Friday, April 10, 2020

અમારી ચારધામ યાત્રા ભાગ -4 (હરિદ્વારથી રાણાચટ્ટી)


અમારી ચારધામ યાત્રા ભાગ -4 (હરિદ્વારથી રાણાચટ્ટી)
           આજે તા. 6 જુન 2019, ગુરુવાર. આજથી અમારી ચારધામ યાત્રા સાચા અર્થમાં શરુ થાય છે. હરિદ્વારના નકળંકધામમાં આજે વહેલી સવારે 4 :30 કલાકે જાગી નિત્યકર્મ પૂર્ણ કર્યું. જરૂરી સામાન સાથે લીધો. વધારાનો સામાન, તાવેરા ગાડીમાં મૂકી, ગાડી પાર્ક કરી દીધી. ગાડીના ડ્રાઈવર શ્રી સોમાભાઈને ચારધામ યાત્રામાં સાથે લેવાના છે.
        ચારધામ યાત્રા માટે હવે યાત્રાળુઓએ પોતાના આધારકાર્ડ તથા અન્ય એકાદ ફોટોવાળા આઇડેન્ટિટી કાર્ડની ત્રણ થી વધારે ફોટોકોપી તથા પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ્સ સાથે રાખવા અનિવાર્ય છે. સાતે સાત યાત્રાળુઓની આવી વસ્તુઓનો હવાલો મારી પાસે હોવાથી, મેં બધુ ચકાસી તૈયાર રાખ્યું છે. યાત્રાળુઓના ફોન નંબર્સ પણ લખી રાખ્યા છે.
                  તમામ યાત્રાળુઓ સવારમાં નકળંકધામના ભોજનાલયમાં પહોંચ્યા. નાસ્તો તૈયાર છે. સૌ નાસ્તો કર્યા. ત્યાં બેઠેલા અન્ય કેટલાક યાત્રાળુઓએ ચારધામ યાત્રાના ભયસ્થાનો જણાવી અમને ચેતવ્યા. કેટલાક યાત્રી તો એવા મળ્યા કે જેઓ ચારધામ યાત્રા, અધુરી છોડી પરત ફરેલા. અમે બધાનું સાંભળ્યુ પરંતુ અમારા સૌના મન મક્કમ હતા. હવે યાત્રાળુઓ  નકળંકધામના વિશાળ પ્રાંગણમાં અમારી યાત્રા માટે નક્કી કરેલી બોલેરો ગાડીની રાહ જોતા, વાતો કરતા ફોટા પડાવતા હતા. ખરેખર ગાડીવાળા તો સમયસર હતા પરંતુ અમે વહેલા તૈયાર થઇ ગયેલા. બોલેરોના ઉપરના કેરિઅરમાં સામાન મૂકી. અનુભવી ગાડી વાળાએ સામાન પર રસ્તામાં સંભવિત વરસાદનું પાણી ન લાગે તેમ ઢાંકી દીધું. સૌએ ગાડીમાં બેઠક લીધી.
             સવારે 6:00 કલાકે અમારી યાત્રા શરુ થઇ ચુકી છે. અમારા નવા યાત્રારથના નવા સારથી, પૌરી જિલ્લાના પહાડી વિસ્તારના નાનકડા ગામમાં વસતા શ્રી સંજયસિંહ નેગી છે. ખુબ જ શાંત તથા સારો સ્વભાવ ધરાવતા વ્યક્તિ છે. હાલ અમે દહેરાદુન તરફના રસ્તે જઈ રહ્યા છીએ. રસ્તામાં શેર- એ- પંજાબ નામની પંજાબી હોટેલમાં પરાંઠા – માખણ – ચા નો અતિ ભારે નાસ્તો કર્યો. ફરીથી યાત્રા આગળ વધે છે. દહેરાદુન જતા રસ્તો ખુબ જ લીલા છમ વૃક્ષો સાથે સુંદર દેખાય છે. મારી પ્રકૃતિ મુજબ, હું કોઈ સ્થળે જાઉં તો મારું લોકેશન share કરું. સોશિયલ મીડીયાના ઘણા લાભ છે. દહેરાદુનમાં મારા, વડવીયાળાનાં વિદ્યાર્થી શ્રી જયદીપભાઈ મકવાણા કે જેઓ ભારતીય સુરક્ષાદળ (Indian Army) માં સેવા બજાવે છે, તેમનો ફોનથી સંપર્ક થયો. ખુબ જ ખુશીની લાગણી થઇ. રૂબરૂ મુલાકાત અમારા ટાઈમિંગના અભાવે શક્ય ન બની. હવે દહેરાદુન વટાવીને અમારો યાત્રારથ મસુરી (પહાડો કી રાની) તરફના રસ્તે આગળ વધે છે. હવે પહાડ શરુ થયા. નજર હટાવવાનું મન ન થાય તેવા કુદરતી દૃશ્યો ઠેર ઠેર દેખાય છે. રસ્તામાં પ્રકાશેશ્વર મહાદેવનું સ્ફટિક લિંગ ધરાવતું વિશિષ્ટ મંદિર આવતા, યાત્રાળુઓએ દર્શન કર્યા. યાદગીરી માટે ફોટા પણ પડાવ્યા. મોટાભાગના મંદિરોમાં હોય છે તેવા ‘ફોટુ ખીંચના મના હૈ.’ વાળા સૂત્ર આ મંદિરમાં ક્યાંય નથી, વળી પૈસા ચઢાવવાની પણ સંપૂર્ણ મનાઈ છે. ઉપરાંત આગ્રહપૂર્વક પ્રસાદ પણ આપે છે.
              ખીણ – પહાડ – ઝરણાંના મનભાવક દૃશ્યો શરુ થતા સૌ યાત્રાળુઓ, મોબાઈલ કેમેરા કાઢીને ફોટાઓ લેવાનું શરુ કરે છે. પરંતુ જેમ આગળ વધીએ તેમ, પાછળ ગયેલા દૃશ્યો સાવ સામાન્ય લાગતા જાય. કુદરતે સુંદરતા બાબતની પોતાની કૃપા આ દેવભૂમિ પર મન મુકીને વરસાવી છે. સાથે સાથે મનુષ્યે પણ પોતાના જ્ઞાન અને કૌશલ્યનો ઉપયોગ કરી, જ્યાં માત્ર જોવાથી પણ ડર લાગે તેવા પહાડોને  કોતરીને રસ્તાઓ બનાવ્યા છે. એક પહાડ પૂરો થતા નદી આવે, ત્યાંથી બીજા પહાડ પર જવા નદી પર લોખંડનો પુલ બનાવેલ હોય. આવા દૃશ્યોનું પુનરાવર્તન થયા જ કરે.
     રસ્તામાં પહાડ પરથી, રસ્તા પર ઝરણાં પસાર થતાં રહે. કેટલાક સ્થળોએ પહાડમાંથી નીકળતા આવા ઝરણાંને પાઈપ વડે જોડાણ કરી, રસ્તાના કાંઠા પર ગોઠવી દીધેલ હોય. અમે આવા એકાદ – બે  સ્થળે અમારી ગાડી ઉભી રાખી, એકદમ ઠંડા પાણીથી હાથ –પગ-મોઢું  ધોઈ ફ્રેશ થયા. રસ્તામાં પહાડી સ્ત્રીઓ લાકડાના ભારા પોતાની પીઠ પર ઊંચકીને પહાડોમાં આવેલા પોતાના ઘર તરફ જતી જોઈ.
               વર્ષ 2013ની કેદારનાથ પૂર દુર્ઘટના બાદ ઉત્તરાખંડ સરકારે (યોગ્ય રીતે જ) તમામ યાત્રાળુઓનું બાયોમેટ્રિક રજીસ્ટ્રેશન ફરજીયાત કર્યું હોવાથી અમે રસ્તામાં એક સ્થળે ગાડી રોકી, લાઈનમાં ઉભા રહી તમામ યાત્રાળુઓનું રજીસ્ટ્રેશન કરાવી આઈ- કાર્ડસ મેળવી લીધા તથા દરેકે પોતાની પાસે જ રાખવું તેવું નક્કી કર્યું. આજની રાત્રે અમારે રાનાચટ્ટી રોકાવાનું છે. મારા કૌટુંબિક ભત્રીજા યશશ્વીની ટુર્સ વાળા શ્રી નીમેષભાઈ ઓઝાને ફોન કરી, રાનાચટ્ટીમાં હોટેલમાં 3 (ત્રણ) રૂમ બુક કરાવી દીધા. સાંજે છ કલાકે હોટેલ પર પહોંચી ગયા. ઠંડી સખત છે. રૂમમાં ઓઢવા માટે ખુબ જાડા બ્લેન્કેટ આપેલા છે. સવારે ગરમ પાણીની વ્યવસ્થા આપવા બાબત હોટેલ વાળાને ભારપૂર્વક કહ્યું.
            સામાન્ય ફ્રેશ થયા બાદ હોટેલની ગેલેરીમાં સૌ બેઠા, બે બાજુ પહાડ, આગળ એક ખીણ તથા થોડે દૂર બર્ફીલી ટોચ વાળા પહાડના દર્શન થયા. અમારા બધા માટે આ સાવ નવો જ અનુભવ હતો. તુરંત જ મેં તો ઘરના સભ્યો સાથે video call કરી આ બધુ બતાવ્યું.
          કુટુંબના બધા સભ્યો આશ્ચર્ય સાથે આનંદમાં આવી ગયા. શ્રી ચૌહાણ સાહેબ તથા શ્રી શામજીભાઈ આગોતરું આયોજન કરી, મગફળીનું તેલ તથા કેટલાક મસાલા લાવ્યા છે. હોટેલની બાજુમાં જ ભોજનાલય છે, તેમને વિનંતી કરી. અમારી રીતે શાક બનાવવાની મંજુરી મેળવીને, યાત્રાળુઓએ ભોજન તૈયાર કર્યું. હોટેલવાળાને પણ ખવરાવ્યું તેમને પણ ખુબ જ મજા આવી. વહેલી સવારે યમુનોત્રી જવા માટે  જાનકી ચટ્ટી જવા નીકળવાનું હોવાથી, ભોજન બાદ સૌએ સુઈ જવાની તૈયારી કરી. સખત ઠંડીને લીધે પથારીને અડતા ભીની હોવાનો એહસાસ થાય છે. ખુબ જ જાડું બ્લેન્કેટ ઓઢી ગયા બાદ દસ- પંદર મિનીટ બાદ સુઈ શકાય તેવી પથારી થઇ.પરંતુ ખુબ જ સરસ ઊંઘ આવી.
                                                                    (ક્રમશ:)  

  ફોટા જોવા ટચ કરો

No comments:

Post a Comment

High school માટે ઉપયોગી GR

      આ સોફ્ટવેરની મદદથી કોઈપણ વિદ્યાર્થીનું નામ સરળતાથી શોધી શકાશે ઉપરાંત વિદ્યાર્થીના નીચે મુજબના ડોક્યુમેન્ટસ સરળતાથી જનરેટ કરી શકાશે... ...