Saturday, April 25, 2020

અમારી ચારધામ યાત્રા ભાગ -10 {સગર (ગામ) – ચોપતા - બદ્રીનાથ – માણા - નંદપ્રયાગ}



{સગર (ગામ) ચોપતા -  બદ્રીનાથ – માણા - નંદપ્રયાગ}
            આજે તા. 12 જુન 2019, બુધવાર. ગઈ રાત્રે અહી હોટેલમાં રાત્રી નિવાસ કરેલ. ખીણમાં દેખાતા ગામમાંથી સંસ્કૃત શ્લોક તથા ભજન સંભળાતા રહ્યા. સવારે 4:00 વાગ્યે જાગી નિત્યકર્મ, ચા-નાસ્તા બાદ સૌએ થોડા ફોટા પાડ્યા. હવે યાત્રિકો બદ્રીનાથ રસ્તે જવા તૈયાર છે. 5:30 કલાકે અમારો યાત્રારથ નીકળી ચુક્યો છે. પહાડોમાં, પગથીયા પ્રકારના ખેતરોમાં મહેનત કરતા પહાડીઓ દેખાય છે . રસ્તામાં ઝરણાઓ ઓળંગતા આગળ જઈ રહ્યા છીએ. કેટલોક રસ્તો વૃક્ષોથી લબાલબ થયેલો અને દિવસે પણ અંધારું લાગે તેવો છે. આગળ જતા રસ્તા પહોળા કરવાના કામ શરુ છે. રસ્તામાં એક ખીણ તથા વહેતી મૈયા અલકનંદાના પ્રવાહને સમાંતર જઈએ છીએ. અમારા યાત્રારથના સારથી શ્રી સંજયસિંહ જણાવે છે કે કેદારનાથ ઘાટીની દુર્ઘટના સમયે પાણીનો પ્રવાહ અહી પણ પહોંચી ગયેલો. ઘણું નુકસાન કરેલું, કેટલાક તૂટી ગયેલા તથા પ્રવાહમાં તણાયેલા લોખંડના પૂલ પણ બતાવ્યા.
   અમારા પહાડી માર્ગમાં મારી નજર અચાનક જ પહાડ પરથી ઉતરતી નાજુક અને નમણી એવી Made in Gujarat તથા ગુજરાત પાસિંગ વાળી ‘નેનો’ કાર પર પડી. સામાન્ય રીતે આ માર્ગમાં મોટી અને મજબુત ગાડીઓ જ આવી શકે તેવી માન્યતાની હાંસી ઉડાવતી ‘નેનો’ તેના યાત્રીકોને બદ્રીનાથ યાત્રા કરાવી પરત લાવતી જોઈ.
          છ કલાકની યાત્રા બાદ અમે ભગવાન બદ્રીવિશાલનાં ખોળે પહોંચ્યા. અહી ભગવાન બદ્રીનાથની બધી બાજુએ બરફ આચ્છાદિત પહાડ તથા કુદરતી સૌન્દર્ય છુટા હાથે વેરાયેલું છે. ગાડીનું પાર્કિંગ કરાવી, અમે મંદિર તરફ પ્રયાણ કર્યું. તેની બજારમાં નજર ફેરવતા મંદિર રસ્તે આગળ વધ્યા. અહી મૈયા અલકનંદા પુરા જોશ સાથે વહે છે. તેનું જળ અત્યંત ઠંડુ તથા તેનો પ્રવાહ તોફાની છે. તેના પર બનાવેલા લોખંડના પુલ પરથી  લાંબી કતાર જોઈ. અમારે દર્શન માટે ખુબ રાહ જોવી પડશે તેવું લાગ્યું. લાઈનમાં ઉભા રહી ગયા. લાઈનમાં ઉભા રહી, સ્વજનોને યાત્રાની યાદગીરી રૂપ ભેટ આપવા માટે ત્યાં મળતા સોનેરી સિક્કાની ખરીદી કરી. ભગવાન કેદારનાથ તથા  બદ્રીવિશાલજીની છાપ ધરાવતા 100- 100 સિક્કા ત્રણે દંપતીએ ખરીદ્યા. કેટલીક માળા પણ ખરીદી. અમારી અપેક્ષા કરતા ઘણી વધુ ઝડપથી દર્શનમાં વારો આવ્યો. આ દર્શન સાથે અમારી ચારધામ યાત્રા દર્શન પૂર્ણ થતા હતા. ભગવાનનો ખુબ ખુબ આભાર માન્યો. પુલ પર ઉભા રહી તમામે ભગવાન બદ્રીનાથનાં સાનિધ્યમાં યાદગીરી રૂપ ફોટા પડાવ્યા. કુદરતી દ્રશ્યો તથા મૈયા અલકનંદાનાં સાનિધ્યમાં પણ ફોટા પડાવ્યા. હવે યાત્રિકો માનસિક રીતે હળવા થઇ ગયા છે. બજારમાં ખરીદી માટે યોગ્ય વસ્તુ દેખાતા ઉભા રહી જાય છે. શ્રી મતિ કાન્તાબહેન ચૌહાણ તથા શ્રી મતિ નીતાબહેન મકવાણાને હવે તેમના પૌત્રો નજરે દેખાવા લાગ્યા છે. પુત્રો/પૂત્રવધુઓ કરતા, પૌત્રો માટે કંઈક ખરીદવા તલપાપડ છે. વારંવાર પૌત્રો સાથે ફોનમાં વાત કરતા રહે છે.  મારા પત્ની પણ મારા ભાઇઓના નાના દીકરા - દીકરીઓ માટે ખરીદી કરવા લાગ્યા છે. અમે બજારમાં વેંચાતા રુદ્રાક્ષના લીલા ફળથી ભરેલા મોટા પાત્રો જોયા. તેમાંથી આપણે રુદ્રાક્ષનું એક ફળ પસંદ કરી તેમને આપીએ એટલે તેઓ તે ફળ ખોલી સાફ કરી રુદ્રાક્ષનો પારો કાઢી આપે. અમે પણ ખરીદ્યા. કોઈકને ત્રણમુખી તો કોઈકને પંચમુખી રુદ્રાક્ષ મળ્યા. એક પારાના 20 રૂપિયા હોય છે.આગળ જતા ક્રિશ્ના હોટેલ બહાર ‘મોદીજી થાલી’ નામનું બોર્ડ જોયું. કુતૂહલવશ ત્યાં જઈ પૂછપરછ કરી. તેમનું નામ ચન્દ્રમોહનજી તથા દહેરાદુનનાં છે તેવું જાણ્યું. તેમના જવાબોનો video રેકોર્ડ કર્યો. ત્યાં લસ્સી પીધી. આગળ જતા રસ્તાની બાજુમાં બાંધેલું પહાડી પ્રાણી ‘યાક’ જોયું. કેટલાક યાત્રાળુઓ તેની સાથે તસ્વીર લેતા હતા. હવે ભગવાન બદ્રીવિશાલની વિદાય લેવાનો સમય હતો. ફરીથી પાર્કીંગમાં પહોંચી નેગીજીને શોધ્યા. અને સૌ ગાડીમાં ગોઠવાયા.
       મને અચાનક યાદ આવ્યું કે ભારતનું ચીન સરહદ તરફનું છેલ્લું ગામ ‘માણા’ અહીથી માત્ર ત્રણ કિમી. અંતરે છે. અમે ત્યાં પહોંચ્યા. પ્રકૃતિની ગોદમાં વસેલું આ ગામ દૂરથી જોતા જ ગમી જાય તેવું છે. ટ્રાફિક અત્યંત છે. બદ્રીનાથ આવતા મોટાભાગના યાત્રિકો ‘માણા’ ગામની મુલાકાત લે છે. ગાડી આગળ જઈ શકે તેમ નથી અને ગામ હજી એક કિમી.થી વધારે દૂર હોવાથી અમે દૂરથી જ દર્શન કર્યા ફોટોગ્રાફી કરી. બાજુમાં જ સુરક્ષા દળોનું થાણું છે. તેની સુચનાનું  પ્રામાણીકતાથી પાલન કરી માર્યાદિત ફોટા લીધા.
          હવે યાત્રિકો અહીથી પરત ફર્યા. આજે રસ્તામાં હોટેલ પસંદગીમાં થોડું મોડું થઇ ગયું. સાડા આઠે નંદપ્રયાગ પાસે સામાન્ય હોટેલ મળી. ઠંડીનું પ્રમાણ ઘણું ઓછું થયું. રાત્રે હોટેલવાળા ભાઈ સાથે ઘણી વાતો કરી. નિંદ્રાદેવીને શરણે થયા.
   (ક્રમશઃ)

ફોટા જોવા માટે click here 
મોદી થાલી video જોવા માટે click here 

Wednesday, April 22, 2020

અમારી ચારધામ યાત્રા ભાગ -9

{કેદારનાથ - ગૌરીકુંડ - સોનપ્રયાગ – (સગરગામ પાસે ખીણના કિનારે) હોટેલ}
            આજે તા. 11 જુન 2019, મંગળવાર. ભગવાન કેદારનાથનાં સાંનિધ્યમાં રાત્રીરોકાણ બાદ આજે યાત્રિકો Relax મૂડમાં છે. સવારે  05:30 વાગ્યે જાગ્યા. બાબાના સાંનિધ્યમાં ઠંડી તેની પરાકાષ્ટા પર છે. નિત્યકર્મ કર્યું. મારી તબિયત આશ્ચર્યજનક રીતે ઘણી સારી છે. સાથી યાત્રાળુઓ, અમારા રાત્રી નિવાસના નીચે આવેલ ભોજનાલયમાંથી મારા માટે ગરમ પાણીની એક મોટી બોટલ ભરી લઇ આવ્યા છે.  ડોકટરશ્રીએ આપેલ પાવડર તેમાં નાખી મારી પાસે રાખી લીધેલ છે. થોડા- થોડા સમયે તેમાંથી પાણી પીવાનું શરુ કર્યું છે. સવારે ભોલેબાબાનાં ફરી દર્શન કર્યા. હવે આગળની યાત્રા શરુ કરવા માટે  કેદારબાબા પાસેથી વિદાઈ લીધી. અત્યારે ફરીથી દોઢ કિમી. ચાલવાનું શરુ કર્યું. રસ્તામાં હેલીપેડ પર હેલીકોપ્ટર વારંવાર ચઢ – ઉતર કરે છે.
          જે લોકો પૂરતો સમય આપી શકે તેમ નથી અથવા શારીરિક રીતે અસક્ષમ છે કે બીજું કોઈ કારણ હોય તેઓ માટે હવે હેલીકોપ્ટર સેવા દ્વારા દર્શન સંભવ બન્યા છે. પરંતુ હું માનુ છું કે, આ હેલીકોપ્ટરમાં કેટલીક (કદાચ ત્રણ - ચાર) મિનિટોમાં જ કેદારધામ પહોંચી જવાતું હોવાથી, તેઓ પગપાળા માર્ગના કુદરતી સૌન્દર્યની અનૂભૂતિથી વંચિત રહી જાય છે. અને અત્યારે જે વર્ણન કરું છું તે કદાચ તેમને માટે સંભવ નથી. તેવા યાત્રિકોએ યાત્રામાં આવતા કે જતા એકાદવાર (શક્ય હોય તો) પગદંડીવાળે રસ્તે આવવું જોઈએ.
       ખેર, અમે ચાલતા - ચાલતા અમારી બધી દિશાઓમાં સવારમાં કુદરતે બદલી નાખેલા દ્રશ્યો જોતા જ રહી ગયા. અહી આવતા જે પહાડ જોયેલા તેમાંથી મોટાભાગના અત્યારે બરફથી ઢંકાઈ ગયેલા છે. કેદાર દુર્ઘટના વાળા ગ્લેશિયર વાળો પહાડ દૂર જોઈ શકાય છે. ખીણમાં વહેતા - વહેતા જ થીજી ગયેલા ઝરણાં જોયા. હવે અમે ઘોડાવાળા કેન્દ્રએ પહોંચી ગયા. ઘોડા નક્કી કર્યા. તેના નાણાં રાબેતા મુજબના ડોક્યુમેન્ટ્સ સાથે જમા કરાવી પહોંચ લઇ, તમામ યાત્રીકોને આપી દીધી. હવે સૌએ ફરી ઘોડે સવારી શરુ કરી. પરંતુ મને, મારા ઘોડા પર બેસતા જ લાગ્યું કે ઘોડો ચાલતા ખોડંગાય છે. મેં ઘોડાવાળાને તરત જ ચેતવ્યો. પરંતુ તેણે માત્ર ઘોડાના પગમાં નવો નાલ બેસાડેલ હોવાનું રટણ શરુ કર્યું. પણ હું ઘોડાનું દુઃખ સહન કરી શકતો નથી. વારંવાર કહેતો રહ્યો પરંતુ, ઘોડાવાળો કહે, “અભી સવારી લે કે આયા, અભી એક / દેઢ  કિલોમીટરમેં ઠીક હો જાયેગા.” છેવટે એકાદ કિમી બાદ ઘોડો ચાલતો બંધ થયો. મને કહે “અભી કોઈ ઘોડેવાલા સવારી લેગા નહિ થોડી દેર આરામ કરને કે બાદ ફિર ચલેંગે.” હું નીચે ઉતરી ગયો. ઘોડાને પાણી પીવડાવ્યું આરામ કરાવ્યો. ત્યારબાદ મેં તેને ખાલી ઘોડો લઇ મારી સાથે ચાલતા આવવા તથા ચિંતા ન કરવા કહ્યું. હું હવે સાવ સ્વસ્થ છું. ચાલતો જાઉં છું . કેટલાક વળાંકમાં શોર્ટકટ લઈને ઉતરવાનું શરુ કર્યું. ઘોડો એટલો બિન-તંદુરસ્ત છે કે ખાલી ચાલવામાં પણ મારાથી પાછળ રહી જાય છે.  દોઢ-બે કિમી ચાલ્યા બાદ ઘોડાવાળાએ મને એક જગ્યાએ રોક્યો. તેનો જાણીતો (ખાલી) ઘોડાવાળો મળતા, મને તેમાં બેસી જવા કહ્યું. સાથે આઈ-કાર્ડ તથા નાણાં પહોંચની અદલા-બદલી કરી. હવે નીચે તરફ ઉતરવાનું શરુ છે. આ વખતે મેં ડોક્ટરની સૂચના મુજબ થોડા-થોડા સમયે પાણી પીવાનું શરુ રાખ્યું છે. પહાડ પરથી નીચે ઉતરતી વખતે ઘોડા પર વધુ સજ્જડ પકડી બેસવું પડે છે. આખો માર્ગ RCC વાળો હોવાથી ઘોડા વધુ પડતા લપસે છે.
      આખા રસ્તે ફરી બરફ, પહાડ, ગર્જના કરતી નદી, ખીણ, પહાડ પરથી નીચે પડતા ઝરણાં બધું પૂનરાવર્તન થાય છે. મંત્ર-મુગ્ધ થઇ જવાય છે. યાત્રિકો સામે મળે એટલે ‘જયભોલે’ના નાદ  કરતા જાય છે.
     હું અને સોમાભાઈ સૌ પહેલા ગૌરીકુંડ પહોંચી ગયા છીએ. રાહ જોઈએ છીએ. તમામ યાત્રાળુઓ આવી ગયા બાદ ગૌરીકુંડના દર્શને ગયા. બધું જ હોનારતમાં સાફ થઇ ગયું છે. અહી અત્યારે કોઈ બાંધકામ નથી. કુંડ પાસે ગંદકી વધારે છે. ખુબ મક્કમ થઇ હાથ પગ ધોયા. હવે થોડી પેટપૂજા બાદ ફરી ટેક્ષી સર્વિસ માર્ટે લાઈનમાં ઉભા. વારો આવતા બોલેરોમાં બેસી સોનપ્રયાગ પહોંચ્યા. અહીં પહોંચી અગાઉ નક્કી કર્યા મુજબ, સંજયસિંહને ફોન કરી ગાડી બોલાવી. તેઓ દોઢ દિવસ સુધી ભીડમાં રોકાવાને બદલે, કોઈક પહાડ પર ગાડી લઇ જતા રહેલા. ગાડી આવતા સૌ ગોઠવાયા અને બદ્રીનાથના રસ્તા તરફ આગળ વધ્યા. ફાટા – બાંસુ – નાલા – ગુપ્તકાશી થઇ આગળ જઈએ છીએ. રસ્તામાં ઉખીમઠ જવાનું હતું. વાત પણ થયેલી પરંતુ મારા અને ડ્રાઈવર વચ્ચે કોમ્યુનીકેશન ગેપને લીધે, ઉખીમઠ પાછળ રહી ગયાના કેટલાક કિમી બાદ ચર્ચા થઇ. અત્રે મારે જણાવવું જોઈએ કે ઉખીમઠ, એ પવિત્ર સ્થાન છે કે જ્યાં શીયાળા દરમિયાન કેદારબાબા અને મધ્ય મહેશ્વરબાબાની પૂજા થાય છે. અગળ જતા એક ખુબ જ સુંદર સ્થળ ચોપ્તા આવે છે.(અમે ત્યાં ગયા નથી). આ સ્થળેથી પંચકેદારમા એક ગણાતા એવા તુંગનાથ મહાદેવના મંદિરના દર્શને જવાનો પહાડી રસ્તો છે, જે અહીથી આશરે 3.5 કિમી અંતરે આવેલ છે. આગળ વધતા હવે અમે હોટેલની તપાસ કરતા રહીએ છીએ. રુદ્રપ્રયાગના નાનકડા એવા સગર ગામ પાસે રસ્તામાં ઊંડી ખીણના કાંઠે બનેલી એક હોટેલમાં ગરમપાણીની શરત સાથે રોકાયા. એક રૂમમાં ગીઝર શરુ છે. ત્યાંથી સવારે SHARE કરવાનું નક્કી કરી લીધું. ખીણમાં નાનકડું પહાડી ગામ દેખાય છે. ત્યાંથી કીર્તન ગાવાના અવાજ આવતા રહે છે. POWER SUPPLY વારંવાર આવ-જા કરે છે. સામે જ ભોજન વ્યવસ્થા હતી. રાબેતા મુજબ મંજુરી લઇ, ગુજરાતી ભોજન બનાવ્યું.
    ઠંડી ઘણી છે. નિંદ્રાદેવીને આધીન થયા .
         (ક્રમશઃ)

Tuesday, April 14, 2020

અમારી ચારધામ યાત્રા ભાગ -8 (સીતાપુર – ગૌરીકુંડ - કેદારનાથ)

અમારી ચારધામ યાત્રા ભાગ -8
(સીતાપુર ગૌરીકુંડ - કેદારનાથ)
            આજે તા. 10 જુન 2019, સોમવાર. સીતાપુરમાં JPG હોટેલમાં રાત્રી નીંદર લીધી. સવારે 3:00 વાગ્યે જાગીને તૈયાર થઇ માત્ર જરૂરી સામાન લઇ સવારે 3:45 વાગ્યે આશરે દોઢ બે કિમી. ચાલતા-ચાલતા સોનપ્રયાગ પહોંચ્યા. અહીથી પણ ઘોડા / ખચ્ચર મળે છે. એક નાની કેબીન જેવી દુકાને સૌએ ચા પીધી. હજી અંધારું છે. હવે આગળ જતા ટેક્ષીમાં બેસવા માટે માટે કદાચ એકાદ Km. લાંબી લાઈન છે, તેમાં ઉભા રહી ગયા. કેટલાક વ્યક્તિઓ (ખાસ તો ભણેલા લોકો) લાઈનમાં વચ્ચેથી ઘુસવા આવે છે. કોઈ અભણ દેખાતા વ્યક્તિ આવું કરતા નથી તે પણ જોયું. લગભગ છ-સાત વ્યક્તિનું એક ગૃપ (કદાચ દિલ્હીનું જ હતું) જેમાં મોડર્ન દેખાતી ત્રણ યુવાન સ્ત્રીઓ પણ હતી, તેમણે વચ્ચે ઘુસવા સતત પ્રયત્ન કર્યા. કેટલાક (ગામડાના દેખાતા) યાત્રાળુઓ સાથે દાદાગીરીથી,પોલીસનો ડર બતાવી વચ્ચે ઘુસવા પ્રયત્ન કર્યા પરંતુ અન્ય યાત્રાળુઓએ વિરોધ કર્યો. અમારી પાસે આવીને પણ નિષ્ફળ પ્રયત્ન કરી લીધો. જો કે પોલીસ કર્મચારી આવાને જોઈ જાય તો પાછળ ધકેલે છે, પરંતુ આ લોકો કેમ તેમના ધ્યાને ન ચડ્યા તે પણ નવાઈ લાગે છે.
                  અમે જ્યાં લાઈનમાં ઉભા છીએ તે સ્થળ પણ કુદરતી દૃશ્યોથી ભરપુર છે. બિલકુલ સામે જ (ગંગામૈયાની બે શાખાઓ) વાસુકી ગંગા તથા મંદાકિનીનું સંગમ સ્થળ છે. અમે બધા લાઈનમાં ઉભા રહી એક બીજાની મજાક કરતા સમય પસાર કરીએ છીએ. થાકીએ ત્યારે નદીના કાંઠાની પાળી પર બેસી ફોટા પાડી ચેન્જ મેળવવા પ્રયત્ન કરીએ છીએ. અહીથી લોકલ ટેક્ષીઓ (બોલરો) લાઈનમાં ઉભી હોય તેમાં 10 - 10 વ્યક્તિઓને લઇ જાય છે. પ્રતિ વ્યક્તિ 20 રૂપિયા ભાડું ચૂકવવાનું હોય છે. લગભગ દોઢેક કલાકે અમે એક પુલ ઓળંગી ગાડીમાં બેસવાના પોઈન્ટ સુધી પહોંચ્યા. અમારે બે ગાડીઓમાં વહેંચાઇ જવું પડ્યું છે. ઘણા લોકો અહીથી ચાલતા કે ઘોડાથી જાય છે. અહીથી સોનપ્રયાગ 6 (છ) Km.છે. રસ્તો સ્વાભાવિક રીતે પહાડી તથા સાંકડો છે.
        2013ની  કેદારનાથ દુર્ઘટના પહેલા, આપણું વાહન છેક ગૌરીકુંડ સુધી જઈ શકતું હતું, જે હવે પ્રતિબંધિત છે. કારણ કે  કુદરતના એ પ્રકોપે ગૌરીકુંડની ભૂગોળ બદલી નાખી છે. જ્યાં કદાચ સેંકડો ગાડીઓ પાર્ક થઇ શકાતી હતી તે સ્થળનું અત્યારે અસ્તિત્વ જ નથી. ગૌરીકુંડ આવતાની સાથે જ યાત્રાળુઓએ રસ્તા પર જ  ઉતરી જવાનું હોય છે. ગાડીઓ વળી શકે તેમ હોય ત્યાંથી વાળી ગાડીવાળા ફરીથી સોનપ્રયાગ પહોંચે છે.
      અમે હવે ગૌરીકુંડમાં છીએ, અહીંના દર્શન, બાબા કેદારનાથના દર્શન બાદ કરવાનું નક્કી કર્યું છે. હવે ઘોડાની વ્યવસ્થા કરવી જરૂરી છે. ઘોડાના આજના સરકારી ભાવ (માત્ર કેદારનાથ જવાના) વ્યક્તિદીઠ 2300 રૂપિયા (અહી ફિક્સ) છે. અને  યાત્રાળુઓના ધસારા પ્રમાણે અલગ હોય છે. આ રકમ ઓફિસમાં ભરી તેની સાથે આપણું યાત્રા કાર્ડ તથા ઘોડાવાળાનું આઈકાર્ડ આપી, પહોંચ મેળવીને દરેક વ્યક્તિને આપી દિધી છે. ત્યાંથી આવવાના જે ભાવ હશે તે ત્યાં કેદારનાથમાં ભરવાના થશે.
   હવે અમારી યાત્રા, ઘોડેસવારી સાથે શરુ થઈ છે. ઘોડા આગળ -પાછળ થઇ જાય છે. કુદરતી દ્રશ્યોએ આગળના બધા દૃશ્યોને ભુલાવી દીધા છે. અહીંથી કેદારબાબા 16 Km. દુર બિરાજમાન છે. જે 2013ની દુર્ઘટના પહેલા 14 Km.હતા. બીજા શબ્દોમાં કહીએ તો તેઓ પણ આપણાથી દુઃખી થઇ વધુ 2 Km. દુર ચાલ્યા ગયા છે. ખેર, વચ્ચેની ખીણનું વધુ ધોવાણ થતા, રસ્તાઓ બદલાયા છે અને આવું બન્યું છે.
     કેદારનાથ જવાનો આ રૂટ ગૌરીકુંડ - રામવાડા  - જંગલચટ્ટી  - ભીમબલી - ઘીનુરપાણી – લીન્ચોલી - ગુરુરચટ્ટી – બેસ કેમ્પ – કેદારનાથ પ્રમાણે છે.
                     અમે ગૌરીકુંડથી ઉપડતા સમયે જ યાત્રાળુઓ તથા ઘોડાવાળાઓએ સાથે મળી લીંબુ શરબત પીધું. રસ્તો ખુબ ચઢાઈવાળો તથા પર્વતમાં ખાંચો પાડી બનાવેલો છે. એક તરફ તોફાની નદીવાળી ખીણ છે. યાત્રાળુઓ રામવાડા પહોંચ્યા. ઘોડાવાળા પાસેથી મળેલી જાણકારી મુજબ, દુર્ઘટના પહેલા રામવાડામાં બેહજારથી વધુ વ્યક્તિઓ રાત્રી રોકાણ કરી શકે તેવું હતું પરંતુ આજે તેનું અસ્તિત્વ જ નથી. રામવાડાથી રસ્તો હવે બદલાઈને નદીનો પુલ પસાર કરીને સામે કિનારે થઇ ગયો છે. નદીના સાંકડા પુલ પર રસ્તો ઘોડાવાળા માટે એક માર્ગીય બની જાય છે. નીચે તોફાની નદી મોટા અવાજ સાથે વહે છે. આવતી - જતી લાઈન વારાફરતી પસાર થાય છે. રામવાડાથી આગળ જતા થોડો રસ્તો સપાટ આવે છે. બાદમાં ફરી ચઢ- ઉતર શરુ થઇ જાય છે. મોટાભાગના રસ્તામાં તીવ્ર ચઢાઈ છે. રસ્તામાં પાણી બોટલ પ્રાપ્ય નથી. હા, સોફ્ટ ડ્રીંક્સ બધે મળે છે. હું તો વહેતા ઝરણાંમાંથી પાણી પી લઉં છું. વચ્ચે વચ્ચે ઘોડાને પાણી પીવા કુંડીઓ બનાવેલી છે. હવે અમે કુલ ચાર કિમી. અંતર કાપી જંગલચટ્ટી પહોંચ્યા. આખા રસ્તા પર ખીણ તરફની સાઈડ રેલીંગ કરેલી છે. પરંતુ તેનો ટેકો લેવો હિતાવહ નથી. ઘોડાપર બેસીને જવામાં સંતુલન જાળવવું અઘરું છે. કેમેરાનો ઉપયોગ અમુક સ્થળ પૂરતો જ કરી શકાય અન્યથા સંતુલન ન જળવાતા સલામતી નથી. રસ્તામાં આગળ વધતા ભીમબલી પહોંચ્યા. ઘોડા પરથી ઉતરી ઘોડાને આરામ આપ્યો અમે પણ બધા સ્વસ્થ થયા. બધાએ ફરીથી લીંબુ શરબત પીધું. અહી વોશરૂમની કામચલાઉ વ્યવસ્થા છે. ઠંડી ઘણી છે. અમારા સદભાગ્યે વરસાદ નથી.
        ત્યાર બાદ અમે કુલ સાત કિમી. બાદ ભીમબલી પહોંચ્યા.ભીમબલી સમુદ્રથી આશરે નવ હજાર ફૂટની ઊંચાઈ પર છે. અમારે હજી અઢી હજાર ફૂટથી પણ વધારે ઊંચાઈ પર જવાનું છે. (અત્રે માત્ર ઊંચાઈનો અંદાજ કરવાના હેતુથી જાણ કરું કે આપણા ગરવા ગીરનારની કુલ ઊંચાઈ  3100 ફૂટ છે)     
         ભીમબલીથી આગળ વધતા કુલ 11 Km. અંતરે લીચૌલી પહોંચ્યા. ત્યાં ફરીથી ઘોડા પરથી ઉતરી ઘોડા અને અમે આરામ કર્યો. હવે વળાંક બાદ કેદારનાથ શિખર દેખાવા લાગ્યું છે.
      હવે રસ્તામાં ખુબ મોટા જથ્થામાં બરફ આવ્યો છે. તેને વચ્ચેથી કાપીને રસ્તો બનાવ્યો છે. (લખાણને અંતે આપેલી linkમાં ફોટા સાથે video પણ છે) આવું ત્રણેક જગ્યાએ થયું. અમે લગભગ બપોર બાદ બે વાગ્યે બાબાના સાનિધ્યમાં પહોંચી ગયા છીએ. ઘોડા છોડીને હવે દોઢેક કિમી. પગપાળા ચાલવાનું છે. પેટની ગરબડથી હું છેલ્લા ત્રણેક દિવસથી પૂરતું જમી શક્યો નથી. વધુ પડતી અશક્તિ છે. દર્શનની લાઈન ખુબ લાંબી છે. હું ઉભી શકું તેવું હાલતમાં નથી. બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં સુઈ ગયો. પરંતુ મારું શરીર ગરમ છે. બધા યાત્રાળુઓ મારી સ્થિતિથી વ્યથિત છે. શ્રી શામજીભાઈ મને હાથ પકડીને Army દવાખાને લઇ ગયા. તપાસતા મને ઓક્સિજન ખામીના કોઈ લક્ષણ નથી પરંતુ જમવાના અભાવથી તકલીફ જણાય છે તેવું જણાવ્યું. મારે સતત ગ્લુકોઝ/ORS સાથેનું પાણી પીવાની જરૂર હતી, પરંતુ હું તેવું કરી શક્યો નથી.
     મંદિરથી માત્ર 200 મીટરના અંતરે આવેલ ગુજરાતી સમાજમાં ઉપરના માળે રૂમ રાખી મને સુવડાવી શ્રી શામજીભાઈ, બાકીના યાત્રાળુઓ સાથે દર્શને ગયા. દર્શન કરી, સાંજના સાત પછી સૌ અમારી રૂમમાં આવી ગયા. મને અહી સુધી પહોંચીને પણ બાબાના દર્શને પહોંચી ન શકવા માટેના કારણોના નબળા વિચાર આવે છે. ઠંડી તેની પરાકાષ્ટા પર છે. જમવાની વ્યવસ્થા નીચે જ છે. મારા માટે જમવાનું ઉપર લઇ આવ્યા. મેં પરાણે એકાદ રોટલી ખાધી અને ગરમ પાણી પીધું. ફરીથી સુઈ ગયો. આવી સ્થિતિમાં ગ્લુકોઝ નાખેલું  ગરમ પાણી પીવાથી ઘણી રાહત થાય છે. 
                 શ્રી ચૌહાણસાહેબ બધે રસ્તા કાઢે તેવા છે. આઠેક વાગ્યે શ્રી ચૌહાણસાહેબે મને જગાડી, દર્શન માટે કરેલી વ્યવસ્થા બાબત વાત કરી. શ્રી શામજીભાઈ તથા તેઓ ટેકો આપી મને નીચે લઇ આવ્યા.  મારા માટે બાસ્કેટની વ્યવસ્થા કરી આવ્યા.
      જેમને ખ્યાલ નથી તેમને જણાવવાનું કે  કેદારનાથ અને એવા પહાડી માર્ગમાં ઘોડા, ડોલીવાળા ઉપરાંત વધુ એક વ્યવસ્થા જેમાં એક વ્યક્તિ પોતાની પાછળ (આપણા ઘરોમાં સિંગલ ઝૂલો હોય તેવું) બાસ્કેટ બાંધી તેમાં વ્યક્તિ બેસાડે છે. તથા આવા પહાડી માર્ગમાં ચઢે છે. 
            મને માત્ર 200 મીટર માટે બાસ્કેટમાં બેસવાનું અત્યંય દુઃખ થયું પરંતુ છૂટકો જ ન હતો. ચૌહાણસાહેબે સલામતી કર્મચારીને વિનંતી કરી બાબાના દર્શન માટે મારી ખાસ વ્યવસ્થા કરેલી. હું, દર્શન કરીને બહાર નીકળવાના માર્ગમાંથી  અંદર જઈ દર્શન કરી આવ્યો. બહાર આવતા જ ખરેખર મારી તબિયતમાં દેખીતો સુધારો થઇ ગયેલો. બહાર નીકળી અમે મંદિર પાછળની (બહુ ચર્ચિત) શીલા જોઈ.
         જેઓ માત્ર રેશનાલીસ્ટ છે તેઓને ખાસ જણાવવા જેવું છે. આ શીલા કદાચ બે - ત્રણ JCBથી હલાવી શકાય કે કેમ તે બાબતે શંકા લાગે તેટલી વિશાળ છે. 2013ની દુર્ઘટના સમયે પાણી તેને ખેંચીને લઇ આવ્યું. તો પાણીનો પ્રવાહ કેટલો શક્તિશાળી હશે...?  જો આ શીલા ત્યાં ગોઠવાઈ ન હોત તો મંદિરનું શું થાત..? જો શીલા રોકાઈ ન હોત તો શીલા પોતે પણ મંદિરને મોટું નુકશાન કરી શકે તેમ હતી. તે શીલા રોકવા માટે બીજી નાની શીલા પણ ગોઠવાઈ ગઈ. કેટલા બધા સંજોગો એક સાથે અનુકુળ બન્યા. આપ જ્યારે દર્શને જાવ ત્યારે આ શીલાના દર્શન પણ કરજો તથા મેં લખેલી બાબતોનો વિચાર કરી જોજો.
     ત્યાંથી ફરી અમારી રૂમ પર પહોંચી જાડા જાડા બલેન્કેટ ઓઢી બારીઓ બંધ કરી નિદ્રાદેવીને આધીન થયા.   

ફોટા તથા વિડીઓ જોવા click here 

High school માટે ઉપયોગી GR

      આ સોફ્ટવેરની મદદથી કોઈપણ વિદ્યાર્થીનું નામ સરળતાથી શોધી શકાશે ઉપરાંત વિદ્યાર્થીના નીચે મુજબના ડોક્યુમેન્ટસ સરળતાથી જનરેટ કરી શકાશે... ...