Tuesday, August 29, 2023

High school માટે ઉપયોગી GR

      આ સોફ્ટવેરની મદદથી કોઈપણ વિદ્યાર્થીનું નામ સરળતાથી શોધી શકાશે ઉપરાંત વિદ્યાર્થીના નીચે મુજબના ડોક્યુમેન્ટસ સરળતાથી જનરેટ કરી શકાશે...
  • બોનાફાઇડ સર્ટીફીકેટ, 
  • ટ્રાયલ સર્ટિફિકેટ, 
  • ધો.9 થી 12ના હાજરી પત્રકો, 
  • fee પહોંચ વગેરે 

/storage/emulated/0/Download/G.R.BY OZA Copy.xlsx

Sunday, August 14, 2022

મારું ગીર...મારો નેસ...મારી જિંદગી..

 મારી વાર્તા……

આમ તો હું ગીર જંગલના એક નાનકડા નેસડામાં રહું છું. અમે તો નેહડું જ બોલીએ. (કેટલાક વાચકોને નેસનો અર્થ ખબર ન પડે એટલે સ્પષ્ટતા કરું કે ગીરમાં થોડા ઝૂંપડાઓમાં કેટલાક પરિવાર રહેતા હોય તેવા વિસ્તારને 'નેસ' કે 'નેસડું' કહેવાય)

   અમારા ઘરમાં એકાદ બે સભ્યને થોડું વાંચતા-લખતા આવડે છે. અમારા નેસથી 9 કિલોમીટર દૂરના ગામમાં આવેલી હાઈસ્કૂલમાં મેં 10 ધોરણ સુધી અભ્યાસ કર્યો અને ત્યારબાદ રોજગારી માટે કચ્છમાં આવ્યો. કચ્છમાં આવ્યે દસેક મહિના થયા. મારા નેસડામાં મોબાઈલ નેટવર્ક નથી. એટલે સીધા વાર્તાલાપ અશક્ય હતા.

મારા નેસથી છ કિલોમીટર દૂર ગામમાં રહેતા એક વડીલ, કે જેઓ મને અહીં લાવ્યા હતા. તે 'લુંભાબાપા' ભુજ(કચ્છ)માંથી, આજે સાંજે નીકળતી બસમાં તેમના ઘરે જાય છે, તેવા સમાચાર મળ્યા છે. ગામડે તેમના ઘર પાસે રહેલી ડેરીમાં અમારા ઘરનું દૂધ જાય છે તેથી મારી વસ્તુઓ ઘર સુધી પહોંચી શકે તેમ છે.

એટલે, આજે મારા ઘરે એક ચિઠ્ઠી લખીને સાથે ઘર માટે થોડી મીઠાઈ લઈને તેમને બસ સ્ટેશને આપવા જવાનો છું.

  મેં ચીઠ્ઠી લખવાની શરૂઆત કરી..

   પૂજ્ય બાપા તથા માં, કાકા, કાકીઓ, મારા બધા ભાઈ-બહેન..

  આપસૌ મજામાં હશો. હું, અહીં કચ્છના ભુજમાં ખૂબ આનંદથી રહું છું. ખૂબ જ મોટું શહેર છે. ભરપૂર વાહનો અને મોટી-મોટી સડકો છે. અહીંયા ઝુંપડા હોતા નથી તેની જગ્યાએ ઊંચા ઊંચા બિલ્ડીંગ છે. આપણા નેસમાં તો લાઈટની સુવિધા નથી એટલે, સાંજથી સવાર સુધી સંપૂર્ણ અંધારામાં અને પંખા વગર જીવીએ છીએ પરંતુ અહીં તો રાત-દિવસનો કાંઈ ખ્યાલ આવતો નથી. હંમેશા ઝગમગાટ રહે છે. ત્યાં આપણે તો ગાય-ભેંસ ઉપરાંત સિંહ કે અન્ય જંગલી પ્રાણી સિવાય કોઈ અવાજ આવતા નથી એટલે સંપૂર્ણ શાંતિ હોય છે. અહીં તો આખો દિવસ તથા આખી રાત વાહનોના અવાજ આવે છે.

આપણે ત્યાં ખૂબ સારા વરસાદના સમાચાર મેં છાપામાં વાંચ્યા છે. અહીં પણ આ વર્ષે વરસાદ સારો છે. આપણા નેસડાની નદીમાં અત્યારે ખૂબ પાણી વહેતુ હશે. આપણા ગાય-ભેંસના દૂધ, રોડ પર આવતા દૂધના વાહન સુધી પહોંચાડવા માટેનો રસ્તો કદાચ શરૂ હશે. પાણી વધુ હોય ત્યારે કોઈ સાહસ કરી આગળ જતાં નહીં તેમ મારા કાકાઓને કહેજો. જરૂર લાગેતો દૂધ આપવા જવાને બદલે દૂધમાંથી માખણ-ઘી બનાવી નાખજો. ગોરી ગાયની વાછરડી હવે ઘણી મોટી દેખાતી હશે. સાવજે ઇજા પહોંચાડેલી આપણી ભગરી ભેંસને હવે સંપૂર્ણપણે સારું હશે. રોજ સાંજે નનાદાદા પાસે આવતું પેલું હરણું હવે આવે છે કે નહીં..?? સવારના અન્ય પંખીડા સાથે મોરલાં ચણ ખાવા તો આવે છે ને…?

   અહીં આખો દિ' તો કામકાજમાં પસાર થઈ જાય છે પરંતુ, સુરજનારાયણ ઢળે અને રાત પડે એવા ટાણે મને મારું નેસડું યાદ આવે છે.

    આપણી ગોરી ગાયની વાછડી, ભગરી ભેંસ, હરણાં, ઝરણાં, નદી ખૂબ જ યાદ આવે છે. આપણા વિસ્તારમાં રહેતો તથા સામે કાંઠે સાંજના વારંવાર દેખાતો અને ગરજતો 'જામ્બલો' સાવજ પણ યાદ આવે છે. હવે તો બધા ઝાડવાં લીલાછમ થઈ ગયા હશે. બધા ઝરણામાં પાણી વહેતા થઈ ગયા હશે. વહેલી સવારના આપણા નેસમાં આવતા પંખીડાના સુંદર અવાજને બદલે અહીં તો વાહનોના હોર્ન જ સાંભળવા પડે છે….

     બધી ગાયો-ભેંસોને મારા વતી વધારાનો ખોળ ખવરાવજો. સવારમાં પંખીડાંઓને ચણ નાખજો. જંગલમાં ઘાસ હવે સાવજ કે દીપડા દેખાય પણ નહીં એટલુ બધું મોટું થઈ ગયું હશે એટલે, નાની વાછડીઓ તથા પારું (ભેંસના નાના બચ્ચાઓ) ને હમણાં આપણા માલ-ઢોર સાથે ચરવા મોકલતા નહીં. ઘરે જ રાખજો. ઢોર ચરાવવા જાય ત્યારે, સિંહ કે દીપડો જોઈને મુળુકાકા અને હમીરકાકાને કોઈ સાહસ કરે નહીં તેવું ખાસ કહેજો. તમને બધાને ખૂબ જ યાદ કરુ છું. લુંભાબાપા સાથે આ થેલી અને ચિઠ્ઠી મોકલું છું

લિ. તમારો લાડકો મુન્નો...

    આ ચિઠ્ઠી સાથે કેટલીક મીઠાઈ વગેરે એક થેલીમાં પેક કરી સોય દોરાથી સાંધી, લુંભાબાપાને આપવા જવા માટે બસ સ્ટેશન પહોંચ્યો.

   જૂનાગઢમાં કોઈકને મળવાનું હોવાથી તેઓ સાંજે છ વાગ્યે ઉપડતી જુનાગઢ જતી બસમાં નીકળવાના છે. હું પાંચ વાગ્યે જ બસ સ્ટેશન પહોંચી ગયો. લુંભાબાપા પણ સાડા પાંચ વાગે આવી ગયા. બસ પ્લેટફોર્મ પર મુકાઈ ગઈ. મેં તેમના હાથમાં થેલી આપી. તેમણે મને હવે ચિંતા ન કરવા તથા જવા માટે કહ્યું. મેં તેમને હા પાડીને થોડી વાર ઉભો રહ્યો, એટલામાં બસ રવાના થઈ.

દૂર ઉભેલી, બીજી એક બસની પાછળ જઈને મેં મારી ભીની થયેલી આંખો લૂછી. થોડો સ્વસ્થ થયા બાદ મેં આ બીજી બસના બોર્ડ પર નજર કરી તો તે અમારી ભુજ-તુલસીશ્યામ બસ હતી. તે બસમાં પેન-ડ્રાઈવથી ગીરનું લોકગીત 'ગીર કેડી વાંકી...મારે માલ જાવા હાંકી.....' વાગતું'તું. તેમાં બેઠેલા કેટલાક મુસાફરો અમારી ગીરની દેશી લઢણમાં વાતો કરતા હતા..

હું ભૂતકાળમાં ખોવાઈ ગયો. મારી આંખો બસ કોઈ જાણીતા ચહેરા શોધવા લાગી.. એટલામાં તો તે બસના કંડકટર પણ આવ્યા.

  આ એ જ કંડકટર હતા જેઓ, મારા માસુમ અને રડમસ ચહેરા સાથે હું જ્યારે મારા નેસથી અહીં આવ્યો ત્યારે મને, મારી ઊંચાઈ જોઈને અડધી ટિકિટમાં તુલસીશ્યામથી ભુજ લઈ આવેલા. મને જોતાની સાથે જ ઓળખી ગયા. સ્વાભાવિકપણે મને તેમણે કહ્યું, "હાલ્ય ગર્યમાં આવવું સે ને..?"

   ખબર નહીં કેમ પણ મેં અજાણ પડે 'હકાર' માં માથું હલાવ્યું.

મને કાંડક્ટરે કહ્યું : "બસમાં જગ્યા તો નઇથ, પરંતુ મારી સીટે બેહી જા...આગળ જતા જોયું જાહે...."

તેમની વાત સાંભળીને, હું યંત્રવત બસમાં ચડી ગયો.. અંદરથી વિચારતો હતો કે આગલી બસમાં મારી થેલી જાય છે અને આ બસમાં હું.....

શું આ યોગ્ય છે.....?

   હું તો માત્ર બસ સ્ટેશનમાં થેલી આપવા આવેલો તેથી મારા ખિસ્સામાં પૂરતા નાણાં પણ ન હતા..

હું બધું જ ભૂલી જઈને કંડકટરની સીટ પર બેસી ગયો. બસ ઉપડી ગઈ. હું બસની બારી બહાર ઉપર વાદળા તરફ જોતો હતો. ભુજના રસ્તા, બિલ્ડીંગ સામે હવે મારી નજર ન હતી. કંડકટર ટીકીટ કાપવામાં વ્યસ્ત થઈ ગયા. એક ગામ પસાર થયા બાદ, બસમાં એક જગ્યા થતા, હું કંડકટરની સીટ ખાલી કરીને, ત્યાં ચાલ્યો ગયો. હવે અંધારું છવાવા લાગેલું. ઉપર નજર કરી તો ચંદ્ર અમારી બસની સાથે જ ચાલતો હતો.વાદળાઓ સતત પસાર થતાં હતા. રસ્તામાં ક્યારેક ક્યારેક વરસાદી છાંટા પણ શરૂ હતા. પરંતુ મારુ મન તો મારી ગર્યમાં, મારે નેસડે, મારા ઘરે પહોંચી ગયેલું…

  વચ્ચે વધુ પડતા વરસાદથી એક નીચા પુલ પરથી ખૂબ પાણી પસાર થતું હતું અને બસ, તે ગામના પાદરમાં એક કલાક રોકાઈ ગઈ. ભૂખ ખૂબ લાગી હતી પરંતુ ટિકિટના નાણાં ચૂકવ્યા બાદ મારું ખિસ્સું માત્ર સિંગ-ચણા ખાવાની રજા આપતું હતું. મેં પાણી પી લીધું. મોડી રાત્રી બાદ હવે મને ઊંઘ આવવા લાગી.

   હું જાગ્યો ત્યારે વહેલી સવારે રસ્તામાં જંગલ શરૂ થઇ ચૂક્યું હતું. એ જ જાણીતા વૃક્ષો, નદીઓ, રસ્તામાં આવતા નેસના રસ્તા, હરણના ઝુંડ, વાંદરાઓ હવે દેખાવા લાગ્યા. એક જગ્યાએ તો સિંહના દર્શન પણ થયા… 

     મને હવે ઘરે પહોંચી ગયાનો અહેસાસ થવા લાગ્યો… 

   આગળ જતા ગીર જંગલમાં 'ભીમચાસ' પાસે વહેતી જામરી નદીનું પાણી, વધુ પડતા વરસાદને લીધે પુલ ઉપરથી વહેતું હોવાથી, બસ રોકાઈ ગઈ. 30 મિનિટ બાદ ફરી પાણી ઓછું થતાં, બસ ફરી આગળ વધી.

   સવારના 5:30 વાગ્યે હું તુલસીશ્યામ પહોંચી ગયો. ભગવાન શ્યામના મંદિરમાં પૂજાની તૈયારી શરૂ હતી. મંદિરની ગાયો ચરિયણમાં નીકળવાની હવે થોડી જ વાર હતી.

    હવે અહીંથી મારે ત્રણેક કિલોમીટર પગપાળા ચાલીને મારા નેસડે જવાનું હતું. પરંતુ મારા માટે તો એ રમત વાત હતી. આજે મારી પાસે કોઈ સામાન પણ ન હતો. આજે તો મારા પગ દોડવા માટે ઉતાવળા હતા..

     મેં ઉતાવળા પગે ચાલવાનું (દોડવાનું કહો તો પણ ચાલે) શરૂ કર્યું. બચપણથી પરિચિત એ રસ્તામાં ખૂબ મોટું થઈ ગયેલું ઘાસ, લીલાછમ વૃક્ષો, સુંદર ટેકરીઓ, રસ્તામાં વહેતા ઝરણાંઓ, તો ક્યાંક ખીણ જેવો ભાગ, હરણાઓ દેખાતા હતા, વાંદરાની હુપાહુપ, દેડકાઓનું ડ્રાઉ-ડ્રાઉ, વિવિધ પંખીડાના અવાજ સંભળાતા હતા, રસ્તામાં સાવજના સગડ (પગની છાપ) પણ મારી અનુભવી આંખે જોઈ લીધા...

હવે ખૂબ દૂરથી આવતો તુલસીશ્યામના મંદિરના ઘંટનો અવાજ થોડો થોડો જ સંભળાતો હતો.. 

    પરંતુ મારા માટે આજે તો આ બધું જ નગણ્ય હતું. આજે મને માત્ર મારો નેસ નજરોમાં તરતો હતો..

   નેસની સાવ નજીક પહોંચતા મેં મારા મા અને નજીકના ઝુંપડામાં રહેતી અન્ય સ્ત્રીઓને નદીમાંથી ખળ-ખળ વહેતા નિર્મળ પાણીથી હેલ (ગાગર અને હાંડો સાથે હોય તેને હેલ કહે છે.) ભરીને જતી જોઈ. મારા ઘરે જઈને સૌને મળ્યો. પછી મારી ગોરી ગાયની વાછડીને ભેટી પડ્યો મારી આંખ માંથી શ્રાવણ-ભાદરવો શરૂ થઈ ગયા. મારો નેસ અને મારી જિંદગી, મારા માટે ફરીથી જીવંત થઈ ગયા, હું ફરી મારી ગર્યમાં આવી ગયો. હવે મારે મારું આ સ્વર્ગ છોડીને ક્યાંય નથી જવું.

    હા, હવે તો મારી થેલી કરતા હું, વહેલો કેવી રીતે પહોંચી ગયો....? તેની સપષ્ટતા કરવા માટે ગોઠવણ કરવાની બાકી હતી....

મારી મનની વાત સૌને કેવી રીતે સમજાવવી..? તે એક માત્ર અસમંજસ મારા મનમાં શરૂ હતી….

Wednesday, July 27, 2022

અમારી ચારધામ યાત્રા ભાગ-1

 તારીખ 31 મે 2019 ના રોજ સવારે 10 વાગ્યે મારા મિત્ર શ્રી શામજીભાઈ મકવાણા કે જેઓ કચ્છમાં સર્વિસ કરે છે તેમનો, તારીખ 3 જૂન 2019 ના રોજ ચારધામ યાત્રા જવા બાબતનો ફોન આવ્યો. મારી શાળામાં વેકેશન ખુલવાની તૈયારી હોવાથી શાળામાં ખૂબ કામ હતું. ઉપરાંત મારા પત્નીની ઈચ્છા હજી બે વર્ષ સુધી આ યાત્રા કરવાની ન હતી.

    મેં, શામજીભાઈને વિનમ્રતા પૂર્વક ના પાડી. થોડા સમયમાં તેમના દીકરા (મારા ભત્રીજા) અલ્પેશભાઈ મકવાણાનો ફોન આવ્યો અને મને યાત્રા માટે તૈયાર થવાનું આગ્રહપૂર્વક કહ્યું. પરંતુ તેને પણ મેં સમજાવીને ના પાડી. એકાદ કલાક બાદ શ્રી ચૌહાણસાહેબના દિકરા શ્રી મેહુલભાઈ ચૌહાણનો ફોન આવ્યો અને એમણે પણ ખૂબ આગ્રહ કર્યો. 

   મેં તેમને મારા પુત્ર હર્ષનું વેવિશાળ થઈ જાય પછી જ યાત્રા કરવાની મારા પત્નીની ઈચ્છા છે તેવી સાચી હકીકત રજુ કરી.

   પરંતુ ત્યારબાદ શામજીભાઈના ધર્મપત્ની નીતાબેને, મારા પત્નીને ફોન કરી ને સમજાવવાનું શરૂ કર્યું. તેમને પણ ઉપર મુજબ પરિસ્થિતિ સમજાવી. પરંતુ નીતાબહેન વધુ પડતા આગ્રહ કર્યો એટલે મારા પત્નીશ્રીએ "અમે બપોરે જવાબ આપીશું." તેવું કહ્યું. 

    હું શાળાએથી ઘરે પહોંચ્યો એટલે આ મુદ્દા ઉપર અમારી બંનેની ચર્ચા થઈ તેમાં પણ હમણાં બે વર્ષ માટે ન જવાનું નક્કી થયું.

      માત્ર જાણ કરવા માટે મેં મારા બાને આ ચર્ચા અંગે ફોન કર્યો. (મારા બા તથા મારા સ્વર્ગસ્થ પિતાશ્રી ચારધામ યાત્રા, અમરનાથ યાત્રા, પશુપતિનાથ યાત્રા વગેરે કરી ચૂકેલા.) તે સમયે મારા નાના મામા શ્રી ભરતભાઈ પાઠક પણ ધોકડવા મુકામે હાજર હતા. 

     મારા બા તથા મારા મામાએ અમને યાત્રાએ જઇ આવવા માટે આગ્રહપૂર્વક સમજાવ્યા. 

     એ દરમિયાન શ્રી શામજીભાઈ અને શ્રી ચૌહાણ સાહેબના ફરીથી ફોન આવ્યા અને યાત્રા માટે હવે માત્ર 'હા' પાડવાની જ વાત થઈ.

    છેવટે રાત્રે સાડા નવ વાગ્યે અમે ઘણી હા-ના બાદ પણ હવે યાત્રામાં જોડાવા તૈયાર હતા.

  હવે પ્રશ્ન હતો સમય અને તૈયારીનો.

        માત્ર બે દિવસના ગાળામાં તૈયારી કરવી અને બધાને મળવા જવું ખુબ અઘરું હતું. એટલે બીજા દિવસે (તા.1 જૂન) સવારે અમે બંને ધોકડવા ગયા. મારા બા તથા મામાને મળ્યા. તેમની પાસેથી આશીર્વાદ તથા યાત્રાની તૈયારીની tips પણ લીધી. 

     મારા બાની યાત્રાની તૈયારી કરવા માટેની Tips ખૂબ પ્રેરણાદાયી હોય છે. કારણકે હું જ્યારે અમરનાથ યાત્રાએ ગયો, ત્યારનો મને અનુભવ છે કે તેઓ યાત્રાનો સામાન તૈયાર કરે તેમાં સોઈ-દોરાથી શરૂ કરી બધું જ હોય. મારા સૌથી નાના ભાઈ રોહિત ઉપરાંત ઘરના બધા સભ્યો અ.સૌ.આરતી, ગંસ્વ.રેણુકા અને બાળકો કરણ, ધ્રુવી, ધૈર્ય, મૌલિક, હર્ષ સૌ ખૂબ ખુશ હતા. 

    હું એટલો ભાગ્યશાળી છું કે મારા ભાઈઓ તથા અન્ય સભ્યો મને ખૂબ પ્રેમ કરે છે. આ યાત્રા વખતે સૌથી નાનો ભાઈ રોહિત ખૂબ જ ખુશ અને ઉત્સાહિત હતો. 

   જુલાઈ 2011 દરમિયાન, મારી અમરનાથ યાત્રા વખતે મારાથી નાના ભાઈ (અત્યારે સ્વર્ગસ્થ) મુકેશભાઈએ, હું યાત્રામાં જવા તૈયાર થાઉં તે માટે ચાર કિમી. દૂર આવેલા ભડેશ્વર મહાદેવના મંદિરે ખુલ્લા પગે ચાલીને જવાની ટેક રાખેલી. હું યાત્રાએ જવા તૈયાર થયો એવા સમાચાર મળ્યા કે તરત તે ચાલીને મંદિરે જઈ આવેલો. તેણે તથા રોહિતે મારી અમરનાથ યાત્રા માટે કાર સર્વિસથી શરૂ કરી કારમાં સ્ટેન્ડ લગાવી તેમાં બેઠક ગોઠવવા તથા સામાન ગોઠવવા સુધીની સંપૂર્ણ તૈયારી કરેલી. મારે માત્ર ડ્રાઈવીંગ સીટ પર બેસી જવાનું જ બાકી રહેલું. 

  પરિવારની આવી લાગણી એક અનેરું મનોબળ આપે.

      ચારધામ યાત્રાની તૈયારીની વાત ફરીથી આગળ વધારીએ. ધોકડવા અમારા ઘરની બાજુમાં જ રહેતા શ્રી કેશુભાઈ મિસ્ત્રી કે જેમને હું કાકા તરીકે સમ્માન આપું છું, તેમના આશીર્વાદ લીધા. અન્ય સંબંધીઓને મળી આવ્યા. જસાધાર રહેતા (મારા નાનાભાઈ સમાન) શ્રી વજેસિંહભાઈ સાથે પણ વાત કરી. 

     ધોકડવાથી મારા વતન મોટા સમઢીયાળા જઈ મારા કાકાઓ અને કાકીઓને મળી આશીર્વાદ લીધા.

    ઉનામાં પણ મારા સંબંધીઓ તથા પાડોશીઓને મળી આવ્યા. શાળાએ પહોંચી અમારા શાળા પરિવાર તથા ગ્રામ પંચાયત પંચાયત સંચાલિત શાળાના સંચાલક એવા સરપંચશ્રીની મંજૂરી અને શુભેચ્છાઓ મેળવી.

   આવી આખા દિવસની દોડાદોડીના બીજા દિવસે સામાન તૈયાર કરવાનું શરૂ કર્યું જેટલી જેટલી વસ્તુઓ યાદ આવી તે બધી તૈયાર કરી. શ્રી મેહુલભાઈ ચૌહાણે જરૂરી વસ્તુઓની એક યાદી મોકલેલી તે બધી એકઠી કરી થેલાઓ ભર્યા. 

   અમરનાથ યાત્રાના અનુભવે નક્કી કર્યું કે વધુ પડતા કપડાં ન લઇ જવા. 

   મોડી રાત્રી સુધી તૈયારીઓ બાદ ઉત્તેજનામાં બરાબર ઊંઘ ન આવી.

      ૩ જૂનના રોજ વહેલી સવારે બે વાગ્યે જાગી નિત્યકર્મ પૂર્ણ કરી ભગવાનના આશીર્વાદ લઇ ત્રણ વાગ્યે તૈયાર હતા.

   દીકરાઓ હર્ષ અને ધૈર્યનો હરખ સમાતો નહોતો. સવારે સાડા ત્રણ વાગ્યે અમને ચૌહાણ સાહેબના ઘરે મૂકી ગયા. ચૌહાણ સાહેબ દંપતી પોતાના પૌત્રને છેલ્લી ઘડી સુધી રમવામાં વ્યસ્ત હતા.

    શ્રી સોમાભાઈ પોતાની 'ટાવેરા' ગાડી લઈને સવારે પાંચ વાગ્યે આવ્યા. બધો સામાન ગાડીમાં યોગ્ય રીતે ગોઠવાયો. અમે હવે યાત્રા ખરેખર શરૂ કરી. સૌપ્રથમ ઉનામાં સુર્યમુખી હનુમાનજી તથા ભોળાનાથના મંદિરે શીશ નમાવ્યું ત્યાંથી નીકળીને ધોકડવા રોડ પર ગાડી દોડવા લાગી. મેં ફોન કરી દીધેલો એટલે મારા બા, મારા મામા, નાનો ભાઈ રોહિત  રોડ પર અમને મળવા માટે આવ્યા.

    મારા બા અને મામાને ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા. અને ફરીથી ગાડી અમરેલી તરફના રોડ પર આગળ વધવા લાગી.

    સવારે સાડા આઠ વાગ્યે, અમરેલી પસાર થયા પછી ગોપાલ હોટેલ પર ચા-નાસ્તો કર્યા. ત્યારબાદ ફરી આગળ વધ્યા.

Sunday, December 20, 2020

ઉત્તરાયણ

            ઉત્તરાયણ    

 તા.21 ડિસેમ્બર. 

       હવે એ સર્વવિદિત છે કે પૃથ્વી પોતાની ધરીને અનુલક્ષીને ધરિભ્રમણ કરે છે અને સૂર્યને અનુલક્ષીને પરિક્રમણ કરે છે.

    ધરિભ્રમણને કારણે રાત-દિવસ થાય છે અને પરિક્રમણને કારણે ઋતુઓ બદલાય છે.

    પરંતુ પૃથ્વી પોતાની ધરી પર 23.5° નમીને ધરિભ્રમણ કરે છે. તેના લીધે સૂર્યને અનુલક્ષીને પરિક્રમણ સમયે સૂર્ય બરાબર પૂર્વમાં ઉગતો દેખાવાને બદલે તેનું સ્થાન પૂર્વમાં જ પરંતુ થોડું ઉત્તર કે થોડું દક્ષિણ બદલ્યા કરે છે. વર્ષમાં બે દિવસ (તા.21 માર્ચ અને 21 સપ્ટેમ્બર) બરાબર પૂર્વમાં ઉગતો/આથમતો જણાય. તે બંને દિવસને વિષુવદિન કહેવાય.

      પૃથ્વી (વિષુવવૃતને લીધે) બે ભાગમાં વહેંચાય. ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ.

     ઉત્તર ગોળાર્ધમાં સૂર્યના કિરણો સીધા પડે ત્યારે દક્ષિણ ગોળાર્ધમાં ત્રાંસા હોય અને પછી ઊંધું થાય. 

    જે ગોળાર્ધમાં સૂર્યના કિરણો સીધા પડે ત્યાં ગરમી વધારે હોય એટલે ઉનાળો અને બીજા ગોળાર્ધમાં ત્રાંસા કિરણો હોવાથી ઠંડી હોય એટલે ઉનાળો.

     આપણો દેશ ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલ છે. 

     આપણને ઉત્તર ગોળાર્ધમાંથી પૂર્વમાં ઉગતો સૂર્ય, શિયાળા દરમિયાન દરરોજ થોડો દક્ષિણમાં ખસીને ઉગતો દેખાતો હોય. 

      એક સ્પષ્ટતા જરૂરી છે કે સૂર્ય ખસતો નથી, તે પૃથ્વીના પરિક્રમણને લીધે ખસતો દેખાય છે.

     સૂર્ય 21 ડિસેમ્બરના રોજ દક્ષિણ દિશામાં મહત્તમ ખસી ચુકેલો હોય. એટલેકે સૂર્યના કિરણો મહત્તમ ત્રાંસા થયા હોય. એટલે તે દિવસે વર્ષની સૌથી લાંબી રાત્રી અને સૌથી ટૂંકો દિવસ હોય. 

    21 ડીસેમ્બરથી સૂર્ય ફરી ઉત્તર તરફ ખસીને ઉગાવાનું શરૂ કરે. અને રાત્રીની લંબાઈ ઘટવાનું શરૂ થાય અને દિવસની લંબાઈ વધવાનું શરૂ થાય.

   આને ઉત્તરાયણ કહેવાય. 

(મકરસંક્રાંતિ જુદી ઘટના છે)

   ઉત્તરાયણ પછી પવનની દિશા અને ઝડપ બદલાય છે. જેનો અભ્યાસ કરવા માટે અભ્યાસુઓ દ્વારા વર્ષો પહેલા પતંગ ચગાવવા આવતા. જે પછીથી ઉજવણીનો એક ભાગ થયો છે.

Monday, November 30, 2020

દિકરીનુ સ્વાગત...

 ગીરગઢડા તાલુકાના મોટા સમઢીયાળા ગામના  જતીનભાઈ (અને અશોકભાઈ) ઝાલાવાડિયા ઉનામાં Care Computer નામે કોમ્યુટરને લાગતો વ્યવસાય ધરાવે છે. 

    ધર્મિષ્ઠાબહેન અને જતિનભાઈ ઝાલાવાડિયા દંપતીને સંતાનમાં પાંચેક વર્ષનો દિકરો છે.

      જતિનભાઈનું સાસરું નારીયેળી મોલી ગામે છે. તેમના સાળા શ્રી પંકજભાઈ રાખોલીયા હાલમા સુરત રહે છે. રંજનબેન અને પંકજભાઈને સંતાનમાં એક દીકરી હતી અને બીજી દીકરીનો જન્મ થયો. બહેન-બનેવી ધર્મિષ્ઠાબહેન અને જતીનભાઈ ઝાલાવાડિયા પોતાના પૂત્રને બહેન આપવા ઈચ્છતા હોઇ, રંજનબેન અને પંકજભાઈ રાખોલીયા સમક્ષ તેમની બીજી જન્મેલી દીકરી, પોતાને દત્તક આપી દેવા આગ્રહભરી વિનંતી કરી. પરંતુ પ્રથમ દીકરીની જેમ જ બીજી દીકરીને પણ અત્યંત ચાહતા એવા રાખોલીયા દંપતીએ શરૂઆતમાં તો સ્પષ્ટ 'ના' જ પાડી. પરંતુ દીકરી બે વર્ષની થયા બાદ બહેન-બનેવીના વારંવારના આગ્રહને વશ થઈ દિકરી આપવા હા પાડી. પરંતુ દિકરી આપ્યા બાદ રાખોલીયા દંપતિ સતત સુનમુન રહેતું હતું. થોડા જ દિવસોમાં રંજનબહેને રડી-રડીને ઝાલાવાડિયા પરિવાર પાસેથી દિકરી પરત લઈ લીધી. 

        થોડા સમય બાદ કુદરતની ઈચ્છા મુજબ રાખોલીયા દંપતીને ત્યાં ત્રીજી દીકરીનો જન્મ થયો. રાખોલીયા પરિવારે તો ત્રીજી દિકરીને પણ એટલા જ પ્રેમથી સ્વીકારી. સંબંધીઓને ખુશાલી સાથે જાણ પણ કરી. જતીનભાઈ અને ધર્મિષ્ઠાબહેને પોતાની 'મનકી બાત' ફરીથી જણાવી. આ વખતે દિકરી આપવા જીદ પકડી, દુરાગ્રહથી દિકરી પોતાને આપી દેવા દબાણ કર્યું. રાખોલીયા દંપતી હજુ પણ બાળકીને આપવા રાજી ન હતા.

      પરંતુ જન્મના એકાદ કલાકમાં કુદરતે કઈંક જુદું નિર્માણ કર્યું. ડૉક્ટરશ્રીએ દિકરીના માતા-પિતા એવા રાખોલીયા દંપતિને કહ્યું, "બાળકના હૃદયના ધબકારા સંપૂર્ણ બંધ થઈ ગયા છે. વેન્ટિલેટર પર રાખેલ છે, રાહ જોઈએ શું થાય છે...!!"

    ઝાલાવાડિયા દંપતીએ દિકરીની પરિસ્થિતિ જાણ્યા બાદ પણ દિકરીના માતા-પિતાને, જે તે સ્થિતિમાં દિકરી પોતાને દત્તક સોંપી દેવા આજીજી કરી. 

        રંજનબહેન તથા પંકજભાઈ દિકરીની સ્થિતિ જોતા સ્વાભાવિક અસમંજસમાં હતા. પરંતુ સામે પક્ષે ધર્મિષ્ટાબહેન તથા જતિનભાઈ બિલકુલ સ્પષ્ટ અને મક્કમ હતા. આ ઝાલાવાડિયા દંપતિ, દિકરીના માતા-પિતા બનવાની તક આપવા ભગવાનને પ્રાર્થના કરતા રહ્યા. રાખોલીયા દંપતિને મનાવતા રહ્યા. છેવટે રાખોલીયા દંપતિ ભારે હૈયે દિકરી આપવા તૈયાર થયા અને 'હા' પાડી. 

        ડૉક્ટરશ્રી તો દત્તક આપવાની ચર્ચાની બાબતથી સંપૂર્ણ અજાણ હતા. પરંતુ અહીં કુદરતનો ચમત્કાર થયો. રાખોલીયા દંપતિએ 'હા' પાડયાના માત્ર પાંચ જ મિનિટમાં, ડૉક્ટરશ્રીના પણ આશ્ચર્ય વચ્ચે, વેન્ટિલેટર પર રાખેલી ઢીંગલીના હૃદયના સ્પંદન શરૂ થયા. દસેક મિનિટ બાદ તો ડૉક્ટરશ્રીએ બહાર આવી દિકરી હવે નોર્મલ હોવાના ખુશખબર આપ્યા.

    બન્ને દંપતિની આંખો પાણીથી ભરાઈ ગઈ. કેટલીક સારવારના અંતે દિકરી ઘરે આવી. ચારેક મહિના બાદ, ઝાલાવાડિયા દંપતિએ દત્તક વિધિ પૂર્ણ કરી અને નવા માતા-પિતા પાસે દિકરી આવી. તેનું ભવ્ય સ્વાગત થયું.

      આખો પ્રસંગ કુદરતે પ્રિ-પ્લાનિંગ કરેલો હોય તેવો છે.

      ઢીંગલીને ભગવાન લાંબુ આયુષ્ય આપે અને બન્ને દંપતિઓની ઈચ્છા પૂર્ણ થાય તેવી પ્રાર્થના.






Saturday, September 26, 2020

ધીરુભાઈ દાનવીર

(દાનવીર )શ્રી ધીરુભાઈ દાતણવાળા .

                       ઉનાથી આમોદ્રા મારી રોજની સર્વિસ મુજબ અપ-ડાઉન કરવાનું થાય. એમાંય હમણા કોવીડ - 19 મહામારીને કારણે શાળાનો સમય સવારે 07:30 થી 12:30. સવારે શાળાએ જતા કે બપોરે ઘરે પરત ફરતી વખતે રસ્તે ચાલતા આવતા વ્યક્તિ ઈચ્છે તો બાઈકમાં બેસાડી લેવાની ટેવ ખરી. 

                     થોડા દિવસ અગાઉ આ (ત્યારે) અજાણ્યા વ્યક્તિ એક થેલા સાથે ચાલીને જતા હતા. મેલાઘેલા કપડા, સારો એવો તડકો ઉપરાંત વજનદાર થેલો ધરાવતા ધીરુભાઈને મને-કમને બેસાડી તો લીધા. રસ્તામાં વાત થતા પરિચય થયો. ઉનાના ટાવર ચોક નજીક બેસીને દાતણ વેંચી ગુજરાન ચલાવે તે પણ જાણ્યું. ઉનાની ત્રિકોણબાગ પાસે ઉતારી દીધા. 

           થોડા દિવસો બાદ, ફરી એકવાર સાથે થઇ જતા હવે ઓળખતો હોવાથી બાઈકમાં બેસાડ્યા. મેં તેમની ઉંમર બાબતે પૂછપરછ કરતા તેઓ 79 વર્ષના છે તે પણ જાણ્યું. તેમના કહેવા મુજબ તેઓનું જન્મવર્ષ 1941 છે.

          વિશેષ વાતો દ્વારા તેમની ઈત્તર પ્રવૃત્તિ સાંભળી આશ્ચર્ય સાથે માન થયું. 

               તેઓના દાંતણ સાંજે સાડા છ થી સાત વાગ્યે વેંચાઈ જાય પછી તેઓ ઘરે ચાલ્યા જવાને બદલે ઉનામાં કેટલાક ઘરે ફરી (તેમના જ શબ્દોમાં કહું તો કોળી તથા મુસ્લિમ વિસ્તારમાંથી) જમવાનું ઉઘરાવે. પછી ઉનાની ગલીઓમાં ફરી ગાંડા, અનાથ તથા ઘર વિહોણા લોકો પાસે જઈ જમવાનું આપે. તેમાં વળી કોઈ વધુ મુશ્કેલીમાં દેખાય તો વિશેષ ધ્યાન આપે. તેમણે મને, રસ્તામાં બે/ત્રણ વ્યક્તિઓને બતાવ્યા પણ ખરા કે જેમને તેઓ જમવાનું આપતા હોય. એક સાવ લઘર વઘર (કદાચ મંદ બુદ્ધિના) વ્યક્તિએ આ ધીરુભાઈને જોયા તો મસ્ત સ્મિત આપ્યું. તે જોઈ વિશ્વાસ બેસી ગયો કે ધીરુભાઈ સાવ સાચા છે. 

               મેં કે તમે એવા ઘણા દાનવીર જોયા હશે કે જેમને કુદરતે ખુબ આપ્યું હોય અને તેમના ઉદાર સ્વભાવ સાથે તેઓ દાન કરતા હોય, જરૂરીયાતવાળાને મદદરૂપ થતા હોય. તેમને ખુબ ખુબ વંદન.

                       પરંતુ પોતાની પાસે કાંઈ ન હોય છતાં, બીજાનું પેટ ઠારે એવા આ ધીરુભાઈ જેવા દાનવીર કદાચ અજોડ  હશે. આવા ધીરુભાઈને મારી બાઈક પર બેસાડી હું ધન્ય થયો. ભગવાન તેમનું ભલું કરે.

 

 


 

Saturday, April 25, 2020

અમારી ચારધામ યાત્રા ભાગ -10 {સગર (ગામ) – ચોપતા - બદ્રીનાથ – માણા - નંદપ્રયાગ}



{સગર (ગામ) ચોપતા -  બદ્રીનાથ – માણા - નંદપ્રયાગ}
            આજે તા. 12 જુન 2019, બુધવાર. ગઈ રાત્રે અહી હોટેલમાં રાત્રી નિવાસ કરેલ. ખીણમાં દેખાતા ગામમાંથી સંસ્કૃત શ્લોક તથા ભજન સંભળાતા રહ્યા. સવારે 4:00 વાગ્યે જાગી નિત્યકર્મ, ચા-નાસ્તા બાદ સૌએ થોડા ફોટા પાડ્યા. હવે યાત્રિકો બદ્રીનાથ રસ્તે જવા તૈયાર છે. 5:30 કલાકે અમારો યાત્રારથ નીકળી ચુક્યો છે. પહાડોમાં, પગથીયા પ્રકારના ખેતરોમાં મહેનત કરતા પહાડીઓ દેખાય છે . રસ્તામાં ઝરણાઓ ઓળંગતા આગળ જઈ રહ્યા છીએ. કેટલોક રસ્તો વૃક્ષોથી લબાલબ થયેલો અને દિવસે પણ અંધારું લાગે તેવો છે. આગળ જતા રસ્તા પહોળા કરવાના કામ શરુ છે. રસ્તામાં એક ખીણ તથા વહેતી મૈયા અલકનંદાના પ્રવાહને સમાંતર જઈએ છીએ. અમારા યાત્રારથના સારથી શ્રી સંજયસિંહ જણાવે છે કે કેદારનાથ ઘાટીની દુર્ઘટના સમયે પાણીનો પ્રવાહ અહી પણ પહોંચી ગયેલો. ઘણું નુકસાન કરેલું, કેટલાક તૂટી ગયેલા તથા પ્રવાહમાં તણાયેલા લોખંડના પૂલ પણ બતાવ્યા.
   અમારા પહાડી માર્ગમાં મારી નજર અચાનક જ પહાડ પરથી ઉતરતી નાજુક અને નમણી એવી Made in Gujarat તથા ગુજરાત પાસિંગ વાળી ‘નેનો’ કાર પર પડી. સામાન્ય રીતે આ માર્ગમાં મોટી અને મજબુત ગાડીઓ જ આવી શકે તેવી માન્યતાની હાંસી ઉડાવતી ‘નેનો’ તેના યાત્રીકોને બદ્રીનાથ યાત્રા કરાવી પરત લાવતી જોઈ.
          છ કલાકની યાત્રા બાદ અમે ભગવાન બદ્રીવિશાલનાં ખોળે પહોંચ્યા. અહી ભગવાન બદ્રીનાથની બધી બાજુએ બરફ આચ્છાદિત પહાડ તથા કુદરતી સૌન્દર્ય છુટા હાથે વેરાયેલું છે. ગાડીનું પાર્કિંગ કરાવી, અમે મંદિર તરફ પ્રયાણ કર્યું. તેની બજારમાં નજર ફેરવતા મંદિર રસ્તે આગળ વધ્યા. અહી મૈયા અલકનંદા પુરા જોશ સાથે વહે છે. તેનું જળ અત્યંત ઠંડુ તથા તેનો પ્રવાહ તોફાની છે. તેના પર બનાવેલા લોખંડના પુલ પરથી  લાંબી કતાર જોઈ. અમારે દર્શન માટે ખુબ રાહ જોવી પડશે તેવું લાગ્યું. લાઈનમાં ઉભા રહી ગયા. લાઈનમાં ઉભા રહી, સ્વજનોને યાત્રાની યાદગીરી રૂપ ભેટ આપવા માટે ત્યાં મળતા સોનેરી સિક્કાની ખરીદી કરી. ભગવાન કેદારનાથ તથા  બદ્રીવિશાલજીની છાપ ધરાવતા 100- 100 સિક્કા ત્રણે દંપતીએ ખરીદ્યા. કેટલીક માળા પણ ખરીદી. અમારી અપેક્ષા કરતા ઘણી વધુ ઝડપથી દર્શનમાં વારો આવ્યો. આ દર્શન સાથે અમારી ચારધામ યાત્રા દર્શન પૂર્ણ થતા હતા. ભગવાનનો ખુબ ખુબ આભાર માન્યો. પુલ પર ઉભા રહી તમામે ભગવાન બદ્રીનાથનાં સાનિધ્યમાં યાદગીરી રૂપ ફોટા પડાવ્યા. કુદરતી દ્રશ્યો તથા મૈયા અલકનંદાનાં સાનિધ્યમાં પણ ફોટા પડાવ્યા. હવે યાત્રિકો માનસિક રીતે હળવા થઇ ગયા છે. બજારમાં ખરીદી માટે યોગ્ય વસ્તુ દેખાતા ઉભા રહી જાય છે. શ્રી મતિ કાન્તાબહેન ચૌહાણ તથા શ્રી મતિ નીતાબહેન મકવાણાને હવે તેમના પૌત્રો નજરે દેખાવા લાગ્યા છે. પુત્રો/પૂત્રવધુઓ કરતા, પૌત્રો માટે કંઈક ખરીદવા તલપાપડ છે. વારંવાર પૌત્રો સાથે ફોનમાં વાત કરતા રહે છે.  મારા પત્ની પણ મારા ભાઇઓના નાના દીકરા - દીકરીઓ માટે ખરીદી કરવા લાગ્યા છે. અમે બજારમાં વેંચાતા રુદ્રાક્ષના લીલા ફળથી ભરેલા મોટા પાત્રો જોયા. તેમાંથી આપણે રુદ્રાક્ષનું એક ફળ પસંદ કરી તેમને આપીએ એટલે તેઓ તે ફળ ખોલી સાફ કરી રુદ્રાક્ષનો પારો કાઢી આપે. અમે પણ ખરીદ્યા. કોઈકને ત્રણમુખી તો કોઈકને પંચમુખી રુદ્રાક્ષ મળ્યા. એક પારાના 20 રૂપિયા હોય છે.આગળ જતા ક્રિશ્ના હોટેલ બહાર ‘મોદીજી થાલી’ નામનું બોર્ડ જોયું. કુતૂહલવશ ત્યાં જઈ પૂછપરછ કરી. તેમનું નામ ચન્દ્રમોહનજી તથા દહેરાદુનનાં છે તેવું જાણ્યું. તેમના જવાબોનો video રેકોર્ડ કર્યો. ત્યાં લસ્સી પીધી. આગળ જતા રસ્તાની બાજુમાં બાંધેલું પહાડી પ્રાણી ‘યાક’ જોયું. કેટલાક યાત્રાળુઓ તેની સાથે તસ્વીર લેતા હતા. હવે ભગવાન બદ્રીવિશાલની વિદાય લેવાનો સમય હતો. ફરીથી પાર્કીંગમાં પહોંચી નેગીજીને શોધ્યા. અને સૌ ગાડીમાં ગોઠવાયા.
       મને અચાનક યાદ આવ્યું કે ભારતનું ચીન સરહદ તરફનું છેલ્લું ગામ ‘માણા’ અહીથી માત્ર ત્રણ કિમી. અંતરે છે. અમે ત્યાં પહોંચ્યા. પ્રકૃતિની ગોદમાં વસેલું આ ગામ દૂરથી જોતા જ ગમી જાય તેવું છે. ટ્રાફિક અત્યંત છે. બદ્રીનાથ આવતા મોટાભાગના યાત્રિકો ‘માણા’ ગામની મુલાકાત લે છે. ગાડી આગળ જઈ શકે તેમ નથી અને ગામ હજી એક કિમી.થી વધારે દૂર હોવાથી અમે દૂરથી જ દર્શન કર્યા ફોટોગ્રાફી કરી. બાજુમાં જ સુરક્ષા દળોનું થાણું છે. તેની સુચનાનું  પ્રામાણીકતાથી પાલન કરી માર્યાદિત ફોટા લીધા.
          હવે યાત્રિકો અહીથી પરત ફર્યા. આજે રસ્તામાં હોટેલ પસંદગીમાં થોડું મોડું થઇ ગયું. સાડા આઠે નંદપ્રયાગ પાસે સામાન્ય હોટેલ મળી. ઠંડીનું પ્રમાણ ઘણું ઓછું થયું. રાત્રે હોટેલવાળા ભાઈ સાથે ઘણી વાતો કરી. નિંદ્રાદેવીને શરણે થયા.
   (ક્રમશઃ)

ફોટા જોવા માટે click here 
મોદી થાલી video જોવા માટે click here 

High school માટે ઉપયોગી GR

      આ સોફ્ટવેરની મદદથી કોઈપણ વિદ્યાર્થીનું નામ સરળતાથી શોધી શકાશે ઉપરાંત વિદ્યાર્થીના નીચે મુજબના ડોક્યુમેન્ટસ સરળતાથી જનરેટ કરી શકાશે... ...