ગીરગઢડા તાલુકાના મોટા સમઢીયાળા ગામના જતીનભાઈ (અને અશોકભાઈ) ઝાલાવાડિયા ઉનામાં Care Computer નામે કોમ્યુટરને લાગતો વ્યવસાય ધરાવે છે.
ધર્મિષ્ઠાબહેન અને જતિનભાઈ ઝાલાવાડિયા દંપતીને સંતાનમાં પાંચેક વર્ષનો દિકરો છે.
જતિનભાઈનું સાસરું નારીયેળી મોલી ગામે છે. તેમના સાળા શ્રી પંકજભાઈ રાખોલીયા હાલમા સુરત રહે છે. રંજનબેન અને પંકજભાઈને સંતાનમાં એક દીકરી હતી અને બીજી દીકરીનો જન્મ થયો. બહેન-બનેવી ધર્મિષ્ઠાબહેન અને જતીનભાઈ ઝાલાવાડિયા પોતાના પૂત્રને બહેન આપવા ઈચ્છતા હોઇ, રંજનબેન અને પંકજભાઈ રાખોલીયા સમક્ષ તેમની બીજી જન્મેલી દીકરી, પોતાને દત્તક આપી દેવા આગ્રહભરી વિનંતી કરી. પરંતુ પ્રથમ દીકરીની જેમ જ બીજી દીકરીને પણ અત્યંત ચાહતા એવા રાખોલીયા દંપતીએ શરૂઆતમાં તો સ્પષ્ટ 'ના' જ પાડી. પરંતુ દીકરી બે વર્ષની થયા બાદ બહેન-બનેવીના વારંવારના આગ્રહને વશ થઈ દિકરી આપવા હા પાડી. પરંતુ દિકરી આપ્યા બાદ રાખોલીયા દંપતિ સતત સુનમુન રહેતું હતું. થોડા જ દિવસોમાં રંજનબહેને રડી-રડીને ઝાલાવાડિયા પરિવાર પાસેથી દિકરી પરત લઈ લીધી.
થોડા સમય બાદ કુદરતની ઈચ્છા મુજબ રાખોલીયા દંપતીને ત્યાં ત્રીજી દીકરીનો જન્મ થયો. રાખોલીયા પરિવારે તો ત્રીજી દિકરીને પણ એટલા જ પ્રેમથી સ્વીકારી. સંબંધીઓને ખુશાલી સાથે જાણ પણ કરી. જતીનભાઈ અને ધર્મિષ્ઠાબહેને પોતાની 'મનકી બાત' ફરીથી જણાવી. આ વખતે દિકરી આપવા જીદ પકડી, દુરાગ્રહથી દિકરી પોતાને આપી દેવા દબાણ કર્યું. રાખોલીયા દંપતી હજુ પણ બાળકીને આપવા રાજી ન હતા.
પરંતુ જન્મના એકાદ કલાકમાં કુદરતે કઈંક જુદું નિર્માણ કર્યું. ડૉક્ટરશ્રીએ દિકરીના માતા-પિતા એવા રાખોલીયા દંપતિને કહ્યું, "બાળકના હૃદયના ધબકારા સંપૂર્ણ બંધ થઈ ગયા છે. વેન્ટિલેટર પર રાખેલ છે, રાહ જોઈએ શું થાય છે...!!"
ઝાલાવાડિયા દંપતીએ દિકરીની પરિસ્થિતિ જાણ્યા બાદ પણ દિકરીના માતા-પિતાને, જે તે સ્થિતિમાં દિકરી પોતાને દત્તક સોંપી દેવા આજીજી કરી.
રંજનબહેન તથા પંકજભાઈ દિકરીની સ્થિતિ જોતા સ્વાભાવિક અસમંજસમાં હતા. પરંતુ સામે પક્ષે ધર્મિષ્ટાબહેન તથા જતિનભાઈ બિલકુલ સ્પષ્ટ અને મક્કમ હતા. આ ઝાલાવાડિયા દંપતિ, દિકરીના માતા-પિતા બનવાની તક આપવા ભગવાનને પ્રાર્થના કરતા રહ્યા. રાખોલીયા દંપતિને મનાવતા રહ્યા. છેવટે રાખોલીયા દંપતિ ભારે હૈયે દિકરી આપવા તૈયાર થયા અને 'હા' પાડી.
ડૉક્ટરશ્રી તો દત્તક આપવાની ચર્ચાની બાબતથી સંપૂર્ણ અજાણ હતા. પરંતુ અહીં કુદરતનો ચમત્કાર થયો. રાખોલીયા દંપતિએ 'હા' પાડયાના માત્ર પાંચ જ મિનિટમાં, ડૉક્ટરશ્રીના પણ આશ્ચર્ય વચ્ચે, વેન્ટિલેટર પર રાખેલી ઢીંગલીના હૃદયના સ્પંદન શરૂ થયા. દસેક મિનિટ બાદ તો ડૉક્ટરશ્રીએ બહાર આવી દિકરી હવે નોર્મલ હોવાના ખુશખબર આપ્યા.
બન્ને દંપતિની આંખો પાણીથી ભરાઈ ગઈ. કેટલીક સારવારના અંતે દિકરી ઘરે આવી. ચારેક મહિના બાદ, ઝાલાવાડિયા દંપતિએ દત્તક વિધિ પૂર્ણ કરી અને નવા માતા-પિતા પાસે દિકરી આવી. તેનું ભવ્ય સ્વાગત થયું.
આખો પ્રસંગ કુદરતે પ્રિ-પ્લાનિંગ કરેલો હોય તેવો છે.
ઢીંગલીને ભગવાન લાંબુ આયુષ્ય આપે અને બન્ને દંપતિઓની ઈચ્છા પૂર્ણ થાય તેવી પ્રાર્થના.