ઉનાથી આમોદ્રા મારી રોજની સર્વિસ મુજબ અપ-ડાઉન કરવાનું થાય. એમાંય હમણા કોવીડ - 19 મહામારીને કારણે શાળાનો સમય સવારે 07:30 થી 12:30. સવારે શાળાએ જતા કે બપોરે ઘરે પરત ફરતી વખતે રસ્તે ચાલતા આવતા વ્યક્તિ ઈચ્છે તો બાઈકમાં બેસાડી લેવાની ટેવ ખરી.
થોડા દિવસ અગાઉ આ (ત્યારે) અજાણ્યા વ્યક્તિ એક થેલા સાથે ચાલીને જતા હતા. મેલાઘેલા કપડા, સારો એવો તડકો ઉપરાંત વજનદાર થેલો ધરાવતા ધીરુભાઈને મને-કમને બેસાડી તો લીધા. રસ્તામાં વાત થતા પરિચય થયો. ઉનાના ટાવર ચોક નજીક બેસીને દાતણ વેંચી ગુજરાન ચલાવે તે પણ જાણ્યું. ઉનાની ત્રિકોણબાગ પાસે ઉતારી દીધા.
થોડા દિવસો બાદ, ફરી એકવાર સાથે થઇ જતા હવે ઓળખતો હોવાથી બાઈકમાં બેસાડ્યા. મેં તેમની ઉંમર બાબતે પૂછપરછ કરતા તેઓ 79 વર્ષના છે તે પણ જાણ્યું. તેમના કહેવા મુજબ તેઓનું જન્મવર્ષ 1941 છે.
વિશેષ વાતો દ્વારા તેમની ઈત્તર પ્રવૃત્તિ સાંભળી આશ્ચર્ય સાથે માન થયું.
તેઓના દાંતણ સાંજે સાડા છ થી સાત વાગ્યે વેંચાઈ જાય પછી તેઓ ઘરે ચાલ્યા જવાને બદલે ઉનામાં કેટલાક ઘરે ફરી (તેમના જ શબ્દોમાં કહું તો કોળી તથા મુસ્લિમ વિસ્તારમાંથી) જમવાનું ઉઘરાવે. પછી ઉનાની ગલીઓમાં ફરી ગાંડા, અનાથ તથા ઘર વિહોણા લોકો પાસે જઈ જમવાનું આપે. તેમાં વળી કોઈ વધુ મુશ્કેલીમાં દેખાય તો વિશેષ ધ્યાન આપે. તેમણે મને, રસ્તામાં બે/ત્રણ વ્યક્તિઓને બતાવ્યા પણ ખરા કે જેમને તેઓ જમવાનું આપતા હોય. એક સાવ લઘર વઘર (કદાચ મંદ બુદ્ધિના) વ્યક્તિએ આ ધીરુભાઈને જોયા તો મસ્ત સ્મિત આપ્યું. તે જોઈ વિશ્વાસ બેસી ગયો કે ધીરુભાઈ સાવ સાચા છે.
મેં કે તમે એવા ઘણા દાનવીર જોયા હશે કે જેમને કુદરતે ખુબ આપ્યું હોય અને તેમના ઉદાર સ્વભાવ સાથે તેઓ દાન કરતા હોય, જરૂરીયાતવાળાને મદદરૂપ થતા હોય. તેમને ખુબ ખુબ વંદન.
પરંતુ પોતાની પાસે કાંઈ ન હોય છતાં, બીજાનું પેટ ઠારે એવા આ ધીરુભાઈ જેવા દાનવીર કદાચ અજોડ હશે. આવા ધીરુભાઈને મારી બાઈક પર બેસાડી હું ધન્ય થયો. ભગવાન તેમનું ભલું કરે.