Sunday, August 14, 2022

મારું ગીર...મારો નેસ...મારી જિંદગી..

 મારી વાર્તા……

આમ તો હું ગીર જંગલના એક નાનકડા નેસડામાં રહું છું. અમે તો નેહડું જ બોલીએ. (કેટલાક વાચકોને નેસનો અર્થ ખબર ન પડે એટલે સ્પષ્ટતા કરું કે ગીરમાં થોડા ઝૂંપડાઓમાં કેટલાક પરિવાર રહેતા હોય તેવા વિસ્તારને 'નેસ' કે 'નેસડું' કહેવાય)

   અમારા ઘરમાં એકાદ બે સભ્યને થોડું વાંચતા-લખતા આવડે છે. અમારા નેસથી 9 કિલોમીટર દૂરના ગામમાં આવેલી હાઈસ્કૂલમાં મેં 10 ધોરણ સુધી અભ્યાસ કર્યો અને ત્યારબાદ રોજગારી માટે કચ્છમાં આવ્યો. કચ્છમાં આવ્યે દસેક મહિના થયા. મારા નેસડામાં મોબાઈલ નેટવર્ક નથી. એટલે સીધા વાર્તાલાપ અશક્ય હતા.

મારા નેસથી છ કિલોમીટર દૂર ગામમાં રહેતા એક વડીલ, કે જેઓ મને અહીં લાવ્યા હતા. તે 'લુંભાબાપા' ભુજ(કચ્છ)માંથી, આજે સાંજે નીકળતી બસમાં તેમના ઘરે જાય છે, તેવા સમાચાર મળ્યા છે. ગામડે તેમના ઘર પાસે રહેલી ડેરીમાં અમારા ઘરનું દૂધ જાય છે તેથી મારી વસ્તુઓ ઘર સુધી પહોંચી શકે તેમ છે.

એટલે, આજે મારા ઘરે એક ચિઠ્ઠી લખીને સાથે ઘર માટે થોડી મીઠાઈ લઈને તેમને બસ સ્ટેશને આપવા જવાનો છું.

  મેં ચીઠ્ઠી લખવાની શરૂઆત કરી..

   પૂજ્ય બાપા તથા માં, કાકા, કાકીઓ, મારા બધા ભાઈ-બહેન..

  આપસૌ મજામાં હશો. હું, અહીં કચ્છના ભુજમાં ખૂબ આનંદથી રહું છું. ખૂબ જ મોટું શહેર છે. ભરપૂર વાહનો અને મોટી-મોટી સડકો છે. અહીંયા ઝુંપડા હોતા નથી તેની જગ્યાએ ઊંચા ઊંચા બિલ્ડીંગ છે. આપણા નેસમાં તો લાઈટની સુવિધા નથી એટલે, સાંજથી સવાર સુધી સંપૂર્ણ અંધારામાં અને પંખા વગર જીવીએ છીએ પરંતુ અહીં તો રાત-દિવસનો કાંઈ ખ્યાલ આવતો નથી. હંમેશા ઝગમગાટ રહે છે. ત્યાં આપણે તો ગાય-ભેંસ ઉપરાંત સિંહ કે અન્ય જંગલી પ્રાણી સિવાય કોઈ અવાજ આવતા નથી એટલે સંપૂર્ણ શાંતિ હોય છે. અહીં તો આખો દિવસ તથા આખી રાત વાહનોના અવાજ આવે છે.

આપણે ત્યાં ખૂબ સારા વરસાદના સમાચાર મેં છાપામાં વાંચ્યા છે. અહીં પણ આ વર્ષે વરસાદ સારો છે. આપણા નેસડાની નદીમાં અત્યારે ખૂબ પાણી વહેતુ હશે. આપણા ગાય-ભેંસના દૂધ, રોડ પર આવતા દૂધના વાહન સુધી પહોંચાડવા માટેનો રસ્તો કદાચ શરૂ હશે. પાણી વધુ હોય ત્યારે કોઈ સાહસ કરી આગળ જતાં નહીં તેમ મારા કાકાઓને કહેજો. જરૂર લાગેતો દૂધ આપવા જવાને બદલે દૂધમાંથી માખણ-ઘી બનાવી નાખજો. ગોરી ગાયની વાછરડી હવે ઘણી મોટી દેખાતી હશે. સાવજે ઇજા પહોંચાડેલી આપણી ભગરી ભેંસને હવે સંપૂર્ણપણે સારું હશે. રોજ સાંજે નનાદાદા પાસે આવતું પેલું હરણું હવે આવે છે કે નહીં..?? સવારના અન્ય પંખીડા સાથે મોરલાં ચણ ખાવા તો આવે છે ને…?

   અહીં આખો દિ' તો કામકાજમાં પસાર થઈ જાય છે પરંતુ, સુરજનારાયણ ઢળે અને રાત પડે એવા ટાણે મને મારું નેસડું યાદ આવે છે.

    આપણી ગોરી ગાયની વાછડી, ભગરી ભેંસ, હરણાં, ઝરણાં, નદી ખૂબ જ યાદ આવે છે. આપણા વિસ્તારમાં રહેતો તથા સામે કાંઠે સાંજના વારંવાર દેખાતો અને ગરજતો 'જામ્બલો' સાવજ પણ યાદ આવે છે. હવે તો બધા ઝાડવાં લીલાછમ થઈ ગયા હશે. બધા ઝરણામાં પાણી વહેતા થઈ ગયા હશે. વહેલી સવારના આપણા નેસમાં આવતા પંખીડાના સુંદર અવાજને બદલે અહીં તો વાહનોના હોર્ન જ સાંભળવા પડે છે….

     બધી ગાયો-ભેંસોને મારા વતી વધારાનો ખોળ ખવરાવજો. સવારમાં પંખીડાંઓને ચણ નાખજો. જંગલમાં ઘાસ હવે સાવજ કે દીપડા દેખાય પણ નહીં એટલુ બધું મોટું થઈ ગયું હશે એટલે, નાની વાછડીઓ તથા પારું (ભેંસના નાના બચ્ચાઓ) ને હમણાં આપણા માલ-ઢોર સાથે ચરવા મોકલતા નહીં. ઘરે જ રાખજો. ઢોર ચરાવવા જાય ત્યારે, સિંહ કે દીપડો જોઈને મુળુકાકા અને હમીરકાકાને કોઈ સાહસ કરે નહીં તેવું ખાસ કહેજો. તમને બધાને ખૂબ જ યાદ કરુ છું. લુંભાબાપા સાથે આ થેલી અને ચિઠ્ઠી મોકલું છું

લિ. તમારો લાડકો મુન્નો...

    આ ચિઠ્ઠી સાથે કેટલીક મીઠાઈ વગેરે એક થેલીમાં પેક કરી સોય દોરાથી સાંધી, લુંભાબાપાને આપવા જવા માટે બસ સ્ટેશન પહોંચ્યો.

   જૂનાગઢમાં કોઈકને મળવાનું હોવાથી તેઓ સાંજે છ વાગ્યે ઉપડતી જુનાગઢ જતી બસમાં નીકળવાના છે. હું પાંચ વાગ્યે જ બસ સ્ટેશન પહોંચી ગયો. લુંભાબાપા પણ સાડા પાંચ વાગે આવી ગયા. બસ પ્લેટફોર્મ પર મુકાઈ ગઈ. મેં તેમના હાથમાં થેલી આપી. તેમણે મને હવે ચિંતા ન કરવા તથા જવા માટે કહ્યું. મેં તેમને હા પાડીને થોડી વાર ઉભો રહ્યો, એટલામાં બસ રવાના થઈ.

દૂર ઉભેલી, બીજી એક બસની પાછળ જઈને મેં મારી ભીની થયેલી આંખો લૂછી. થોડો સ્વસ્થ થયા બાદ મેં આ બીજી બસના બોર્ડ પર નજર કરી તો તે અમારી ભુજ-તુલસીશ્યામ બસ હતી. તે બસમાં પેન-ડ્રાઈવથી ગીરનું લોકગીત 'ગીર કેડી વાંકી...મારે માલ જાવા હાંકી.....' વાગતું'તું. તેમાં બેઠેલા કેટલાક મુસાફરો અમારી ગીરની દેશી લઢણમાં વાતો કરતા હતા..

હું ભૂતકાળમાં ખોવાઈ ગયો. મારી આંખો બસ કોઈ જાણીતા ચહેરા શોધવા લાગી.. એટલામાં તો તે બસના કંડકટર પણ આવ્યા.

  આ એ જ કંડકટર હતા જેઓ, મારા માસુમ અને રડમસ ચહેરા સાથે હું જ્યારે મારા નેસથી અહીં આવ્યો ત્યારે મને, મારી ઊંચાઈ જોઈને અડધી ટિકિટમાં તુલસીશ્યામથી ભુજ લઈ આવેલા. મને જોતાની સાથે જ ઓળખી ગયા. સ્વાભાવિકપણે મને તેમણે કહ્યું, "હાલ્ય ગર્યમાં આવવું સે ને..?"

   ખબર નહીં કેમ પણ મેં અજાણ પડે 'હકાર' માં માથું હલાવ્યું.

મને કાંડક્ટરે કહ્યું : "બસમાં જગ્યા તો નઇથ, પરંતુ મારી સીટે બેહી જા...આગળ જતા જોયું જાહે...."

તેમની વાત સાંભળીને, હું યંત્રવત બસમાં ચડી ગયો.. અંદરથી વિચારતો હતો કે આગલી બસમાં મારી થેલી જાય છે અને આ બસમાં હું.....

શું આ યોગ્ય છે.....?

   હું તો માત્ર બસ સ્ટેશનમાં થેલી આપવા આવેલો તેથી મારા ખિસ્સામાં પૂરતા નાણાં પણ ન હતા..

હું બધું જ ભૂલી જઈને કંડકટરની સીટ પર બેસી ગયો. બસ ઉપડી ગઈ. હું બસની બારી બહાર ઉપર વાદળા તરફ જોતો હતો. ભુજના રસ્તા, બિલ્ડીંગ સામે હવે મારી નજર ન હતી. કંડકટર ટીકીટ કાપવામાં વ્યસ્ત થઈ ગયા. એક ગામ પસાર થયા બાદ, બસમાં એક જગ્યા થતા, હું કંડકટરની સીટ ખાલી કરીને, ત્યાં ચાલ્યો ગયો. હવે અંધારું છવાવા લાગેલું. ઉપર નજર કરી તો ચંદ્ર અમારી બસની સાથે જ ચાલતો હતો.વાદળાઓ સતત પસાર થતાં હતા. રસ્તામાં ક્યારેક ક્યારેક વરસાદી છાંટા પણ શરૂ હતા. પરંતુ મારુ મન તો મારી ગર્યમાં, મારે નેસડે, મારા ઘરે પહોંચી ગયેલું…

  વચ્ચે વધુ પડતા વરસાદથી એક નીચા પુલ પરથી ખૂબ પાણી પસાર થતું હતું અને બસ, તે ગામના પાદરમાં એક કલાક રોકાઈ ગઈ. ભૂખ ખૂબ લાગી હતી પરંતુ ટિકિટના નાણાં ચૂકવ્યા બાદ મારું ખિસ્સું માત્ર સિંગ-ચણા ખાવાની રજા આપતું હતું. મેં પાણી પી લીધું. મોડી રાત્રી બાદ હવે મને ઊંઘ આવવા લાગી.

   હું જાગ્યો ત્યારે વહેલી સવારે રસ્તામાં જંગલ શરૂ થઇ ચૂક્યું હતું. એ જ જાણીતા વૃક્ષો, નદીઓ, રસ્તામાં આવતા નેસના રસ્તા, હરણના ઝુંડ, વાંદરાઓ હવે દેખાવા લાગ્યા. એક જગ્યાએ તો સિંહના દર્શન પણ થયા… 

     મને હવે ઘરે પહોંચી ગયાનો અહેસાસ થવા લાગ્યો… 

   આગળ જતા ગીર જંગલમાં 'ભીમચાસ' પાસે વહેતી જામરી નદીનું પાણી, વધુ પડતા વરસાદને લીધે પુલ ઉપરથી વહેતું હોવાથી, બસ રોકાઈ ગઈ. 30 મિનિટ બાદ ફરી પાણી ઓછું થતાં, બસ ફરી આગળ વધી.

   સવારના 5:30 વાગ્યે હું તુલસીશ્યામ પહોંચી ગયો. ભગવાન શ્યામના મંદિરમાં પૂજાની તૈયારી શરૂ હતી. મંદિરની ગાયો ચરિયણમાં નીકળવાની હવે થોડી જ વાર હતી.

    હવે અહીંથી મારે ત્રણેક કિલોમીટર પગપાળા ચાલીને મારા નેસડે જવાનું હતું. પરંતુ મારા માટે તો એ રમત વાત હતી. આજે મારી પાસે કોઈ સામાન પણ ન હતો. આજે તો મારા પગ દોડવા માટે ઉતાવળા હતા..

     મેં ઉતાવળા પગે ચાલવાનું (દોડવાનું કહો તો પણ ચાલે) શરૂ કર્યું. બચપણથી પરિચિત એ રસ્તામાં ખૂબ મોટું થઈ ગયેલું ઘાસ, લીલાછમ વૃક્ષો, સુંદર ટેકરીઓ, રસ્તામાં વહેતા ઝરણાંઓ, તો ક્યાંક ખીણ જેવો ભાગ, હરણાઓ દેખાતા હતા, વાંદરાની હુપાહુપ, દેડકાઓનું ડ્રાઉ-ડ્રાઉ, વિવિધ પંખીડાના અવાજ સંભળાતા હતા, રસ્તામાં સાવજના સગડ (પગની છાપ) પણ મારી અનુભવી આંખે જોઈ લીધા...

હવે ખૂબ દૂરથી આવતો તુલસીશ્યામના મંદિરના ઘંટનો અવાજ થોડો થોડો જ સંભળાતો હતો.. 

    પરંતુ મારા માટે આજે તો આ બધું જ નગણ્ય હતું. આજે મને માત્ર મારો નેસ નજરોમાં તરતો હતો..

   નેસની સાવ નજીક પહોંચતા મેં મારા મા અને નજીકના ઝુંપડામાં રહેતી અન્ય સ્ત્રીઓને નદીમાંથી ખળ-ખળ વહેતા નિર્મળ પાણીથી હેલ (ગાગર અને હાંડો સાથે હોય તેને હેલ કહે છે.) ભરીને જતી જોઈ. મારા ઘરે જઈને સૌને મળ્યો. પછી મારી ગોરી ગાયની વાછડીને ભેટી પડ્યો મારી આંખ માંથી શ્રાવણ-ભાદરવો શરૂ થઈ ગયા. મારો નેસ અને મારી જિંદગી, મારા માટે ફરીથી જીવંત થઈ ગયા, હું ફરી મારી ગર્યમાં આવી ગયો. હવે મારે મારું આ સ્વર્ગ છોડીને ક્યાંય નથી જવું.

    હા, હવે તો મારી થેલી કરતા હું, વહેલો કેવી રીતે પહોંચી ગયો....? તેની સપષ્ટતા કરવા માટે ગોઠવણ કરવાની બાકી હતી....

મારી મનની વાત સૌને કેવી રીતે સમજાવવી..? તે એક માત્ર અસમંજસ મારા મનમાં શરૂ હતી….

High school માટે ઉપયોગી GR

      આ સોફ્ટવેરની મદદથી કોઈપણ વિદ્યાર્થીનું નામ સરળતાથી શોધી શકાશે ઉપરાંત વિદ્યાર્થીના નીચે મુજબના ડોક્યુમેન્ટસ સરળતાથી જનરેટ કરી શકાશે... ...