Wednesday, July 27, 2022

અમારી ચારધામ યાત્રા ભાગ-1

 તારીખ 31 મે 2019 ના રોજ સવારે 10 વાગ્યે મારા મિત્ર શ્રી શામજીભાઈ મકવાણા કે જેઓ કચ્છમાં સર્વિસ કરે છે તેમનો, તારીખ 3 જૂન 2019 ના રોજ ચારધામ યાત્રા જવા બાબતનો ફોન આવ્યો. મારી શાળામાં વેકેશન ખુલવાની તૈયારી હોવાથી શાળામાં ખૂબ કામ હતું. ઉપરાંત મારા પત્નીની ઈચ્છા હજી બે વર્ષ સુધી આ યાત્રા કરવાની ન હતી.

    મેં, શામજીભાઈને વિનમ્રતા પૂર્વક ના પાડી. થોડા સમયમાં તેમના દીકરા (મારા ભત્રીજા) અલ્પેશભાઈ મકવાણાનો ફોન આવ્યો અને મને યાત્રા માટે તૈયાર થવાનું આગ્રહપૂર્વક કહ્યું. પરંતુ તેને પણ મેં સમજાવીને ના પાડી. એકાદ કલાક બાદ શ્રી ચૌહાણસાહેબના દિકરા શ્રી મેહુલભાઈ ચૌહાણનો ફોન આવ્યો અને એમણે પણ ખૂબ આગ્રહ કર્યો. 

   મેં તેમને મારા પુત્ર હર્ષનું વેવિશાળ થઈ જાય પછી જ યાત્રા કરવાની મારા પત્નીની ઈચ્છા છે તેવી સાચી હકીકત રજુ કરી.

   પરંતુ ત્યારબાદ શામજીભાઈના ધર્મપત્ની નીતાબેને, મારા પત્નીને ફોન કરી ને સમજાવવાનું શરૂ કર્યું. તેમને પણ ઉપર મુજબ પરિસ્થિતિ સમજાવી. પરંતુ નીતાબહેન વધુ પડતા આગ્રહ કર્યો એટલે મારા પત્નીશ્રીએ "અમે બપોરે જવાબ આપીશું." તેવું કહ્યું. 

    હું શાળાએથી ઘરે પહોંચ્યો એટલે આ મુદ્દા ઉપર અમારી બંનેની ચર્ચા થઈ તેમાં પણ હમણાં બે વર્ષ માટે ન જવાનું નક્કી થયું.

      માત્ર જાણ કરવા માટે મેં મારા બાને આ ચર્ચા અંગે ફોન કર્યો. (મારા બા તથા મારા સ્વર્ગસ્થ પિતાશ્રી ચારધામ યાત્રા, અમરનાથ યાત્રા, પશુપતિનાથ યાત્રા વગેરે કરી ચૂકેલા.) તે સમયે મારા નાના મામા શ્રી ભરતભાઈ પાઠક પણ ધોકડવા મુકામે હાજર હતા. 

     મારા બા તથા મારા મામાએ અમને યાત્રાએ જઇ આવવા માટે આગ્રહપૂર્વક સમજાવ્યા. 

     એ દરમિયાન શ્રી શામજીભાઈ અને શ્રી ચૌહાણ સાહેબના ફરીથી ફોન આવ્યા અને યાત્રા માટે હવે માત્ર 'હા' પાડવાની જ વાત થઈ.

    છેવટે રાત્રે સાડા નવ વાગ્યે અમે ઘણી હા-ના બાદ પણ હવે યાત્રામાં જોડાવા તૈયાર હતા.

  હવે પ્રશ્ન હતો સમય અને તૈયારીનો.

        માત્ર બે દિવસના ગાળામાં તૈયારી કરવી અને બધાને મળવા જવું ખુબ અઘરું હતું. એટલે બીજા દિવસે (તા.1 જૂન) સવારે અમે બંને ધોકડવા ગયા. મારા બા તથા મામાને મળ્યા. તેમની પાસેથી આશીર્વાદ તથા યાત્રાની તૈયારીની tips પણ લીધી. 

     મારા બાની યાત્રાની તૈયારી કરવા માટેની Tips ખૂબ પ્રેરણાદાયી હોય છે. કારણકે હું જ્યારે અમરનાથ યાત્રાએ ગયો, ત્યારનો મને અનુભવ છે કે તેઓ યાત્રાનો સામાન તૈયાર કરે તેમાં સોઈ-દોરાથી શરૂ કરી બધું જ હોય. મારા સૌથી નાના ભાઈ રોહિત ઉપરાંત ઘરના બધા સભ્યો અ.સૌ.આરતી, ગંસ્વ.રેણુકા અને બાળકો કરણ, ધ્રુવી, ધૈર્ય, મૌલિક, હર્ષ સૌ ખૂબ ખુશ હતા. 

    હું એટલો ભાગ્યશાળી છું કે મારા ભાઈઓ તથા અન્ય સભ્યો મને ખૂબ પ્રેમ કરે છે. આ યાત્રા વખતે સૌથી નાનો ભાઈ રોહિત ખૂબ જ ખુશ અને ઉત્સાહિત હતો. 

   જુલાઈ 2011 દરમિયાન, મારી અમરનાથ યાત્રા વખતે મારાથી નાના ભાઈ (અત્યારે સ્વર્ગસ્થ) મુકેશભાઈએ, હું યાત્રામાં જવા તૈયાર થાઉં તે માટે ચાર કિમી. દૂર આવેલા ભડેશ્વર મહાદેવના મંદિરે ખુલ્લા પગે ચાલીને જવાની ટેક રાખેલી. હું યાત્રાએ જવા તૈયાર થયો એવા સમાચાર મળ્યા કે તરત તે ચાલીને મંદિરે જઈ આવેલો. તેણે તથા રોહિતે મારી અમરનાથ યાત્રા માટે કાર સર્વિસથી શરૂ કરી કારમાં સ્ટેન્ડ લગાવી તેમાં બેઠક ગોઠવવા તથા સામાન ગોઠવવા સુધીની સંપૂર્ણ તૈયારી કરેલી. મારે માત્ર ડ્રાઈવીંગ સીટ પર બેસી જવાનું જ બાકી રહેલું. 

  પરિવારની આવી લાગણી એક અનેરું મનોબળ આપે.

      ચારધામ યાત્રાની તૈયારીની વાત ફરીથી આગળ વધારીએ. ધોકડવા અમારા ઘરની બાજુમાં જ રહેતા શ્રી કેશુભાઈ મિસ્ત્રી કે જેમને હું કાકા તરીકે સમ્માન આપું છું, તેમના આશીર્વાદ લીધા. અન્ય સંબંધીઓને મળી આવ્યા. જસાધાર રહેતા (મારા નાનાભાઈ સમાન) શ્રી વજેસિંહભાઈ સાથે પણ વાત કરી. 

     ધોકડવાથી મારા વતન મોટા સમઢીયાળા જઈ મારા કાકાઓ અને કાકીઓને મળી આશીર્વાદ લીધા.

    ઉનામાં પણ મારા સંબંધીઓ તથા પાડોશીઓને મળી આવ્યા. શાળાએ પહોંચી અમારા શાળા પરિવાર તથા ગ્રામ પંચાયત પંચાયત સંચાલિત શાળાના સંચાલક એવા સરપંચશ્રીની મંજૂરી અને શુભેચ્છાઓ મેળવી.

   આવી આખા દિવસની દોડાદોડીના બીજા દિવસે સામાન તૈયાર કરવાનું શરૂ કર્યું જેટલી જેટલી વસ્તુઓ યાદ આવી તે બધી તૈયાર કરી. શ્રી મેહુલભાઈ ચૌહાણે જરૂરી વસ્તુઓની એક યાદી મોકલેલી તે બધી એકઠી કરી થેલાઓ ભર્યા. 

   અમરનાથ યાત્રાના અનુભવે નક્કી કર્યું કે વધુ પડતા કપડાં ન લઇ જવા. 

   મોડી રાત્રી સુધી તૈયારીઓ બાદ ઉત્તેજનામાં બરાબર ઊંઘ ન આવી.

      ૩ જૂનના રોજ વહેલી સવારે બે વાગ્યે જાગી નિત્યકર્મ પૂર્ણ કરી ભગવાનના આશીર્વાદ લઇ ત્રણ વાગ્યે તૈયાર હતા.

   દીકરાઓ હર્ષ અને ધૈર્યનો હરખ સમાતો નહોતો. સવારે સાડા ત્રણ વાગ્યે અમને ચૌહાણ સાહેબના ઘરે મૂકી ગયા. ચૌહાણ સાહેબ દંપતી પોતાના પૌત્રને છેલ્લી ઘડી સુધી રમવામાં વ્યસ્ત હતા.

    શ્રી સોમાભાઈ પોતાની 'ટાવેરા' ગાડી લઈને સવારે પાંચ વાગ્યે આવ્યા. બધો સામાન ગાડીમાં યોગ્ય રીતે ગોઠવાયો. અમે હવે યાત્રા ખરેખર શરૂ કરી. સૌપ્રથમ ઉનામાં સુર્યમુખી હનુમાનજી તથા ભોળાનાથના મંદિરે શીશ નમાવ્યું ત્યાંથી નીકળીને ધોકડવા રોડ પર ગાડી દોડવા લાગી. મેં ફોન કરી દીધેલો એટલે મારા બા, મારા મામા, નાનો ભાઈ રોહિત  રોડ પર અમને મળવા માટે આવ્યા.

    મારા બા અને મામાને ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા. અને ફરીથી ગાડી અમરેલી તરફના રોડ પર આગળ વધવા લાગી.

    સવારે સાડા આઠ વાગ્યે, અમરેલી પસાર થયા પછી ગોપાલ હોટેલ પર ચા-નાસ્તો કર્યા. ત્યારબાદ ફરી આગળ વધ્યા.

High school માટે ઉપયોગી GR

      આ સોફ્ટવેરની મદદથી કોઈપણ વિદ્યાર્થીનું નામ સરળતાથી શોધી શકાશે ઉપરાંત વિદ્યાર્થીના નીચે મુજબના ડોક્યુમેન્ટસ સરળતાથી જનરેટ કરી શકાશે... ...