8 Seated
વાહન શોધવું પડશે. અમને એક બોલેરો ગાડીવાળાનો કોન્ટેક્ટ થયો. જે કાલે સવારે 5:30 કલાકે અમને નકળંકધામ
આવીને યાત્રા માટે લઇ જશે.
અમે
રૂમમાં પહોંચી કેટલોક સામાન અહી જ રહેવા દેવાનો નક્કી કરી, તાવેરા ગાડીમાં મૂકી,
ગાડી ક્યાંય નડતરરૂપ ન થાય તેમ પાર્ક કરી દીધી. રાત્રે નકળંકધામના ભોજનાલયમાં ખુબ જ સરસ ભોજન
લીધું. આજે હરિદ્વારમાં ખુબ જ ફરીને થાકી ગયા છીએ. આવતીકાલ માટે વહેલું જાગીને
તૈયાર થવાનું છે. ફરીથી બીજા માળે અમારા રૂમમાં પહોંચી, સુઈ જવા લંબાવ્યું. અને
આજે પણ ગાઢ નીંદર આવી.
No comments:
Post a Comment